ભારત-રશિયા ડીલ ફાઇનલ, ભારતના દુશ્મનોને જડબાતોડ જવાબ આપશે પુતિનનું આ ‘મહાહથિયાર’
Pantsir Air Defence System : પેન્ટસિર એર ડિફેન્સ સિસ્ટમનું સાચું નામ 'SA-22 ગ્રેહાઉન્ડ' છે. પરંતુ તે પેન્ટસીર તરીકે ઓળખાય છે
Pantsir Air Defence System : ભારત અને રશિયાની મિત્રતા દાયકાઓ જૂની છે. ભારતની સૈન્ય ક્ષમતા વધારવામાં રશિયાની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ કેટેગરીમાં ભારત અને રશિયા વચ્ચે એક નવા 'સુપર વેપન'ને લઈને ડીલ કરવામાં આવી છે. ભારતમાં સુપર વેપન લાવવા માટે ભારતની ભારત ડાયનેમિક્સ લિમિટેડ (BDL) અને રશિયન આર્મ્સ કંપની Rosoboronexport વચ્ચે એક ડીલ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.
રશિયાના આ સુપર વેપન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની સુરક્ષા માટે તૈનાત છે અને રશિયાએ તેનું નામ 'પેન્ટસિર એર ડિફેન્સ સિસ્ટમ' રાખ્યું છે. ગોવામાં ભારત-રશિયા આંતર-સરકારી આયોગની પાંચમી પેટાજૂથ બેઠકમાં બંને દેશો વચ્ચેની આ ડીલને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે.
પુતિનના ઘરની પાસે તૈનાત છે આ મહાહથિયાર
રશિયાની પેન્ટસિર એર ડિફેન્સ સિસ્ટમ 'પેન્ટસિર-એસ1'ને રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના ઘરથી લગભગ 3.7 કિલોમીટર દૂર વાલ્ડાઈ લેક પાસે તૈનાત કરવામાં આવી છે, જે હવામાં કોઈપણ પ્રકારના હવાઈ હુમલાને નષ્ટ કરવાની ક્ષમતા ધરાવે છે. આ એર ડિફેન્સ સિસ્ટમ યૂક્રેનથી આવતા હવાઈ હુમલાનો જડબાતોડ જવાબ આપવા માટે તૈનાત કરવામાં આવી છે.
શું છે આ એર ડિફેન્સ સિસ્ટમની ખાસિયત ?
પેન્ટસિર એર ડિફેન્સ સિસ્ટમનું સાચું નામ 'SA-22 ગ્રેહાઉન્ડ' છે. પરંતુ તે પેન્ટસીર તરીકે ઓળખાય છે. રશિયા આ હવાઈ સંરક્ષણ પ્રણાલીનો ઉપયોગ તેની અત્યંત સંવેદનશીલ ઈમારતો, મહત્વપૂર્ણ સંસ્થાઓ, રાષ્ટ્રીય સુરક્ષા અને લોકો માટે મહત્વપૂર્ણ ઈમારતોની સુરક્ષા માટે કરે છે. તમને જણાવી દઈએ કે આ એક સ્વચાલિત એન્ટી એર મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ છે.
આ મીડિયમ રેન્જ એર ડિફેન્સ સિસ્ટમ સપાટીથી હવામાં પ્રહાર કરવા માટે બનાવવામાં આવી છે. વળી, તેનો ઉપયોગ એન્ટી એરક્રાફ્ટ આર્ટિલરી સિસ્ટમ તરીકે પણ થાય છે. નોંધનીય છે કે રશિયા 2012થી આ સુપર વેપનનો ઉપયોગ કરી રહ્યું છે અને સીરિયા, લિબિયા અને યૂક્રેનના યુદ્ધમાં પણ તેનો ઉપયોગ કરી ચૂક્યું છે.
4-6 સેકન્ડમાં કરે છે દુશ્મનોની ઓળખ
રશિયાએ અત્યાર સુધીમાં 200 થી વધુ એર ડિફેન્સ મિસાઈલ સિસ્ટમ બનાવી છે, જેને ત્રણ લોકો એકસાથે ઓપરેટ કરી શકે છે. આની સૌથી ખાસ વાત એ છે કે તે પોતાના ટાર્ગેટને ઓળખી લે છે અને મિસાઈલને 4-6 સેકન્ડમાં ફાયર કરે છે. આ સિસ્ટમમાં 5 પ્રકારની મિસાઈલનો ઉપયોગ કરી શકાય છે. આ સિસ્ટમના કુલ 6 પ્રકારો છે. જેનો ઉપયોગ ટાર્ગેટની રેન્જ અને સ્પીડ અનુસાર કરવામાં આવે છે. તેની રેન્જ 15 કિલોમીટરથી 75 કિલોમીટર સુધીની છે અને તે માઈનસ 50 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં પણ કામ કરવા સક્ષમ છે. તેની લંબાઈ 10.37 ફૂટ છે, જ્યારે તેની મિસાઈલનું વજન 76 થી 94 કિલોગ્રામ છે.
આ પણ વાંચો
પુતિન રશિયામાં બનાવશે 'સેક્સ મંત્રાલય', શા માટે આવું મંત્રાલય બનાવવા માગે છે? જાણો તેની પાછળનું કારણ