Fumio Kishida : ...તો આખુ જાપાન નકશામાંથી ગાયબ થઈ જશે : ગંભીર ચેતવણી
માસાકો મોરીએ ટોક્યોમાં એક મુલાકાતમાં જણાવ્યું હતું કે, જાપાને 28 ફેબ્રુઆરીએ જાહેરાત કરી હતી કે દેશનો જન્મદર ગયા વર્ષે રેકોર્ડ નીચલા સ્તરે પહોંચ્યો હતો.
Drop in Birthrate in Japan : જો જાપાન જન્મ દરમાં ઘટાડો અટકાવે નહીં, તો તેનું અસ્તિત્વ સમાપ્ત થઈ શકે છે. દેશના વડાપ્રધાન ફુમિયો કિશિદાના સલાહકારે આ આશંકા વ્યક્ત કરી છે. જન્મદરમાં ઘટાડો થવાને કારણે સામાજિક સુરક્ષા અને અર્થવ્યવસ્થા પર પ્રતિકૂળ અસર થવાની સંભાવના છે. જો આપણે આ રીતે ચાલતા રહીશું, તો દેશ 'અદૃશ્ય થઈ જશે'. માસાકો મોરીએ ટોક્યોમાં એક મુલાકાતમાં દેશવાસીઓને ગંભીર ચેતવણી આપતા જણાવ્યું હતું કે, જાપાને 28 ફેબ્રુઆરીએ જાહેરાત કરી હતી કે દેશનો જન્મદર ગયા વર્ષે રેકોર્ડ નીચલા સ્તરે પહોંચ્યો હતો.
બ્લૂમબર્ગના અહેવાલ મુજબ ગયા વર્ષે જાપાનમાં જન્મેલા લોકો કરતાં લગભગ બમણા લોકો મૃત્યુ પામ્યા હતા. દેશમાં 8 લાખથી ઓછા બાળકોનો જન્મ થયો હતો જ્યારે લગભગ 1.58 મિલિયન (15 લાખ 80 હજાર) લોકો મૃત્યુ પામ્યા હતા. જેને લઈને ખૂબ જ ચિંતિત PM કિશિદાએ ઘટી રહેલા જન્મ દરને અંકુશમાં લેવા બાળકો અને પરિવારો પરના ખર્ચને બમણો કરવાની પ્રતિજ્ઞા લીધી હતી.
નોંધપાત્ર રીતે જાપાનની વસ્તી વર્ષ 2008માં તેના 128 મિલિયન (12 કરોડ, 80 લાખ)ના ટોચના સ્તરથી ઘટીને 124.6 મિલિયન (12 કરોડ, 40 લાખ) થઈ ગઈ છે. ચિંતાજનક બાબત એ છે કે, આ ઘટાડાની ગતિ સતત વધી રહી છે. દરમિયાન 65 કે તેથી વધુ વયના લોકોનું પ્રમાણ ગયા વર્ષે વધીને 29%થી વધુ થયું હતું. જ્યારે દક્ષિણ કોરિયામાં પ્રજનન દર ઓછો છે ત્યારે જાપાનની વસ્તી ઝડપથી ઘટી રહી છે.
સાંસદ અને ઉપલા ગૃહમાં ભૂતપૂર્વ મંત્રી મોરીએ કહ્યું હતું કે, તે (જન્મ દર) ધીમે ધીમે નથી ઘટી રહ્યો પરંતુ તે ઝડપથી નીચે જઈ રહ્યો છે. તે પીએમ કિશિદાને જન્મ અને LGBTQ મુદ્દાઓ પર સલાહ આપે છે. તેમણે એક સ્વરમાં ચેતવણી આપી હતી કે, જો કંઇ કરવામાં નહીં આવે તો સામાજિક સુરક્ષા વ્યવસ્થા પડી ભાંગશે. ઔદ્યોગિક અને આર્થિક તાકાતમાં ઘટાડો થશે અને દેશની સુરક્ષા માટે સુરક્ષા દળોમાં પૂરતી ભરતી થશે નહીં. તેમણે વધુમાં કહ્યું હતું કે, બાળજન્મની ઉંમરની મહિલાઓની સંખ્યામાં ઘટાડો થવાને કારણે હવે આ 'સ્થિતિ'ને ઉલટાવવી અત્યંત મુશ્કેલ બનશે. સરકારે જન્મ દરના આ ઘટાડાને ઓછો કરવા અને નુકસાન ઘટાડવામાં મદદ કરવા માટે શક્ય તેટલું બધું કરવું જોઈએ.