(Source: Poll of Polls)
પાકિસ્તાનને લાગશે 'પાણી અને વીજળીનો આંચકો'! સિંધુ જળ સંધિ સ્થગિત થયા બાદ ભારતનો મોટો પ્લાન
ચિનાબ, ઝેલમ અને સિંધુ નદીઓ પરના પ્રોજેક્ટ પર કામ ઝડપી બન્યું; ભારત પ્રતિ સેકન્ડ ૧૫૦ ઘન મીટર પાણી ડાયવર્ટ કરી શકશે; નવા ડેમ અને નહેરોથી પાકિસ્તાનની ૮૦% ખેતી અને વીજળી ઉત્પાદન પર અસર.

Indus river project India Pakistan: ભારત અને પાકિસ્તાન વચ્ચેના તાજેતરના તણાવ અને ભારતીય કાર્યવાહી બાદ સિંધુ જળ સંધિના ભવિષ્ય અંગે પ્રશ્નાર્થ સર્જાયો છે. સંધિ સ્થગિત થયા બાદ ભારતે સિંધુ નદી પ્રણાલી પર કેટલાક પ્રોજેક્ટ્સ પર કામ ઝડપી બનાવ્યું હોવાના અહેવાલો છે, જે પાકિસ્તાનમાં ગભરાટનું કારણ બની શકે છે. આ નવા પ્રોજેક્ટ્સ દ્વારા ભારત પાકિસ્તાનને પાણી અને વીજળીનો 'આંચકો' આપવાની યોજના બનાવી રહ્યું હોવાનું મનાય છે.
રોઇટર્સના એક અહેવાલ મુજબ, ૨૨ એપ્રિલે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ સિંધુ જળ સંધિ સ્થગિત કરવામાં આવી ત્યારથી, ભારતે ચિનાબ, ઝેલમ અને સિંધુ નદીઓ પરના પ્રોજેક્ટ પર કામ ઝડપી બનાવ્યું છે. પાકિસ્તાન તેની ૮૦ ટકા ખેતી માટે સિંધુ નદીના પાણી પર નિર્ભર છે, અને ભારતના આ નવા પ્રોજેક્ટ્સ હેઠળ પાકિસ્તાનનું પાણી રોકવામાં આવી રહ્યું હોવાના દાવાઓથી ત્યાંના લોકોમાં ગભરાટ ફેલાયો છે.
આ પ્રદેશના મુખ્ય પ્રોજેક્ટ્સમાંનો એક ચેનાબ નદી પર રણબીર બંધની લંબાઈને બમણી કરીને ૧૨૦ કિલોમીટર કરવાનો છે. આ નદીનું પાણી ભારતમાં થઈને પાકિસ્તાનના પંજાબના કૃષિ વિસ્તારમાં જાય છે. રિપોર્ટ અનુસાર, જ્યારે ભારત તેનો પ્રોજેક્ટ પૂર્ણ કરશે, ત્યારે તે પ્રતિ સેકન્ડ ૧૫૦ ઘન મીટર પાણી વાળવામાં સક્ષમ હશે, જ્યારે હાલમાં તે ફક્ત ૪૦ ઘન મીટર પાણી વાળવામાં સક્ષમ છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી ઇશાક ડારે પણ આ મુદ્દો ઉઠાવ્યો છે અને ભારતને સંધિ પર પુનર્વિચાર કરવા પત્ર લખ્યો હોવાનું જણાવ્યું છે.
પાકિસ્તાન માટે પાણી અને વીજળીની મુશ્કેલી
ભારતના આ પગલાથી પાકિસ્તાનને પાણીની સાથે સાથે વીજળી માટે પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. રણબીર નહેરના વિસ્તરણની યોજના સાથે, ભારત એવા પ્રોજેક્ટ્સ પર પણ વિચાર કરી રહ્યું છે જે પાકિસ્તાનને ફાળવવામાં આવતી નદીઓના પાણીના પ્રવાહને ઘટાડશે. આના કારણે, પાકિસ્તાનને પોતાના માટે વીજળી ઉત્પન્ન કરવામાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડશે. વોશિંગ્ટન સ્થિત સેન્ટર ફોર સ્ટ્રેટેજિક એન્ડ ઇન્ટરનેશનલ સ્ટડીઝના જળ સુરક્ષા નિષ્ણાત ડેવિડ મિશેલે જણાવ્યું છે કે ડેમ, નહેરો જેવી માળખાગત સુવિધાઓ બનાવવામાં સમય લાગશે, પરંતુ પાકિસ્તાનને ખ્યાલ આવી ગયો છે કે તેને ભારત તરફથી કેવા પ્રકારના દબાણનો સામનો કરવો પડી શકે છે.
હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ્સ અને ભારતનું વલણ
રિપોર્ટ અનુસાર, ભારતે જમ્મુ અને કાશ્મીર ક્ષેત્રમાં હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ્સની યાદી તૈયાર કરી છે, જે વીજળી ઉત્પાદન ૩,૩૬૦ મેગાવોટથી વધારીને ૧૨,૦૦૦ મેગાવોટ કરશે. આ પ્રોજેક્ટ્સમાં એવા બંધોનો પણ સમાવેશ થાય છે જે મોટા પ્રમાણમાં પાણીનો સંગ્રહ કરી શકે છે, જે સિંધુ નદી પ્રણાલીમાં ભારત માટે પ્રથમ હશે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ કહ્યું છે કે પાણી અને લોહી એકસાથે વહી શકતા નથી. ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે ૧૩ મે, ૨૦૨૫ ના રોજ જણાવ્યું હતું કે જ્યાં સુધી પાકિસ્તાન આતંકવાદને સમર્થન આપવાનું બંધ ન કરે ત્યાં સુધી ભારત સિંધુ જળ સંધિને સ્થગિત રાખશે.





















