બાંગ્લાદેશે નોર્થ ઈસ્ટ રાજ્યોને બતાવ્યો પોતાનો હિસ્સો, મોહમ્મદ યુનુસે PAK જનરલને ગિફ્ટ કર્યો વિવાદીત નકશો
યુનુસે એક ખોટો નકશો રજૂ કર્યો હતો, જેમાં ભારતના ઉત્તરપૂર્વીય રાજ્યો આસામ, મેઘાલય, ત્રિપુરા, મિઝોરમ, મણિપુર, નાગાલેન્ડ અને અરુણાચલ પ્રદેશને બાંગ્લાદેશનો ભાગ દર્શાવવામાં આવ્યા હતા.

બાંગ્લાદેશના વચગાળાના વડા મુહમ્મદ યુનુસ ફરી એકવાર વિવાદમાં ફસાયા છે. તેમણે પાકિસ્તાનના એક ટોચના લશ્કરી અધિકારીને આપેલી ભેટથી ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના સંબંધોમાં તણાવ વધી શકે છે. યુનુસે એક ખોટો નકશો રજૂ કર્યો હતો, જેમાં ભારતના ઉત્તરપૂર્વીય રાજ્યો આસામ, મેઘાલય, ત્રિપુરા, મિઝોરમ, મણિપુર, નાગાલેન્ડ અને અરુણાચલ પ્રદેશને બાંગ્લાદેશનો ભાગ દર્શાવવામાં આવ્યા હતા.
Chairman, Joint Chiefs of Staff Committee of Pakistan Calls on Chief Adviser
— Chief Adviser of the Government of Bangladesh (@ChiefAdviserGoB) October 26, 2025
DHAKA, October 26: The visiting Chairman of Pakistan’s Joint Chiefs of Staff Committee (CJCSC), General Sahir Shamshad Mirza, paid a courtesy call on Chief Adviser Professor Muhammad Yunus at the State… pic.twitter.com/A9QmFMHk4F
યુનુસે આ વિવાદીત નકશો પાકિસ્તાનના જોઈન્ટ ચીફ્સ ઓફ સ્ટાફ કમિટીના ચેરમેન જનરલ સાહિર શમશાદ મિર્ઝાને ગિફ્ટમાં આપ્યો હતો. યુનુસના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર શેર કરાયેલા ફોટામાં આ ભેટ જોવા મળી હતી. ભેટમાં આપવામાં આવેલી આ પુસ્તકનું ટાઈટલ “Art of Triumph: Bangladesh’s New Dawn” હતું, જે 2024ના વિદ્યાર્થી આંદોલનને સમર્પિત હોવાનું કહેવાય છે, જે તે જ આંદોલન હતું જેણે શેખ હસીના સરકારને સત્તા પરથી ઉથલાવી હતી.
'ગ્રેટર બાંગ્લાદેશ'નો ખ્યાલ શું છે?
આ નકશો 'ગ્રેટર બાંગ્લાદેશ' ની વિવાદાસ્પદ વિચારધારા સાથે જોડાયેલો છે, જેને ઢાકા સ્થિત ઇસ્લામિક સંગઠન 'સુલ્તાનત-એ-બાંગ્લા' દ્વારા પ્રમોટ કરવામાં આવ્યો છે. આ નકશામાં ભારતના ઉત્તરપૂર્વીય રાજ્યો જ નહીં, પણ પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ, ઓડિશા અને મ્યાનમારના અરાકાન રાજ્યને પણ બાંગ્લાદેશનો ભાગ બતાવવામાં આવ્યું છે.
આ વિવાદીત નકશો સૌપ્રથમ એપ્રિલ 2025માં ઢાકા યુનિવર્સિટીમાં બંગાળી નવા વર્ષ 'પોઇલા વૈશાખ' નિમિત્તે આયોજિત એક પ્રદર્શનમાં સામે આવ્યો હતો. તે સમયે ભારતમાં તેની ટીકા થઈ હતી અને કોંગ્રેસના સાંસદ રણદીપ સિંહ સુરજેવાલાએ રાજ્યસભામાં આ મુદ્દો ઉઠાવ્યો હતો.
યુનુસના ભારત વિરોધી વિચારો
યુનુસે ભારતના ઉત્તરપૂર્વીય ક્ષેત્ર અંગે વિવાદાસ્પદ નિવેદનો આપ્યા હોય તેવું આ પહેલી વાર નથી. એપ્રિલ 2025માં ચીનની તેમની મુલાકાત દરમિયાન તેમણે કહ્યું હતું કે બાંગ્લાદેશ "પ્રદેશનો એકમાત્ર દરિયાઇ રક્ષક" છે, જ્યારે ભારતનો ઉત્તરપૂર્વીય પ્રદેશ "સંપૂર્ણપણે ભૂમિગત અને સમુદ્રથી કપાયેલો છે."
તેમના નિવેદનથી ભારતના વિદેશ પ્રધાન એસ. જયશંકરે કડક પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે ભારતનો ઉત્તરપૂર્વીય પ્રદેશ "BIMSTEC દેશો માટે એક મહત્વપૂર્ણ કનેક્ટિવિટી હબ" છે અને ભારતની વ્યૂહાત્મક શક્તિનું પ્રતિક છે.
શેખ હસીના સરકારના પતન પછી ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના સંબંધોમાં તણાવ આવ્યો હતો. યુનુસની ચીન અને પાકિસ્તાન સાથે વધતી જતી નિકટતા ભારત માટે ચિંતાનું કારણ બની છે. દરમિયાન, શેખ હસીનાના ભારતમાં આશ્રયથી ઢાકાના નવા શાસકો નારાજ થયા છે, જેના કારણે બંને દેશો વચ્ચે તણાવ વધુ વધ્યો છે.





















