લગ્નમાં ચાંલ્લાની સિસ્ટમ હવે અમેરિકામાં પણ શરૂ થઇ, કંકોત્રીમાં જ લખાય છે, ‘ગિફ્ટ નહીં, રૂપિયા આપો’
હવે અમેરિકામાં એક નવો ટ્રેન્ડ શરૂ થયો છે. અહીં વર-કન્યા લગ્નમાં ગિફ્ટના બદલે પૈસાની માંગણી કરી રહ્યા છે. કંકોત્રીમાં જ આ અંગે સંદેશ લખવામાં આવી રહ્યો છે.
લગ્નમાં ચાંલ્લાની સિસ્ટમ હવે અમેરિકામાં પણ શરૂ થઇ ગઈ છે. લગ્નની સિઝન હોય ત્યારે મહેમાનો વર-કન્યા માટે ભેટ લેવાનું ભૂલતા નથી. દરેક મહેમાન નવા યુગલને તેમની સ્થિતિ અનુસાર ભેટ આપે છે. પરંતુ જ્યારે આ મહેમાનોને ખબર પડે છે કે વર-કન્યાને ભેટને બદલે પૈસાની જરૂર છે, તો પછી શું થશે તેની કલ્પના કરો.
અમેરિકામાં નવો ટ્રેન્ડ
અમેરિકામાં આજકાલ નવો ટ્રેન્ડ ચાલી રહ્યો છે, અહીં વર-કન્યા પોતાના લગ્નમાં ગિફ્ટ નથી માગતા, પૈસા માંગે છે. જેમ ભારતમાં અને ખાસ કરીને ગુજરાતમાં સામાન્ય પરિવારના લગ્નમાં ચાંલ્લાની સિસ્ટમમાં પૈસા આપવામાં આવે છે એમ જ. આમ થવા પાછળ એક કારણ છે.
કંકોત્રીમાં જ લખ્યું - ગિફ્ટ નહીં, રૂપિયા આપો
કોરોનાએ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે. લોકડાઉન લાગુ થયા બાદ લોકોની હાલત કફોડી બની છે. ખિસ્સા ખાલી થવાથી અમેરિકન યુવાનો હવે ગિફ્ટની માગણી કરતા નથી. હવે તેમને બદલામાં પૈસા જોઈએ છે. આ માટે આ લોકોને આમંત્રણ કાર્ડ પર લખવામાં આવી રહ્યું છે કે લગ્નમાં આવો, ભોજન કરો અને તેનો સંપૂર્ણ આનંદ લો. જો તમે ગિફ્ટ લાવવાનું વિચારી રહ્યા છો, તો લાવશો નહીં, પરંતુ પૈસા આપીને જાઓ. તેની પાછળ આ લોકો દલીલ કરી રહ્યા છે કે તેમને તેમનું નવું ઘર ખરીદવું છે, જેના માટે પૈસાની જરૂર છે.
ભેટને બદલે પૈસા માંગવામાં કોઈ શરમ નથી
અમેરિકામાં ચાલી રહેલા આ નવા ટ્રેન્ડ મુજબ નવા કપલ પૈસા માંગવામાં શરમ અનુભવતા નથી. આ બાબતે એક નવા દંપતીનું કહેવું છે કે ઘણી બધી વણજોઈતી ભેટો મેળવવા કરતાં પૈસા માંગવા અથવા તેમની જરૂરિયાત આગળ મૂકવી વધુ સારું છે. એક નિવેદન અનુસાર જો કે અમેરિકન સંસ્કૃતિમાં વર્ષોથી ભેટ તરીકે પૈસા સ્વીકારવાનો રિવાજ રહ્યો છે, પરંતુ તે ક્યારેય ખુલ્લેઆમ માંગવામાં આવ્યો નથી, પરંતુ હવે લોકોનું વલણ બદલાઈ ગયું છે.
કોરોના બાદ આ ટ્રેન્ડ બદલાયો છે
અમેરિકામાં લગ્ન કરનારા લોકોનું કહેવું છે કે 2021થી અત્યાર સુધીમાં લગ્નમાં પૈસા માંગવાનું ચલણ વધ્યું છે. તો બીજી તરફ આવા ટ્રેન્ડ પર સવાલો ઉઠી રહ્યા છે. વિખ્યાત અમેરિકન કટારલેખક થોમસ ફાર્લી કહે છે કે લગ્ન એ ઉઘરાણી કરવાનું સાધન નથી પણ ઉત્સવ છે અને ઉત્સવમાં ભાગ લેવા માટે કોઈ કિંમત લઈ શકાતી નથી. જો કે તેણે એમ પણ કહ્યું છે કે આજના યુવાનો મોટી ઉંમરે લગ્ન કરે છે. કારણ કે મોટા ભાગના કિસ્સાઓમાં આ લોકો પહેલાથી જ સાથે રહેતા હોય છે, તેથી આવી સ્થિતિમાં આ લોકો પાસે તેઓને જોઈતી દરેક વસ્તુ હોય છે. તેથી આવી સ્થિતિમાં તેઓ પૈસાની માંગણી કરે છે.