India-Canada Relations : ભારતનો પ્રવાસ કરી રહેલા લોકોની કરાશે 'વિશેષ તપાસ', કેનેડાની મોટી જાહેરાત
India-Canada Relations : કેનેડા સરકારના પરિવહન મંત્રી અનિતા આનંદે એક નિવેદન બહાર પાડ્યું છે. નિવેદનમાં તેમણે કહ્યું કે તેમનું મંત્રાલય ભારત પ્રવાસ કરતા લોકો માટે સુરક્ષા ઉપાયો કરશે
India-Canada Relations : ભારત અને કેનેડા વચ્ચેના સંબંધોમાં ગયા વર્ષથી ખૂબ તણાવ વધી ગયો છે. દરમિયાન કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ભારત પર ઘણા આરોપો લગાવ્યા હતા. જેના પર ભારત તરફથી પણ આકરી પ્રતિક્રિયા આપવામાં આવી હતી. હવે કેનેડાએ એક નવી જાહેરાત કરી છે. કેનેડા સરકારના પરિવહન મંત્રી અનિતા આનંદે સોમવારે (18 નવેમ્બર) એક નિવેદન બહાર પાડ્યું છે. નિવેદનમાં તેમણે કહ્યું કે તેમનું મંત્રાલય ભારત પ્રવાસ કરતા લોકો માટે સુરક્ષા ઉપાયો કરશે. તેમણે ભારત પ્રવાસ કરતા લોકોની તપાસમાં 'અત્યંત સાવધાની' રાખવાની વાત કરી છે.
કેનેડામાં અસ્થાયી રૂપે ‘વધારાની તપાસ’ લાગુ કરાઇ
તેમણે કહ્યું હતું કે ટ્રાન્સપોર્ટ કેનેડાએ ભારત આવતા મુસાફરો માટે અસ્થાયી ધોરણે વધારાના સુરક્ષા સ્ક્રીનીંગ કરવાની શરૂઆત કરી છે. કેનેડા સરકારના આ નવા સુરક્ષા-સંબંધિત નિયમો અમલમાં છે ત્યારે મુસાફરોને સ્ક્રીનીંગમાં થોડો વિલંબ થઈ શકે છે. અન્ય એક સરકારી અધિકારીએ સીબીસી ન્યૂઝને માહિતી આપી છે કે કેનેડામાં આ પગલાં કેનેડિયન એર ટ્રાન્સપોર્ટ સિક્યુરિટી ઓથોરિટી (CATSA) દ્વારા લેવામાં આવી રહ્યા છે. તે કેનેડામાં એરપોર્ટના પ્રતિબંધિત વિસ્તારોમાં પ્રવેશતા પહેલા મુસાફરો અને તેમના સામાનની તપાસ માટે જવાબદાર એજન્સી છે.
CATSA દ્વારા હાથ ધરવામાં આવતી સ્ક્રીનીંગમાં જ્યારે કોઈ વ્યક્તિ શંકાસ્પદ હોય અથવા તેને શોધી કાઢવાની જરૂર હોય ત્યારે હાથની તપાસ, એક્સ-રે મશીન દ્વારા કેરી-ઓન બેગ પસાર કરવી અને મુસાફરોની શારીરિક તપાસનો પણ સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે કેનેડાના ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનનો કોઈ ઘટના સાથે કોઈ સંબંધ નથી. તેમણે આ પાછળનું કોઈ નક્કર કારણ પણ જાહેર કર્યું નથી. તેથી આ પગલા લેવા પાછળ કેનેડાનો ઈરાદો શું છે તેવો પ્રશ્ન ઉઠવો સ્વાભાવિક છે.