Indo-US : દુનિયાના સૌથી ઘાતક ડ્રોન ખરીદશે ભારત, 1200kmથી જ દુશ્મનોનો ખેલ ખતમ
આ મુલાકાત પહેલા જ ભારતનો અમેરિકા પાસેથી મહાવિનાશક હથિયાર ખરીદરવાનો માર્ગ મોકળો બન્યો છે. અમેરિકાની હથિયાર બનાવતી કંપનીએ તેને લીલી ઝંડી પણ આપી દીધી છે.
Armed Drones Deal : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી સપ્તાહે અમેરિકાની મુલાકાતે જવાના છે. પીએમ મોદીની આ અમેરિકી મુલાકાત પર દુનિયા આખીની નજર છે. પરંતુ આ મુલાકાત પહેલા જ ભારતનો અમેરિકા પાસેથી મહાવિનાશક હથિયાર ખરીદરવાનો માર્ગ મોકળો બન્યો છે. અમેરિકાની હથિયાર બનાવતી કંપનીએ તેને લીલી ઝંડી પણ આપી દીધી છે.
રક્ષા અધિગ્રહણ પરિષદે અમેરિકી કંપની જનરલ એટોમિક્સ પાસેથી પ્રીડેક્તર એમક્યૂ-9બી રીપર્સ (MQ-9B Reapers) ડ્રોન વિમાન ખરીદવાના પ્રસ્તાવને મંજુરી આપી દીધી છે. ભારત અમેરિકા પાસેથી MQ-9B Reapers પ્રકારના 30 ડ્રોન ખરીદશે. આ ડીલથી ભારતની હવાઈ તાકાતમાં અનેકગણો વધારો થશે.
હાલ ભારતીય નૌકાદળે આ પ્રકારના બે ડ્રોન ભાડા પટ્ટે લીધેલા છે. MQ-9B Reapers ડ્રોનને દુનિયાના સૌથી ઘાતક ડ્રોન માનવામાં આવે છે. આ ડ્રોન દ્વારા 1200 કિલોમીટર દૂરથી દુશ્મન પર મિસાઈલથી હુમલો કરી શકાય છે. તેનો ઉપયોગ અમેરિકાએ ઈરાક અને અફઘાનિસ્તાનમાં આતંકવાદીઓ વિરુદ્ધ કર્યો હતો.
ત્રણ અબજ ડોલરનો હશે આ ડ્રોન સોદો : સૂત્ર
સમાચાર એજન્સી પીટીઆઈના સૂત્રોના જણાવ્યા પ્રમાણે ચીન સાથે અડીને આવેલી એલએસી પર ભારતીય સશસ્ત્ર દળો દ્વારા ચોકસાઈ માટે અમેરિકા પાસેથી આ MQ-9B Reapers ડ્રોન ખરીદવામાં આવશે. હરિયારોની આ ડીલ આશરે 3 અબજ ડૉલરનો હશે. આ સોદાને સંરક્ષણ મંત્રાલયે પણ લીલી ઝંડી આપી દીધી છે.
સોદાની જાહેરાતનું ટાઈમિંગ હશે ખાસ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી સપ્તાહે અમેરિકાના પ્રવાસે જવાના છે. જ્યાં વ્હાઈટ હાઉસમાં તેમની અમેરિકી રાષ્ટ્રપ્રમુખ જો બાઈડન સાથે મુલાકાત થશે. ડ્રોન સોદાની જાહેરાત પણ પીએમ મોદી અને રાષ્ટ્રપતિ જો બાઈડનની મુલાકાત દરમિયાન કરવામાં આવી શકે છે.
ઘટનાક્રમથી વાકેફ લોકોએ જણાવ્યું હતું કે, ગુરુવારે DACની બેઠકમાં ડ્રોન ખરીદવાના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી હતી. રક્ષા મંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં આ બેઠક યોજાઈ હતી.
આ ડ્રોન દરિયાઈ દેખરેખ સહિત અનેક ભૂમિકાઓ ભજવવા સક્ષમ
MQ-9B રીપર્સ ડ્રોનના બે પ્રકાર છે, જે સ્કાય ગાર્ડિયન અને સી ગાર્ડિયન તરીકે ઓળખાય છે. ભારતના ત્રણેય સશસ્ત્ર દળો માટે 'સી ગાર્ડિયન' વેરિઅન્ટની ખરીદી કરવામાં આવી છે. આ ડ્રોનનો ઉપયોગ દરિયાઈ દેખરેખમાં થઈ શકે છે, તેમજ એન્ટી-સબમરીન યુદ્ધ સહિતની વિવિધ ભૂમિકાઓ પણ ભજવી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર અમેરિકા પાસેથી ખરીદવામાં આવનાર 30 ડ્રોનમાંથી 14 નેવીને સોંપી શકાય છે જ્યારે એરફોર્સ અને આર્મીને આઠ-આઠ ડ્રોન મળી શકે છે.