વર્લ્ડ બેન્કે આપ્યા 160 મિલિયન ડોલર, શ્રીલંકાએ કહ્યુ- આ પૈસાથી તેલ ખરીદી શકતા નથી
વડાપ્રધાન વિક્રમસિંઘે કહ્યું હતું કે તેમનો પ્રથમ ઉદ્દેશ્ય દેશને બચાવવાનો છે અને કોઈ વ્યક્તિ, કુટુંબ અથવા જૂથને નહીં.
કોલંબોઃ ભારતના પાડોશી દેશ શ્રીલંકા છેલ્લા કેટલાક મહિનાઓથી આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. દેશની કરન્સીની વેલ્યુમાં ધરખમ ઘટાડો થયો છે અને વિદેશી હૂંડિયામણનો ભંડાર ખાલી થઈ ગયો છે. દરમિયાન, શ્રીલંકાના વડાપ્રધાન રાનિલ વિક્રમસિંઘે બુધવારે સંસદમાં કહ્યું કે દેશને વિશ્વ બેંક તરફથી 160 મિલિયન ડોલરની સહાય મળી છે.
તેમણે કહ્યું કે આર્થિક સંકટને કારણે દેશમાં ઈંધણ અને ગેસની અછત અને તેની સામે ચાલી રહેલા વિરોધને જોતા આ નાણાકીય સહાયનો અમુક હિસ્સો ઈંધણ ખરીદવા માટે વાપરવાની શક્યતાઓ ચકાસવામાં આવી રહી છે.
અગાઉ એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે શ્રીલંકામાં ફક્ત એક દિવસનું પેટ્રોલ બચ્યું છે. વડાપ્રધાન વિક્રમસિંઘે કહ્યું હતું કે તેમનો પ્રથમ ઉદ્દેશ્ય દેશને બચાવવાનો છે અને કોઈ વ્યક્તિ, કુટુંબ અથવા જૂથને નહીં.
વિશ્વ બેંક પાસેથી મળેલા નાણાંનું શું?
વિક્રમસિંઘેએ જણાવ્યું હતું કે, વિશ્વ બેંક તરફથી 160 મિલિયન ડોલર મળ્યા છે અને એશિયન ડેવલપમેન્ટ બેંક (ADB) પાસેથી પણ ભંડોળની આશા છે. તેમણે કહ્યું કે વિશ્વ બેંક પાસેથી મળેલા ભંડોળનો ઉપયોગ ઈંધણ ખરીદવા માટે થઈ શકે નહીં. વિક્રમસિંઘેએ જણાવ્યું હતું કે, જો કે, અમે એ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છીએ કે તેનો અમુક હિસ્સો ઇંધણની ખરીદી માટે વાપરી શકાય કે કેમ.
વિક્રમસિંઘેએ સોમવારે રાષ્ટ્રને સંબોધિત કરતા કહ્યું હતું કે ભારત તરફથી લોન હેઠળ પેટ્રોલના વધુ બે કન્સાઇનમેન્ટ આ અઠવાડિયે અને 29 મે સુધીમાં આવવાના છે. બળતણ અને ગેસની અછતના વિરોધમાં પ્રદર્શનકારીઓએ બુધવારે અહીં ઘણા રસ્તાઓ પણ બંધ કરી દીધા હતા.વિક્રમસિંઘેએ દેશના લોકોને ચેતવણી આપી છે કે આવનારા કેટલાક મહિનામાં અમારું જીવન વધુ મુશ્કેલીમાં મુકાઈ જશે. હું કોઈ સત્ય છુપાવવા માંગતો નથી અને જનતા સમક્ષ ખોટું બોલવા માંગતો નથી.
ઉલ્લેખનીય છે કે શ્રીલંકાની સરકારને ખર્ચ ચલાવવા માટે 2.4 ટ્રિલિયન શ્રીલંકન ચલણની જરૂર છે, જ્યારે સરકારને મળનારી આવક માત્ર 1.6 ટ્રિલિયન છે. શ્રીલંકામાં કટોકટી શરૂ થઈ ત્યારથી આ પ્રથમ વખત છે જ્યારે સરકારે એ હકીકત સ્વીકારી છે કે તેના વિદેશી મુદ્રા ભંડાર ખત્મ થવાની તૈયારીમાં છે. જેના કારણે તે તેલ અને અન્ય જરૂરી વસ્તુઓ ખરીદી શકતી નથી.