ઈઝરાયલની નવી ચેતવણી, અત્યાર સુધીમાં ઈરાનમાં હુમલામાં 600થી વધુ લોકોના મોત
ઈરાનને ટ્રમ્પની ધમકી વચ્ચે ઈઝરાયલે બુધવારે રાત્રે ઈરાન પર હુમલો કર્યો છે.

ઈરાન-ઈઝરાયલ (Iran-Israel conflict) માં તણાવ હવે યુદ્ધમાં ફેરવાઈ ગયો છે. ઈરાનના સુપ્રીમ લીડર અલી ખામેનેઇએ પોતે ખુલ્લેઆમ કહ્યું છે કે યુદ્ધ હવે શરૂ થઈ ગયું છે. દરમિયાન અમેરિકાએ પણ ઈઝરાયલને ટેકો આપ્યો છે અને ઈરાન પર હુમલો કરવાની તૈયારી કરી છે.
ઈરાનને ટ્રમ્પની ધમકી વચ્ચે ઈઝરાયલે બુધવારે રાત્રે ઈરાન પર હુમલો કર્યો છે. ઈઝરાયલે ઈરાન પર ડઝનબંધ મિસાઈલોથી હુમલો કર્યો હતો. તેહરાનમાં અનેક વિસ્ફોટ પણ સાંભળવામાં આવ્યા હતા અને ઘણા લોકોના મોતના સમાચાર પણ પ્રાપ્ત થયા છે.
ઈરાન દ્વારા યુદ્ધવિરામનો ઇનકાર કર્યા પછી ઈઝરાયલે તેના હુમલાઓ વધુ તીવ્ર બનાવી દીધા છે. ઈઝરાયલી સંરક્ષણ દળ (IDF) એ કહ્યું કે તેણે ઈરાની રાજધાની તેહરાન પર ફરીથી હુમલાઓ શરૂ કરી દીધા છે. આ સાથે ઈઝરાયલે ઈરાનના લોકોને ચેતવણી આપી છે. લોકોને કહેવામાં આવ્યું છે કે અરાક અને ખોદબ પર મોટા હુમલા થવાના છે અને તેઓએ તે પહેલાં જ ત્યાંથી નીકળી જવું જોઈએ.
બીજી તરફ, ઈરાને પણ મોડી રાત્રે ઈઝરાયલ પર ઘણી મિસાઈલોથી હુમલો કર્યો જેના કારણે આખા ઈઝરાયલમાં સાયરન વાગવા લાગ્યા હતા. જોકે, ઈઝરાયલે કહ્યું કે તેણે ઈરાનના ઘણા મિસાઈલો અને ડ્રોનને તોડી પાડ્યા છે.
અગાઉ, ઈરાનના સુપ્રીમ લીડર ખામેનેઇએ ટ્રમ્પના શરણાગતિના આહવાનને નકારી કાઢ્યું હતું અને ચેતવણી આપી હતી કે જો અમેરિકા ઈરાન-ઈઝરાયલ સંઘર્ષમાં હસ્તક્ષેપ કરશે તો તેને મોટું નુકસાન થશે. ઈઝરાયલી સેનાએ ઈરાન પર હુમલો કરીને કહ્યું કે તેહરાન પરમાણુ શસ્ત્રો બનાવવાની ખૂબ નજીક છે. ઈઝરાયલે આ મિશનને ઓપરેશન રાઇઝિંગ લાયન નામ આપ્યું છે. ઈઝરાયલે ઈરાન પર ઘણી વખત હુમલો કર્યો છે અને અત્યાર સુધીમાં 600 થી વધુ ઈરાની લોકો માર્યા ગયા છે.
ઓપરેશન શરૂ કરતા પહેલા ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ કહ્યું હતું કે તેમણે પરમાણુ અને બેલિસ્ટિક મિસાઈલના ખતરાઓને સમજીને આ હુમલાઓ શરૂ કર્યા છે.
અમેરિકા પણ ઈરાન પર હુમલો કરવાની તૈયારી કરી રહ્યું છે. બીજી તરફ, ટ્રમ્પ પણ આ યુદ્ધમાં કૂદવાની તૈયારી કરી રહ્યા છે. ટ્રમ્પે બુધવારે કહ્યું હતું કે તેઓ કંઈક મોટું કરવા જઈ રહ્યા છે, જેનો ઈરાનને પસ્તાવો થશે. વાસ્તવમાં ટ્રમ્પે ઈરાનને બિનશરતી શરણાગતિ સ્વીકારવાનું કહ્યું હતું





















