ભારતનું નામ લઈને તાલિબાને પાકિસ્તાનને આપી ધમકી, કહ્યું - જો ઘૂસણખોરી કરી તો....
જો ઘૂસણખોરી કરશે તો મોટી ભૂલ સાબિત થશે; પાકિસ્તાનનો યુદ્ધનો ઇતિહાસ નબળો રહ્યો છે: તાલિબાન
Taliban warns Pakistan: પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે સરહદ વિવાદ લાંબા સમયથી ચાલી રહ્યો છે, જે તાજેતરના સમયમાં વધુ તીવ્ર બન્યો છે. પાકિસ્તાને તાજેતરમાં અફઘાનિસ્તાનની અંદર આતંકવાદી લક્ષ્યો પર હવાઈ હુમલા કર્યા હતા, જેના જવાબમાં અફઘાનિસ્તાને પણ કાર્યવાહી કરી હતી. આ વચ્ચે, પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે તાલિબાનને લઈને કડક નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે તાલિબાનને કચડી નાખ્યા વિના પાકિસ્તાન આગળ વધી શકે તેમ નથી. દરમિયાન પાકિસ્તાનમાં અફઘાનિસ્તાનના એક ભાગ વખાન પર કબજો કરવાની વાત ચાલી રહી છે, જેના પર તાલિબાન ગુસ્સે છે.
તાલિબાનના નાયબ વિદેશ મંત્રી શેર મોહમ્મદ અબ્બાસે ભારતનો ઉલ્લેખ કરીને પાકિસ્તાન પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે ટ્વીટર પર પોસ્ટ કરતાં જણાવ્યું હતું કે પાકિસ્તાનની વર્તમાન આર્થિક અને આંતરિક સ્થિતિ એટલી ખરાબ છે કે તે વખાન કોરિડોર પર કબજો કરે અથવા બીજું યુદ્ધ લડે તેવી સ્થિતિમાં નથી. તાલિબાને પાકિસ્તાનના યુદ્ધના ઇતિહાસનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે પાકિસ્તાનનો યુદ્ધોમાં રેકોર્ડ નબળો રહ્યો છે અને તેને મોટા પાયે નુકસાન સહન કરવું પડ્યું છે. ખાસ કરીને તેમણે 1971ના ભારત અને પૂર્વ પાકિસ્તાન (હવે બાંગ્લાદેશ) વચ્ચેના યુદ્ધમાં પાકિસ્તાનની હાર અને શરણાગતિનો ઉલ્લેખ કર્યો હતો, જેને આધુનિક ઇતિહાસની સૌથી મોટી શરણાગતિ ગણવામાં આવે છે.
તાલિબાનના મંત્રીએ પાકિસ્તાનને 1973 અને 1989માં જલાલાબાદ અને કુનાર નદીની લડાઈમાં થયેલી હાર પણ યાદ અપાવી હતી. તેમણે કહ્યું હતું કે પાકિસ્તાનની સેના બાહ્ય યુદ્ધોમાં સતત હારતી આવી છે અને પોતાની સરહદો બહાર ક્યારેય જીતી શકી નથી. તાલિબાને પાકિસ્તાનને પોતાના દેશમાં લઘુમતીઓ પર થતા અત્યાચારો પર ધ્યાન આપવાની સલાહ પણ આપી હતી.
આ રીતે તાલિબાને પાકિસ્તાનને મોટી ચેતવણી આપી છે કે જો તે અફઘાનિસ્તાનના કોઈપણ ભાગમાં ઘૂસણખોરી કરવાનો અથવા તોડવાની કોશિશ કરશે તો તે તેની મોટી ભૂલ હશે. અગાઉ, પાકિસ્તાનના વડા પ્રધાન શેહબાઝ શરીફે દેશના રાજકીય અને સૈન્ય હિસ્સેદારોને એક થવાની અપીલ કરી હતી અને દેશમાં વધી રહેલા સુરક્ષા સંકટનો સામનો કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
આ પણ વાંચો....
ભાજપથી અલગ થવા અને પલટી મારવાને લઈને નીતિશ કુમારે કર્યો મોટો ખુલાસો, કહ્યું – મેં બે વાર.....