શ્રીલંકન નેવીએ 12 ભારતીય માછીમારોની ધરપકડ કરી, બે બોટ પણ કરી જપ્ત
શ્રીલંકન નેવીએ દેશની જળસીમામાં ગેરકાયદેસર રીતે માછીમારી કરવા બદલ 12 ભારતીય માછીમારોની ધરપકડ કરી છે
કોલંબો: શ્રીલંકન નેવીએ દેશની જળસીમામાં ગેરકાયદેસર રીતે માછીમારી કરવા બદલ 12 ભારતીય માછીમારોની ધરપકડ કરી છે અને તેમની બે ફિશિંગ બોટ જપ્ત કરી હતી. રવિવારે એક સત્તાવાર નિવેદનમાં આ જાણકારી આપવામાં આવી હતી. શ્રીલંકન નેવીએ કહ્યું કે તાલાઈમન્નારની ઉત્તરે સમુદ્રમાં ધરપકડ કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે આ માછીમારો દરિયામાં પાણીના તળિયે જાળ બિછાવીને માછલી પકડતા હતા.
12 ફેબ્રુઆરીની રાત્રે તલાઈમન્નરના ઉત્તરમાં સમુદ્રમાં એક ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન શ્રીલંકન નેવીએ બે ભારતીય ફિશિંગ બોટ જપ્ત કરી હતી અને શ્રીલંકાના જળસીમામાં માછીમારી કરી રહેલા 12 ભારતીય માછીમારોની ધરપકડ કરી હતી.
નોંધનીય છે કે આ અગાઉ 8 ફેબ્રુઆરીએ નેવીએ શ્રીલંકાના જળસીમામાં કથિત રીતે માછીમારી કરતા 11 ભારતીય માછીમારોની ધરપકડ કરી હતી અને તેમની ત્રણ બોટ પણ જપ્ત કરી હતી. તે અગાઉ પણ શ્રીલંકન નેવીએ 21 ભારતીય માછીમારોની ધરપકડ કરી હતી. માછીમારોનો મુદ્દો લાંબા સમયથી ભારત અને શ્રીલંકા વચ્ચે ચર્ચાનો મુદ્દો રહ્યો છે.