પાકિસ્તાનનો હિન્દુઓ અને શીખો માટે મોટો નિર્ણય, હોળી પહેલાં ફાળવ્યા કરોડો રૂપિયા
મંદિરો અને ગુરુદ્વારાઓના વિકાસ માટે 30 કરોડનું બજેટ, સુરક્ષાની પણ ખાતરી.

Pakistan funds temples & gurdwaras: પાકિસ્તાને લઘુમતી સમુદાયો માટે એક મોટું અને સરાહનીય પગલું ભર્યું છે. સામાન્ય રીતે હિન્દુ મંદિરો અને ગુરુદ્વારાઓ પર હુમલાના સમાચાર વચ્ચે, પાકિસ્તાન સરકારે હોળી અને 326મી ખાલસા જયંતિની ઉજવણીને ધ્યાનમાં રાખીને દેશભરના મંદિરો અને ગુરુદ્વારાઓના વિકાસ માટે 30 કરોડ પાકિસ્તાની રૂપિયાનું બજેટ ફાળવ્યું છે. આ નિર્ણયથી દેશભરમાં ખુશીની લહેર જોવા મળી રહી છે અને સોશિયલ મીડિયા પર પાકિસ્તાન સરકારના આ પગલાની ખૂબ પ્રશંસા થઈ રહી છે.
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ અનુસાર, પાકિસ્તાન સરકારના ઈવેક્યુઈ ટ્રસ્ટ પ્રોપર્ટી બોર્ડ (Evacuee Trust Property Board) વિભાગના અધિક સચિવ સૈફુલ્લાહ ખોખરે બુધવારે લાહોરમાં ETPB મુખ્યાલયમાં યોજાયેલી એક મહત્વપૂર્ણ બેઠકમાં આ જાહેરાત કરી હતી. આ બેઠકમાં પાકિસ્તાન શીખ ગુરુદ્વારા પ્રબંધન સમિતિ (Pakistan Sikh Gurdwara Parbandhak Committee)ના પ્રમુખ અને પંજાબ પ્રાંતના પ્રથમ શીખ લઘુમતી બાબતોના મંત્રી રમેશ સિંહ અરોરા પણ હાજર રહ્યા હતા.
સૈફુલ્લાહ ખોખરે માહિતી આપતા જણાવ્યું હતું કે આ ભંડોળનો ઉપયોગ મુખ્યત્વે મંદિરો અને ગુરુદ્વારાઓને સુશોભિત કરવા અને તેમના વિકાસ માટે કરવામાં આવશે. તેમણે ખાસ કરીને હોળી અને આગામી ખાલસા જયંતિ અને બૈસાખી મેળા 2025ની વ્યવસ્થા પર ભાર મૂક્યો હતો, જેનું આયોજન ETPB દ્વારા કરવામાં આવશે.
આ પ્રસંગે રમેશ સિંહ અરોરાએ જણાવ્યું હતું કે બેઠકમાં હોળી અને બૈસાખીની ઉજવણીની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી. તેમણે ઉમેર્યું હતું કે બૈસાખી મેળામાં પાકિસ્તાન આવતા શીખ શ્રદ્ધાળુઓને ભોજન, રહેઠાણ, સંપૂર્ણ સુરક્ષા અને અન્ય જરૂરી સુવિધાઓની સાથે તબીબી સહાય પણ પૂરી પાડવામાં આવશે.
સુરક્ષા વ્યવસ્થા અંગે વાત કરતા રમેશ અરોરાએ જણાવ્યું હતું કે ETPB તમામ પ્રાંતીય અને જિલ્લા સરકારો સાથે મળીને આ કાર્યક્રમોની સફળતા માટે કામ કરશે. સૈફુલ્લા ખોખરે વધુમાં જણાવ્યું હતું કે સુરક્ષા અને વહીવટી બાબતોમાં કોઈ પણ પ્રકારની બેદરકારી ન થાય તે માટે સંબંધિત વિભાગોને કડક સૂચનાઓ આપવામાં આવી છે. તેમણે એ પણ માહિતી આપી કે ખાલસા જયંતિ અને બૈસાખી મેળાની ઉજવણી માટે શીખ તીર્થયાત્રીઓ 10 એપ્રિલે વાઘા-અટારી આંતરરાષ્ટ્રીય બોર્ડરથી પાકિસ્તાનમાં પ્રવેશ કરશે. પાકિસ્તાન સરકારના આ સકારાત્મક પગલાથી લઘુમતી સમુદાયોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે.




















