New Zealand: ન્યુઝીલેન્ડના દરિયામાં ન્હાવા પડેલા અમદાવાદના બે યુવકોના મોત, રેસ્ક્યૂ માટે હેલિકોપ્ટરની મદદ લેવાઈ
New Zealand: શનિવારે સાંજે પશ્ચિમ ઓકલેન્ડના પીહા ખાતે દરિયામાં ડૂબી જતાં બે લોકોનાં મોત થયાં છે. આ બંને યુવક અમદાવાદના હોવાનું સામે આવ્યું છે. ઇન્ડિયન હાઈ કમિશન દ્વારા પણ બંનેનાં મોતની પુષ્ટિ કરવામાં આવી છે
New Zealand: શનિવારે સાંજે પશ્ચિમ ઓકલેન્ડના પીહા ખાતે દરિયામાં ડૂબી જતાં બે લોકોનાં મોત થયાં છે. આ બંને યુવક અમદાવાદના હોવાનું સામે આવ્યું છે. ઇન્ડિયન હાઈ કમિશન દ્વારા પણ બંનેનાં મોતની પુષ્ટિ કરવામાં આવી છે અને અમદાવાદ ખાતે રહેતાં તેમનાં માતા-પિતાને જાણ કરવામાં આવી છે.
28 વર્ષીય સૌરિન નયનકુમાર પટેલ અને 31 વર્ષીય અંશુલ શાહનું મોત
ઘટનામાં 28 વર્ષીય સૌરિન નયનકુમાર પટેલ અને 31 વર્ષીય અંશુલ શાહનું મોત થયું છે. પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતુ કે પીહા બીચ પર ઇમર્જન્સી ક્રૂને સાંજે 6 વાગ્યા પછી બોલાવવામાં આવ્યા હતા. બન્ને યુવકોને લાઇફગાર્ડ્સ દ્વારા કિનારે લાવવામાં આવતાં. તાત્કાલિક તબીબી સારવાર આપવા છતાં તેમને બચાવી શકાયા નહીં. સૌરીન પટેલ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર હતો. જે ઓગસ્ટમાં ન્યુઝીલેન્ડ આવ્યો હતો, જ્યારે અંશુલ શાહ, ગેસ સ્ટેશન પર કેશિયર તરીકે કામ કરતો હતો અને નવેમ્બરમાં ન્યુઝીલેન્ડ આવ્યો હતો. નોંધનીય છે કે ઓકલેન્ડ શહેર વિસ્તારમાં 48 કલાકની અંદર પાંચ લોકો ડૂબી જવાના અહેવાલ છે.
પોલીસકર્મી બીજા વ્યક્તિને બચાવવા હેલિકોપ્ટરમાંથી કૂદ્યો
સ્થાનિક મીડિયા અનુસાર, હેલિકોપ્ટર બચાવ કામગીરીમાં મદદ કરવા માટે પહોંચ્યાં હતાં. એક સ્થાનિકે મીડિયા રિપોર્ટમાં કહ્યું કે, હેલિકોપ્ટર આવ્યું અને એક વ્યક્તિને બચાવવાની કામગીરી શરૂ કરી, એટલામાં એક મહિલા પોલીસકર્મી બીજા વ્યક્તિને બચાવવા હેલિકોપ્ટરમાંથી કૂદે છે. તેમણે તે વ્યક્તિને કેવી રીતે જોયો તે અમને ખબર નથી. સર્ફ લાઇફ સેવર્સે સ્થાનિક મીડિયાને જણાવ્યું કે, બે લોકો એકસાથે પાણીમાં પ્રવેશ્યા હોવાનું માનવામાં આવે છે અને લાયન રોકની ઉત્તરે મળી આવ્યા હતા. તેમણે આગળ જણાવ્યું કે, અમે લોકોને નક્કી કરેલી સીમા વચ્ચે લોકોને સ્વિમિંગ કરવા અપીલ કરીએ છીએ, જેથી આવી ઘટના ન બને.
સાંજે 6 વાગ્યે પછી તરવા જવા પર એલર્ટ
ઓકલેન્ડના લાઇફગાર્ડ ફેરોન ટર્નરે જણાવ્યું હતું કે, સ્વિમર્સને સાંજે 6 વાગ્યે પછી તરવા જવા પર એલર્ટ આપવામાં આવેલું છે. અમે પાણીમાંથી એકનું રેસ્ક્યુ કર્યું અને તરત જ બીજા વ્યક્તિને જોયો. બંને વ્યક્તિ પેટ્રોલિંગ એરિયાની બહાર સ્વિમિંગ કરતા હતા. અમે બંનેને બચાવવાના પ્રયત્નો કર્યા પરંતુ અંતે મૃત જાહેર કરવામાં આવ્યા. સપ્તાહના અંતમાં ઓકલેન્ડની આસપાસના દરિયામાં પાંચ લોકોનાં મોત થયાં છે. સમગ્ર ન્યુઝીલેન્ડમાં ડૂબવાથી મૃત્યુ પામનારની કુલ સંખ્યા 10 પર પહોંચી છે. શનિવારે સવારે 11.30 આસપાસ તાકાપુનામાં પાણી દુર્ઘટનામાં એકનું મોત થયું હતું, જ્યારે શુક્રવારે રાત્રે ઉત્તરના અલગ-અલગ દરિયા કિનારામાં બે લોકોનાં મોત થયાં હતાં.