ઘરમાં ઘૂસેલા રશિયન સૈનિકોને યુક્રેનના વૃદ્ધ દંપત્તિએ ભગાડ્યા, ફાયરિંગથી પણ ના ડર્યા, જુઓ Viral Video
યુક્રેનના એક વૃદ્ધ દંપતિએ રશિયન સૈનિકો સામે બતાવેલી હિંમતની સોશિયલ મીડિયા પર ખૂબ પ્રશંસા કરવામાં આવી રહી છે.
કીવઃ યુક્રેનના એક વૃદ્ધ દંપતિએ રશિયન સૈનિકો સામે બતાવેલી હિંમતની સોશિયલ મીડિયા પર ખૂબ પ્રશંસા કરવામાં આવી રહી છે. આ અંગેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં જોઇ શકાય છે કે કેટલાક રશિયન સૈનિકો દંપત્તિના ઘરમાં ઘૂસ્યા હોય છે પરંતુ દંપત્તિએ તેમની મિલકત ખાલી કરાવવા આવેલા સશસ્ત્ર રશિયન સૈનિકોને પાછા કાઢ્યા હતા. આશ્વર્યની વાત એ છે કે કોઈપણ પ્રકારના હથિયાર વિના આ વૃદ્ધ દંપત્તિએ રશિયન સૈનિકોને ભગાડી દીધા હતા. આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી. આ ઘટનાના વીડિયોને અત્યાર સુધીમાં લાખો લોકો જોઈ ચૂક્યા છે.
#UkrainianHeroes: Today we salute this elderly couple, who stood up to three Russian soldiers. pic.twitter.com/GG7lZ8cfqx
— U.S. Embassy Kyiv (@USEmbassyKyiv) March 11, 2022
વીડિયોમાં જોઇ શકાય છે કે ચાર રશિયન સૈનિકો યુક્રેનના માયકોલાઈવ ઓબ્લાસ્ટ પ્રાંતના વોઝનેસેન્સ્ક ગામમાં એક ઘરમાં ઘૂસી જાય છે ત્રણ સૈનિકો પરિસરમાં પ્રવેશે છે, જ્યારે ચોથો બહાર રાહ જુએ છે. દરમિયાન વૃદ્ધ દંપતી ઘરની અંદરથી બહાર આવે છે અને તેમના પર બૂમો પાડવા લાગે છે.
દંપતીને ડરાવવા હવામાં ગોળીબાર કર્યો
ફૂટેજમાં જોઈ શકાય છે કે રશિયન સૈનિકોએ યુક્રેનના કપલ્સને ડરાવવા માટે હવામા ગોળીબાર કર્યો હતો પરંતુ કપલ્સ તેનાથી ડર્યું નહોતું અને રશિયન સૈનિકોને ઘરમાંથી બહાર નીકળવા માટે કહેતું રહ્યું. આખરે રશિયન સૈનિકો દંપત્તિ સમક્ષ હારી ગયા અને ઘરની બહાર નીકળી જાય છે.
સોશિયલ મીડિયા પર ખૂબ વખાણ થયા
યુક્રેનિયન દંપત્તિ રશિયન સૈનિકોને કમ્પાઉન્ડના મુખ્ય દરવાજા સુધી બહાર કાઢવા જાય છે. આ દરમિયાન એક કૂતરો સૈનિકો પર ભસતો જોવા મળી રહ્યો છે. દંપત્તિ મુખ્ય દરવાજો બંધ કરીને ઘરની અંદર જાય છે. આ કપલની બહાદુરીના સોશિયલ મીડિયા પર ખૂબ વખાણ થઈ રહ્યા છે. કેટલાક ટ્વિટર યુઝર્સ તેને સાહસ કહી રહ્યા છે. અન્ય એક યુઝરે લખ્યું કે દરેક યુક્રેનિયન નાગરિકને રશિયન સેના સામે લડવા માટે સમાન બહાદુરીની જરૂર છે.