(Source: ECI/ABP News/ABP Majha)
Russia-Ukraine War: યુદ્ધ વિસ્તારમાં ફસાયેલા ભારતીયોને બહાર કાઢવા ઓપરેશન ચલાવશે ભારત સરકાર
યુક્રેનના યુદ્ધ વિસ્તારમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા માટે ઓપરેશન હાથ ધરવામાં આવશે. ભારતીય નાગરિકો યુક્રેનના પડોશી દેશોમાં જમીન માર્ગે પહોંચશે ત્યાર બાદ વિશેષ ફ્લાઈટ ચલાવવામાં આવશે.
Russia-Ukraine War: યુક્રેનના યુદ્ધ વિસ્તારમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા માટે ઓપરેશન હાથ ધરવામાં આવશે. ભારતીય નાગરિકો યુક્રેનના પડોશી દેશોમાં જમીન માર્ગે પહોંચશે ત્યાર બાદ વિશેષ ફ્લાઈટ ચલાવવામાં આવશે. PM નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં CCSની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ નિર્ણય મુજબ તમામ ભારતીયોને પરત લાવવાની ફ્લાઇટનો ખર્ચ કેન્દ્ર સરકાર ઉઠાવશે.
વિદ્યાર્થીઓને વતનમાં લાવવાનું આ છે આયોજનઃ
આ પહેલા વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રિંગલાએ જણાવ્યું હતું કે, યુક્રેનથી વિદ્યાર્થીઓને પરત લાવવાની યોજના તૈયાર છે. તેમણે યોજના વિશે જણાવતાં કહ્યું કે, જે લોકો રોડ દ્વારા યુક્રેનથી પોલેન્ડ જવા માંગે છે, તો તે 9 કલાકનો રૂટ છે અને વિયેના જવા માટે 12 કલાકનો રૂટ છે, તે રૂટને પણ મેપ કરી દેવામાં આવ્યો છે. લ્વિવ, ચેર્નિવત્સી જેવા માર્ગમાં આવતા સ્થળો પર અમે અમારી ટીમો પણ મોકલી છે જેથી ત્યાંથી નાગરિકોને જે પણ મદદ આપી શકતા હોઈએ તે આપી શકીએ.
યુક્રેનને અડીને આવેલા 4 દેશોમાં પહોંચેલા ભારતીય વિદ્યાર્થીઓને પરત ભારતમાં લાવવામાં આવશે. આ 4 દેશો હંગેરી, રોમાનિયા, સ્લોવાક રિપબ્લિક અને પોલેન્ડ છે. ભારતીય દૂતાવાસે આ દેશોની સરહદ પર કેમ્પ લગાવ્યા છે. આ કેમ્પમાં ભારતીય વિદ્યાર્થીઓએ જેમની સાથે સંપર્ક કરવાનો છે તેમના નામ અને નંબરો પણ જાહેર કરવામાં આવ્યા છે. જ્યારે ભારતીય વિદ્યાર્થીઓ જમીન માર્ગે આ દેશોમાં પહોંચશે ત્યારે તેમને કતાર થઈને ભારત લાવવામાં આવશે. આ માટે દોહા સ્થિત ભારતીય દૂતાવાસે તમામ તૈયારીઓ કરી લીધી છે.
ભારતીય પરિવારોના હાલ-બેહાલઃ
રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો એટલે ભારતમાંથી મેડિકલનો અભ્યાસ કરવા યુક્રેન ગયેલા ભારતીય વિદ્યાર્થીઓના જીવ જોખમમાં મુકાયા છે. જ્યારે પરિસ્થિતિ વધારે બગડવા લાગી ત્યારે વિદ્યાર્થીઓના સ્વજનોની હાલત દયનીય બની ગઈ છે અને ત્યાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓએ પણ હિમંત હારી રહ્યા છે. તેમના પરિવારજનોની એક જ વિનંતી છે કે ભારત સરકાર અમારા બાળકોને વતનમાં પરત લાવો.
યુક્રેનમાં લગભગ 20 હજાર વિદ્યાર્થીઓ અલગ-અલગ શહેરોમાં ફસાયા છે. આ તમામના પરિવારો પોતાના બાળકોની સુરક્ષાને લઈને ચિંતિત છે. ત્યાં ફસાયેલા વિદ્યાર્થીઓ પણ ભારત પાછા આવવાની આશા સાથે સરકાર પાસે મદદની આજીજી કરી રહ્યા છે.