રશિયાનો 100થી વધુ ડ્રોનથી યુક્રેન પર ભીષણ હુમલો, હવે અમેરિકા ઝેલેન્સ્કીને આપશે હથિયાર
રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સકીએ દાવો કર્યો છે કે અન્ય યુક્રેનિયન શહેરો પર પણ હુમલો કરવામાં આવ્યો છે.

રશિયન સેનાએ મંગળવારે યુક્રેનિયન શહેર ઝપોરિઝિયા શહેર પર મોટા હુમલા કર્યા હતા. રશિયન સૈનિકોએ 100થી વધુ ડ્રોન અને લગભગ 150 ગ્લાઇડ બોમ્બ ફેંક્યા હતા. રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સકીએ દાવો કર્યો છે કે અન્ય યુક્રેનિયન શહેરો પર પણ હુમલો કરવામાં આવ્યો છે.
ઝેલેન્સકીએ યુરોપિયન એર ડિફેન્સ સિસ્ટમની જરૂર હોવાની કરી વાત
તેમણે યુરોપિયન નેતાઓ સમક્ષ યુરોપને સુરક્ષિત રાખવા માટે એર ડિફેન્સ સિસ્ટમની જરૂરિયાત વ્યક્ત કરી છે. યુક્રેને પણ વળતા હુમલાઓ કર્યા છે. યુક્રેનિયન સશસ્ત્ર દળોએ રાત્રે પશ્ચિમ રશિયાના સારાતોવ પ્રદેશમાં એક ઓઈલ રિફાઇનરી પર હુમલો કર્યો હતો.
ઝેલેન્સકીએ ટેલિગ્રામ પર કહ્યું હતું કે, "છેલ્લા બે અઠવાડિયામાં રશિયાએ યુક્રેનની અંદર 3,500થી વધુ ડ્રોન, 2,500થી વધુ શક્તિશાળી ગ્લાઇડ બોમ્બ અને લગભગ 200 મિસાઇલો છોડ્યા છે. બહુ-સ્તરીય હવાઈ સંરક્ષણ પ્રણાલી સાથે આપણે સંયુક્ત રીતે યુરોપનું રક્ષણ કરવાનો સમય આવી ગયો છે. આ માટે ટેકનોલોજી ઉપલબ્ધ છે. બધા ભાગીદારોએ મજબૂત પગલાં લેવા પડશે."
રશિયન ગ્લાઇડ બોમ્બ ફાઇટર પ્લેનથી ઊંચાઈ પરથી છોડવામાં આવે છે
નોંધનીય છે કે રશિયન ગ્લાઇડ બોમ્બ ફાઇટર પ્લેનથી ઊંચાઈ પરથી છોડવામાં આવે છે. ગ્લાઇડ બોમ્બ સામે યુક્રેન પાસે કોઈ અસરકારક ઉપાયો નથી. ઝેલેન્સકીએ લખ્યું હતું કે જ્યાં સુધી રશિયા ખરેખર ભારે નુકસાન સહન ન કરે - ખાસ કરીને આર્થિક નુકસાન - ત્યાં સુધી તે સાચી રાજદ્વારી અને યુદ્ધના અંતને ટાળતું રહેશે.
રશિયન બોમ્બમારાથી 20થી વધુ ઇમારતોને નિશાન બનાવવામાં આવી હતી, જેના કારણે આગ લાગી હતી. હુમલામાં ઝપોરિઝિયામાં એક વ્યક્તિનું મોત થયું હતું. આ હુમલામાં ચાર બાળકો સહિત 20 લોકો ઘાયલ થયા હતા. ઘણી જગ્યાએ આગ લાગી હતી. દરમિયાન, માયકોલાઈવ ક્ષેત્રમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે.
રશિયાએ યુક્રેનિયન જમીન પર કબજો કર્યા પછી યુક્રેનના ટોચના લશ્કરી કમાન્ડરે બે વરિષ્ઠ અધિકારીઓને હટાવ્યા છે. બ્રિટનની મુલાકાતે જઈ રહેલા ટ્રમ્પે વોશિંગ્ટનમાં પત્રકારોને જણાવ્યું હતું કે યુદ્ધનો અંત લાવવા માટે ઝેલેન્સકીને સમાધાન કરવું પડશે, જોકે તેમણે સ્પષ્ટતા કરી નથી કે તેમનો અર્થ શું હતો.
ટ્રમ્પ વહીવટીતંત્રે યુક્રેનને શસ્ત્ર સહાયને મંજૂરી આપી
ટ્રમ્પ વહીવટીતંત્રે યુક્રેન માટે યુએસ શસ્ત્ર સહાયના પ્રથમ પેકેજને મંજૂરી આપી છે. તે ટૂંક સમયમાં મોકલાશે. આ અંતર્ગત, વોશિંગ્ટન કિવને શસ્ત્રો મોકલવાનું ફરી શરૂ કરી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ વખતે સહાય સાથી દેશો સાથેના નવા નાણાકીય કરાર હેઠળ મોકલવામાં આવશે. નાટો દેશો પાસેથી મળેલા ભંડોળનો ઉપયોગ કરીને યુક્રેનને શસ્ત્રો પૂરા પાડવા માટે અમેરિકા અને તેના સાથી દેશો દ્વારા વિકસાવવામાં આવેલી નવી સિસ્ટમનો આ પહેલો ઉપયોગ છે.





















