(Source: ECI/ABP News/ABP Majha)
US-China : ચીન અમેરિકાને ઉલ્લુ બનાવી ગયું, ગુબ્બારાએ 'સિક્રેટ ચોરી' કર્યાનો ઘટસ્ફોટ
અમેરિકાના આકાશમાં દેખાયેલા ચીની ગુબ્બારાએ દેખા દેતા દુનિયાભરમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.
America-China Balloon Controversy: અમેરિકાના આકાશમાં દેખાયેલા ચીની ગુબ્બારાએ દેખા દેતા દુનિયાભરમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. અમેરિકાએ ચીનના આ ગુબ્બારાને જાસૂસી યંત્ર ગણાવીને મિસાઈલ દ્વારા તોડી પાડ્યો હતો. હવે આ ગુબ્બારાને લઈને ઘટસ્ફોટ થયો છે જે બાઈડેન સરકાર માટે આઘાતજનક છે. આ ગુબ્બારા વતી ચીને અમેરિકાની મિસાઈલ સાઈટ્સ સહિતની અનેક ગુપ્ત અને અતિસંવેદનશીલ માહિતીઓ મેળવી લીધી હોવાનું સામે આવતા ફરી એકવાર વિવાદ સર્જાયો છે.
અમેરિકાના બે વર્તમાન અને એક ભૂતપૂર્વ વરિષ્ઠ અધિકારીઓએ ચોંકાવનારી માહિતી આપી હતી. બંને અધિકારીઓએ કહ્યું હતું કે, ચીનના જાસૂસી બલૂન અમેરિકાના ઘણા સંવેદનશીલ સૈન્ય મથકો વિશે ગુપ્ત માહિતી મેળવવામાં સફળ રહ્યા હતા. બાઈડેન વહીવટીતંત્રના તેમને અવરોધિત કરવાના તમામ પ્રયાસો નિષ્ફળ સાબિત થયા છે.
આ ત્રણ અધિકારીઓએ કહ્યું હતું કે, ચીન જ આ બલૂનને નિયંત્રિત કરી રહ્યું હતું અને તે ઘણી સંવેદનશીલ જગ્યાઓ પર ઘણી વખત ઉડ્યું. તે રિયલ ટાઈમમાં માહિતી એકઠી કરીને ચીનને મોકલતું હતું. ચીને જે ગુપ્ત માહિતી મેળવી હતી તે મોટાભાગે ઈલેક્ટ્રોનિક સિગ્નલોમાંથી મળી હતી. આ વેપન્સ સિસ્ટમ્સ અથવા બેઝ કર્મચારીઓના સંચાર દ્વારા પ્રાપ્ત કરી શકાય છે. તેમાં ફોટાની કોઈ જરૂર નથી.
મોન્ટાનામાં પણ જોવા મળ્યું હતું બલૂન
આ ચીની જાસૂસી બલૂનને સંવેદનશીલ બેલિસ્ટિક મિસાઇલ સાઇટ મોન્ટાના ઉપરથી પસાર થતો પણ જોવા મળ્યું હતું. જોકે, સ્પષ્ટતા આપતા ચીને એમ પણ કહ્યું હતું કે, તે જાસૂસી બલૂન નથી. આ એક નાગરિક વિમાન છે, જેને સંશોધનના હેતુથી મોકલવામાં આવ્યું હતું. જોકે, અધિકારીઓનો અંદાજ છે કે ચીને કદાચ અમેરિકા જેટલું ધારી રહ્યું છે તેના કરતાં પણ વધુ માહિતી મેળવી લીધી છે.
યુએસ ડિફેન્સ ડિપાર્ટમેન્ટે આ મામલે તેના નિવેદનને પુનરાવર્તિત કર્યું જે તેણે ફેબ્રુઆરીમાં આપ્યું હતું. નિવેદન અનુસાર, ચીને ગુપ્ત માહિતી એકત્રિત કરવા માટે મોકલેલા બલૂનની સીમાઓ જાણી શકાતી નથી. ચીન પૃથ્વીની નીચેની ભ્રમણકક્ષામાં ઉપગ્રહોનો ઉપયોગ કરીને ગુપ્ત માહિતી એકત્ર કરવામાં સક્ષમ છે.
ચીને શું કહ્યું હતું?
જો કે, ચીને તેની સ્પષ્ટતામાં વારંવાર કહ્યું હતું કે, આ બલૂન ખોટા રસ્તે ભટકી ગયું હતું. યુએસ એરફોર્સે ફેબ્રુઆરીમાં F-22 વડે આ બલૂનને મિસાઈલ દ્વારા તોડી પાડ્યું હતું. બાદમાં બાઈડેન પ્રશાસને કહ્યું હતું કે, આ બલૂને ઈન્ટેલિજન્સ સિગ્નલ મેળવ્યા છે.
અહેવાલો અનુસાર, ચીનનો આ જાસૂસી બલૂન પોતાને નષ્ટ કરવાની ક્ષમતાથી સજ્જ હતું. શક્ય છે કે, ચીને તેને બીજી જગ્યાએથી એક્ટિવેટ કર્યું હોય. અત્યારે તેના વિશે સ્પષ્ટ કંઈ કહી શકાય તેમ નથી. આ બલૂન 28 જાન્યુઆરીએ અલાસ્કામાં જોવા મળ્યું હતું. ત્યારે પ્રશાસને કહ્યું હતું કે, અમે તેને ટ્રેક કરી રહ્યા છીએ. 4 દિવસ બાદ આ બલૂન મોન્ટાનામાં મિસાઇલ સાઇટ પર પહોંચ્યું.