Pakistan : 'ભીખારી' પાકિસ્તાને હવે વધુ એક બંદર વેચવા કાઢ્યું, ગુજરાત સાથે સીધુ કનેક્શન
'એક્સપ્રેસ ટ્રિબ્યુન'ના અહેવાલ મુજબ, આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ (IMF)દ્વારા લોનના નાણાં રોકવાથી પાકિસ્તાન પરેશાન છે અને તેના પુનઃસ્થાપન માટે પોર્ટ પર સમાધાન કરવા તૈયાર જણાય છે.
Karachi port Terminals : આતંકવાદનું સમર્થક પાકિસ્તાનની હાલત દિવસે ને દિવસે કથળી રહી છે. દુનિયાભરમાં કટોરો લઈને ભીખ માંગવા છતાંયે કોઈએ ફદિયું પણ ના આપતા આખરે પાકિસ્તાને તેના વધુ એક બંદરને વેચવા કાઢ્યું છે. આર્થિક સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાને કરાચી પોર્ટ UAEને વેચવાની તૈયારી કરી લીધી છે. પાકિસ્તાની મીડિયાના અહેવાલો અનુસાર, શાહબાઝ શરીફની સરકારે ઇમરજન્સી ફંડ માટે નાણાં એકત્ર કરવા માટે કરાચી પોર્ટ ટર્મિનલ અંગે સંયુક્ત આરબ અમીરાત (UAE) સાથે કરારને અંતિમ સ્વરૂપ આપવા માટે વાટાઘાટ સમિતિની રચના કરી છે.
'એક્સપ્રેસ ટ્રિબ્યુન'ના અહેવાલ મુજબ, આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ (IMF)દ્વારા લોનના નાણાં રોકવાથી પાકિસ્તાન પરેશાન છે અને તેના પુનઃસ્થાપન માટે પોર્ટ પર સમાધાન કરવા તૈયાર જણાય છે. પાકિસ્તાનના નાણામંત્રી ઇશાક ડારે સોમવારે આંતર-સરકારી વાણિજ્યિક વ્યવહારો પરની કેબિનેટ સમિતિની બેઠક બોલાવી હતી. કેબિનેટની આ બેઠકમાં કરાચી પોર્ટ ટ્રસ્ટ (KPT) અને UAE સરકાર વચ્ચે વ્યાપારી કરાર પર વાટાઘાટો કરવા માટે એક સમિતિની રચના કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. માહિતી અનુસાર, આ સમિતિ કરાચી પોર્ટ ટર્મિનલને UAEને સોંપવા સંબંધિત સમજૂતીની રૂપરેખા તૈયાર કરશે. જાહેર છે કે, કરાંચી ગુજરાતના દરિયા કાંઠાની એકદમ નજીક છે. ભારતમાં 26/11ના મુંબઈ હુમલા માટે આવેલા તમામ પાકિસ્તાની આતંકીઓ કરાંચી બંદરેથી હોડીમાં બેસીને ભારત આવ્યા હતાં.
સમુદ્રી મામલાના મંત્રી ફૈઝલ સબજવારી આ સમિતિનું નેતૃત્વ કરશે. ઉલ્લેખનીય છે કે, UAE સરકારે ગયા વર્ષે 'પાકિસ્તાન ઇન્ટરનેશનલ કન્ટેનર ટર્મિનલ્સ' (PICT)ના નિયંત્રણ હેઠળ આવતા કરાચી પોર્ટ ટર્મિનલ્સને હસ્તગત કરવામાં રસ દાખવ્યો હતો.
પાકિસ્તાન માટે ઈમરજન્સી ફંડ એકત્ર કરવા માટે ગયા વર્ષે ઘડવામાં આવેલા કાયદા હેઠળ આ સોદો પ્રથમ આંતર-સરકારી વ્યવહાર હોઈ શકે છે. ગયા વર્ષે પાકિસ્તાન સરકારે આંતર-સરકારી વાણિજ્યિક વ્યવહાર અધિનિયમ ઘડ્યો હતો, જેનો ઉદ્દેશ્ય ભંડોળ ઊભું કરવા માટે ઝડપી-ટ્રેક ધોરણે રાજ્યની અસ્કયામતોનું વેચાણ કરવાનો હતો.
ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) પાસેથી USD 6.5 બિલિયન લોનની સંપૂર્ણ રકમ ન મળવાને કારણે પાકિસ્તાનને વધારાના ભંડોળની સખત જરૂર છે. ઈન્ટરનેશનલ મોનેટરી ફંડે વર્ષ 2019માં પાકિસ્તાનને $6.5 બિલિયનની લોન સહાય આપવા માટે સંમતિ દર્શાવી હતી. જો કે તેમાંથી પાકિસ્તાનને 2.5 બિલિયન ડોલર મળી શક્યા નહોતા.
IMFએ બાકીની રકમ માટે કેટલીક શરતો મૂકી છે. જો કે આ રકમ મેળવવા માટે પાકિસ્તાન સતત દાવો કરી રહ્યું છે કે, તેણે શરતો પૂરી કરી છે. પાકિસ્તાનને મળનારી IMFની રકમની સમયમર્યાદા આ મહિનાના અંત સુધીમાં પૂરી થવા જઈ રહી છે. આ જ કારણે પાકિસ્તાન શક્ય તેટલી વહેલી તકે ભંડોળની વ્યવસ્થા કરવા માટે હાંફળુ ફાંફળું થયું છે.