Amreli Rain: લાંબા સમયના વિરામ બાદ અમરેલી જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ
હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. બપોર બાદ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો હતો.

અમરેલી : હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. બપોર બાદ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો હતો. લાંબા વિરામ બાદ અમરેલી જિલ્લાના ચલાલા, ધારી અને વડિયા પંથકમાં વરસાદ વરસી રહ્યો છે.
અમરેલી ગ્રામ્ય પંથકમાં જામ્યો વરસાદી માહોલ
અમરેલી જિલ્લામા વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. અમરેલી તાલુકાના ગ્રામ્ય પંથકમાં ઘીમીઘારે વરસાદ વરસી રહ્યો છે. અમરેલીના નાના ભંડારીયા, બાબાપુર સહિતના ગામડાઓમાં ઘીમીઘારે વરસાદ વરસ્યો છે. ઘીમીઘારે વરસાદ વરસતા વાતાવરણામાં ઠંડક પ્રસરી છે.
વડીયા શહેરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી
અમરેલીના વડીયા શહેરમાં પણ વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. વડીયા સહિત આસપાસના ગામોમાં વરસાદનું ધમાકેદાર રીતે આગમન થયું છે. વડીયાના મોરવાડા, ખડખડ સહિત ગામોમાં વરસાદ વરસ્યો છે. વડીયા શહેરમાં સારો વરસાદ પડતા રસ્તા પર વરસાદી પાણી જોવા મળ્યા છે. વરસાદી માહોલ જામતા સાતમ-આઠમના મેળાના આયોજકોમાં ચિંતાનો માહોલ છે. અમરેલી જિલ્લાના અનેક ગ્રામ્ય વિસ્તારમાં ઘીમીઘારે વરસાદ વરસી રહ્યો છે.
ધારીના ચલાલાના ગ્રામ્ય પંથકમાં ઘીમીઘારે વરસાદ વરસી રહ્યો છે. ઘીમીઘારે વરસાદ શરૂ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. ધારી પંથકમાં ઝરમર વરસાદ વરસી રહ્યો છે. ધારી પંથકના ગામડાઓમાં પણ સારો વરસાદ વરસી રહ્યો છે.
આજે આ જિલ્લાઓમાં ખાબકશે વરસાદ
આજે રાજ્યના 13 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં આજે ભારે વરસાદ ખાબકી શકે છે. અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.
16 ઓગસ્ટથી રાજ્યમાં વરસાદની જોર વધશે
16 ઓગસ્ટથી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદનું અનુમાન છે. આ સિસ્ટમની અસર 15 ઓગસ્ટથી જ ગુજરાત પર શરૂ થઈ શકે છે. ગાજવીજ સાથે રાજ્યના કેટલાક વિસ્તારમાં વરસાદની શરૂઆત થઈ શકે છે. 16 ઓગસ્ટથી ભારેથી અતિભારે વરસાદની શરૂઆત થઈ જશે. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત તથા સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી શકે છે.
રાજ્યમાં સિઝનનો સરેરાશ 63 ટકા વરસાદ નોંધાયો
ગુજરાતમાં સિઝનનો સરેરાશ 63 ટકા વરસાદ નોંધાયો છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 67.11 ટકા વરસાદ વરસ્યો છે. કચ્છમં 64.16 ટકા, ઉત્તર ગુજરાતમાં 65.47 ટકા, પૂર્વ મધ્યમાં 64.87 ટકા, સૌરાષ્ટ્રમાં 55. 11 ટકા વરસાદ નોંધાયો છે. સરદાર સરોવર ડેમ 82.91 ટકા ભરાયો છે, જ્યારે રાજ્યના અન્ય 206 જળાશયોમાં 67.97 ટકા પાણીનો સંગ્રહ થયો છે.





















