ઈઝરાયલમાં બંધક બનાવેલા લોકોમાં સામેલ હોઈ શકે છે અમેરિકી, વિદેશ મંત્રી એન્ટની બ્લિંકનનો દાવો
અમેરિકી વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને દાવો કર્યો છે કે ઈઝરાયેલ પર હમાસના હુમલામાં માર્યા ગયેલા અને બંધક બનાવવામાં આવેલા લોકોમાં ઘણા અમેરિકનો હોઈ શકે છે.
Israel-Palestine Conflict: અમેરિકી વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને દાવો કર્યો છે કે ઈઝરાયેલ પર હમાસના હુમલામાં માર્યા ગયેલા અને બંધક બનાવવામાં આવેલા લોકોમાં ઘણા અમેરિકનો હોઈ શકે છે. તેમણે કહ્યું કે અમે બંધકોને લઈને ઘણા અહેવાલો જોયા છે. અમે તેમને ચકાસવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. જો કોઈ અમેરિકનને ગમે ત્યાં અટકાયતમાં લેવામાં આવ્યા હશે તો તેમને બચાવવા અમારી પ્રાથમિકતા રહેશે.
હમાસે શનિવારે (7 ઓક્ટોબર) ઇઝરાયેલ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં સેંકડો લોકો માર્યા ગયા છે અને હમાસે ઘણા નાગરિકો અને સૈનિકોને બંધક બનાવ્યા છે.
શનિવારે સવારે (7 ઓક્ટોબર) પેલેસ્ટિનિયન ઉગ્રવાદી સંગઠન હમાસના હુમલાખોરોએ અચાનક મધ્ય પૂર્વના દેશ ઇઝરાયેલ પર પાણી, જમીન અને આકાશ ત્રણેય બાજુથી હુમલો કર્યો, જેના કારણે ઇઝરાયેલને ભારે નુકસાન થયું. આ અચાનક હુમલાને કારણે ફરીથી બેઠું થવાની કોઇ તક ના મળી.
આ હુમલા સાથે જોડાયેલા કેટલાય ભયાનક વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થયા છે, જેમાં જોઈ શકાય છે કે કેવી રીતે હમાસના હુમલાખોરોએ ઈઝરાયેલમાં બર્બરતા આચરી છે. કેટલીક જગ્યાએ યુવતીઓ અને મહિલાઓને બળજબરીથી લઈ જવામાં આવે છે તો કેટલીક જગ્યાએ મહિલાઓની હત્યા કરીને લાશ સાથે ક્રૂરતા આચરવામાં આવે છે. બાળકો અને વૃદ્ધોને પણ બક્ષવામાં આવ્યા નથી. ઈઝરાયેલના નિર્દોષ લોકો પર થયેલા આ હુમલાને લઈને સમગ્ર વિશ્વમાં ગુસ્સાનું વાતાવરણ છે.
દરમિયાન, વિશ્વભરના દેશોએ ઇઝરાયેલ અને પેલેસ્ટાઇનની તરફેણમાં અલગ-અલગ એકત્ર થવાનું શરૂ કર્યું છે. અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, યુક્રેન, ભારત સહિત વિશ્વના ઘણા દેશોએ ખુલ્લેઆમ ઈઝરાયેલને સમર્થન જાહેર કર્યું છે, જ્યારે કેટલાક દેશો એવા છે કે જેણે પેલેસ્ટાઈનના સમર્થનમાં નિવેદનો આપ્યા છે.
જ્યારે ચીન, તુર્કી અને રશિયાએ કોઈનું સમર્થન કર્યું નથી અને આ સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી છે. આવો આજે અમે તમને સ્ટેપ બાય સ્ટેપ જણાવીએ કે આ યુદ્ધમાં કયો દેશ કોની સાથે ઉભો છે.
ઇઝરાયેલના પક્ષમાં કયા કયા દેશો છે -
અમેરિકાઃ વિશ્વના સૌથી શક્તિશાળી દેશ ગણાતા અમેરિકાએ ઈઝરાયેલને સમર્થન આપવાની જાહેરાત કરી છે. રાષ્ટ્રપતિ જો બાઇડેન શનિવારે સાંજે જ કહ્યું હતું કે અમેરિકા દરેક રીતે ઇઝરાયલની સાથે છે. તેણે ઈઝરાયેલના અન્ય દુશ્મન દેશોને પણ ચેતવણી આપી છે જેઓ પરિસ્થિતિનો લાભ લેવાનો પ્રયાસ કરી રહ્યા હતા.
રાષ્ટ્રપતિ જો બાઇડેને કહ્યું કે તે ખોટું છે કે હમાસના હુમલાખોરો ઇઝરાયલી સૈનિકો અને નાગરિકોને રસ્તા પર અને તેમના ઘરોમાં મારી રહ્યા છે. અમે ઇઝરાયેલને મદદ કરવા માટે દરેક રીતે તૈયાર છીએ. તેને પોતાને અને તેના લોકોનું રક્ષણ કરવાનો અધિકાર છે. વળી, અમેરિકી રક્ષા મંત્રી લૉયડ ઓસ્ટિને કહ્યું છે કે તેઓ એ વાતનું ધ્યાન રાખશે કે ઈઝરાયેલની સુરક્ષામાં કોઈ ખામી ન રહે.
ભારત: ભારતે પણ સંકટના આ સમયમાં તેના વ્યૂહાત્મક ભાગીદાર ઈઝરાયેલ સાથે એકતા વ્યક્ત કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે સંકટના આ સમયમાં ભારત ઈઝરાયેલની સાથે છે. તેમણે હમાસના હુમલામાં જીવ ગુમાવનારા લોકોના પરિવારો પ્રત્યે સંવેદના પણ વ્યક્ત કરી છે.
ઓસ્ટ્રેલિયાઃ ઓસ્ટ્રેલિયાએ પણ ઈઝરાયેલને સમર્થન જાહેર કર્યું છે. વડાપ્રધાન એન્થૉની અલ્બેનિસે કહ્યું કે આ સમયે અમે અમારા મિત્ર ઈઝરાયેલની સાથે ઉભા છીએ. ઈઝરાયેલને પોતાનો બચાવ કરવાનો અધિકાર છે.
યૂક્રેનઃ રશિયા સાથે વિવિધ મોરચે યુદ્ધ લડી રહેલા યૂક્રેને પણ ઈઝરાયેલને સમર્થન જાહેર કર્યું છે. યૂક્રેનના વિદેશ મંત્રાલયે હમાસના ઈઝરાયેલ વિરુદ્ધ હુમલાની નિંદા કરી છે. તેમને કહ્યું- "અમે આ યુદ્ધમાં ઇઝરાયેલ સાથે છીએ,"
બ્રિટનઃ બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનકે કહ્યું છે કે ઈઝરાયેલને પોતાની સુરક્ષાનો સંપૂર્ણ અધિકાર છે. તેણે હમાસ દ્વારા કરવામાં આવેલા હુમલા પર પણ આશ્ચર્ય વ્યક્ત કર્યું છે.