(Source: ECI/ABP News/ABP Majha)
રશિયા-યુક્રેન યુદ્ધઃ પીએમ મોદી આજે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી સાથે વાત કરશે, જાણો શું છે એજન્ડા
રશિયા-યુક્રેન યુદ્ધનો આજે 12મો દિવસ છે. અત્યાર સુધી બંને દેશો વચ્ચે બે તબક્કાની શાંતિ મંત્રણા થઈ હતી પરંતુ તેનું કંઈ ખાસ પરીણામ આવ્યું નહોતું. આજે બંને દેશો વચ્ચે ત્રીજા રાઉન્ડની બેઠક થશે.
Russia Ukraine War: રશિયા-યુક્રેન યુદ્ધનો આજે 12મો દિવસ છે. અત્યાર સુધી બંને દેશો વચ્ચે બે તબક્કાની શાંતિ મંત્રણા થઈ હતી પરંતુ તેનું કંઈ ખાસ પરીણામ આવ્યું નહોતું. આજે બંને દેશો વચ્ચે શાંતિ પ્રયાસોને લઈને ત્રીજા રાઉન્ડની બેઠક થશે. આ દરમિયાન, ભારત સરકારના સૂત્રોને ટાંકીને આવી રહેલા સમાચાર મુજબ આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી સાથે વાત કરશે.
રશિયા યુક્રેન પર સતત હુમલો કરી રહ્યું છે. આ હુમલામાં અત્યાર સુધી યુક્રેનના ઘણા શહેરો સંપૂર્ણપણે બરબાદ થઈ ગયા છે, સાથે જ ઘણા લોકોના જીવ પણ ગયા છે. આ સ્થિતિમાં યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી પણ રશિયા સામે હાર માનવા તૈયાર નથી. રશિયા-યુક્રેન વચ્ચેના આ વધતા તણાવને જોતા હવે ઈઝરાયલ, ફ્રાન્સ અને તુર્કી શાંતિ સ્થાપવા માટે પ્રયાસ કરી રહ્યા છે. ઉલ્લેખનિય છે કે, રશિયા અને યુક્રેન આજે ત્રીજા રાઉન્ડની વાતચીત માટે બેઠક કરવાના છે. આ પહેલાં થયેલી બે રાઉન્ડની વાટાઘાટોનું કોઈ પરિણામ આવ્યું નથી.
મોસ્કોમાં રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથેની મુલાકાત બાદ ઈઝરાયલ પરત ફર્યાના કલાકો બાદ નેફ્તાલી બેનેટે કેબિનેટની બેઠક યોજી હતી. બેનેટે રવિવારે તેમની આ કેબિનેટની બેઠકમાં ઈઝરાયેલના વડાપ્રધાન નેફ્તાલી બેનેટે કહ્યું છે કે, તેમનો દેશ યુક્રેનને આ યુદ્ધનો કૂટનીતિક ઉકેલ શોધવામાં મદદ કરવાનું ચાલુ રાખશે, તેમ છતાં તેના પ્રયાસો સફળ થવાની સંભાવના નથી. આ દરમ્યાન પુતિને ફરી એકવાર ફ્રાન્સના રાષ્ટ્રપતિ સાથે વાત કરી હતી. ફ્રાન્સે કહ્યું હતું કે, તેમની વાતચીતમાં કંઈ ઉત્સાહજનક નહોતું.
ઉલ્લેખનીય છે કે, રશિયાના રાષ્ટ્રપતિ પુતિન યુક્રેન વિરુદ્ધ જાહેર કરેલા આ યુદ્ધને રોકવા માટે તૈયાર છે, પરંતુ તેમણે કહ્યું કે, યુદ્ધ ત્યારે જ રોકાશે જ્યારે યુક્રેન તેમની શરતોને સ્વીકારશે. આ દાવો તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગન સાથેની વાતચીતના આધારે કરવામાં આવ્યો છે. રવિવારે તુર્કીના રાષ્ટ્રપતિ એર્દોગન અને રાષ્ટ્રપતિ પુતિન વચ્ચે વાતચીત થઈ. તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગને રવિવારે ટેલિફોન પર પુતિન સાથે વાત કરી હતી અને યુક્રેનમાં તાત્કાલિક સામાન્ય યુદ્ધવિરામની અપિલ કરી હતી.
રશિયાની એક મોટી શરત છે કે, યુક્રેન (નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઈઝેશન) નાટોનું સભ્ય ના બને. રશિયા ઘણા વર્ષોથી કહે છે કે, યુક્રેન જે ઈચ્છે તે કરે, પરંતુ તેણે નાટોમાં જોડાવું જોઈએ નહીં. રશિયાનો દાવો છે કે, યુક્રેન નાટોનું સભ્ય બનશે તો રશિયાની સુરક્ષા માટે ખતરો છે. નોંધનીય છે કે, નિષ્ણાતો માને છે કે, યુક્રેન સાથે રશિયાના યુદ્ધનું નાટો જ મુખ્ય કારણ છે. રશિયા-યુક્રેનના આ યુદ્ધમાં અત્યાર સુધીમાં 15 લાખ લોકો વિસ્થાપિત થયા છે. આ સાથે સેંકડો સૈનિકો શહીદ થયા છે.