Iran: ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન હુમલાનો વીડિયો કર્યો રીલિઝ, US જાસૂસી રિપોર્ટે ન્યૂક્લિયર પ્લાન્ટના તબાહીના દાવાઓને નકાર્યા
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર દાવો કર્યો છે કે ઈરાન પરના હુમલામાં તેના ત્રણ પરમાણુ સાઇટ્સને સફળતાપૂર્વક નાશ કરવામાં આવ્યો છે

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર દાવો કર્યો છે કે ઈરાન પરના હુમલામાં તેના ત્રણ પરમાણુ સાઇટ્સને સફળતાપૂર્વક નાશ કરવામાં આવ્યો છે. પેન્ટાગોનના મુખ્ય પ્રવક્તા સીન પાર્નેલે કહ્યું હતું કે અમેરિકાએ ઈરાનના પરમાણુ સ્થળો પર 14,30,000 પાઉન્ડ (13,607 કિલો) બોમ્બ ફેંક્યા હતા, જેની કિંમત 420,000 પાઉન્ડ (4 કરોડ 91 લાખ રૂપિયા) હતી. જોકે, અમેરિકાના ગુપ્તચર અહેવાલમાં ટ્રમ્પના દાવાથી વિપરીત અહેવાલ રજૂ કરવામાં આવ્યો છે. અહેવાલમાં જણાવાયું છે કે ઈરાનની પરમાણુ ક્ષમતા સંપૂર્ણપણે નાશ પામી નથી તે ફક્ત થોડા મહિનાઓ માટે ધીમી પડી છે.
ડોનાલ્ડ ટ્રમ્પે વીડિયો શેર કર્યો છે
ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ પર એક વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે અમેરિકાના B2 સ્ટીલ્થ બોમ્બરોએ ઈરાનના પરમાણુ સ્થળો પર કેવી રીતે હુમલો કર્યો હતો. નાટો સમિટમાં હાજરી આપતા પહેલા ટ્રમ્પે ઈરાન અને ઇઝરાયલ દ્વારા યુદ્ધવિરામ ઉલ્લંઘન પર નારાજગી વ્યક્ત કરી છે. મીડિયા સાથે વાત કરતા ટ્રમ્પે કહ્યું કે તેઓ ખાસ કરીને યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરવા બદલ ઇઝરાયલથી નિરાશ છે.
યુએસ ગુપ્તચર અહેવાલમાં શું દાવો કરવામાં આવ્યો હતો?
અમેરિકાના પ્રારંભિક ગુપ્તચર રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે અમેરિકા કરવામાં આવેલા હવાઈ હુમલાઓથી ઈરાનની પરમાણુ શસ્ત્રો બનાવવાની ક્ષમતા સંપૂર્ણપણે નાશ પામી ન હતી ફક્ત તેની ક્ષમતા થોડા મહિનાઓ માટે પાછળ ધકેલી દેવામાં આવી હતી.
ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો હતો કે ઈરાનના પરમાણુ પ્લાન્ટ પર 30 હજાર પાઉન્ડના બોમ્બ ફેંકીને પરમાણુ કાર્યક્રમનો નાશ કરવામાં આવ્યો હતો. જોકે, રિપોર્ટ અનુસાર, ઈરાનની મોટાભાગની સુવિધાઓ ભૂગર્ભમાં હતી અને બોમ્બથી વધુ નુકસાન થયું ન હતું. ફક્ત પ્રવેશદ્વારને નુકસાન થયું છે, પ્લાન્ટનું માળખું સુરક્ષિત છે.
અમેરિકાના હુમલા છતાં કેટલાક સેન્ટ્રીફ્યુજ હજુ પણ કાર્યરત સ્થિતિમાં છે અને ઈરાનના યુરેનિયમ ભંડાર ખતમ થયા નથી, તે સુરક્ષિત છે. વ્હાઇટ હાઉસે આ અહેવાલને ફગાવી દીધો છે. પરંતુ સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકાએ સ્વીકાર્યું છે કે હુમલાઓએ ફક્ત ઈરાનના પરમાણુ કાર્યક્રમને નબળો પાડ્યો છે, તેને સંપૂર્ણપણે નાશ કર્યો નથી.





















