Valsad News : વલસાડ જિલ્લામાં ટોલટેક્સમાં વધારો, વાહનચાલકોમાં તોતિંગ વધારાથી રોષ
થોડા દિવસ પહેલા ટોલ દરમાં સૂચવાયેલો નવો ભાવ વધારો બે વખત મુલતવી રખાયા બાદ આખરે મહારાષ્ટ્રની ચૂંટણી સંપન્ન થતા લાગુ કરી દેવાયો છે. બગવાડા અને બોરીયાચ ટોલનાકા પર અગાઉ વન-વેનો ટોલ 65 રૂપિયા હતો. જે વધારીને 115 રૂપિયા કરી દેવાયો. રવિવારથી જ વાહનચાલકો પાસેથી નવા ભાવ મુજબ ટોલ વસૂલ કરવાનું શરૂ કરી દેવાયું છે. ટોલટેક્સમાં ભાવ વધારાનો નિર્ણય કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રાલય તરફથી કરાયો છે. અગાઉ ટોલમાં વધારા મુદ્દે સ્થાનિકોના વિરોધ બાદ જનપ્રતિનિધીઓએ ટેક્સમાં વધારો નહીં કરવાનું વચન આપ્યું હતું. જોકે મહારાષ્ટ્રની ચૂંટણી પૂર્ણ થતા જ બારોબાર વધારો કરી દેતા જનપ્રતિનિધીના વાયદાનું સૂરસુરિયું થઈ ગયું. અગાઉના ટોલ કરતા ભાવમાં 75 ટકા જેટલો વધારો ઝીંકાયો. હાલ તો તોતિંગ વધારાથી વાહનચાલકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.

















