કોણ છે યુલિયા સ્વિરીડેન્કો? યુક્રેનના નવા PM, જેઓ 39 વર્ષની વયે દેશનું સુકાન સંભાળશે
ઝેલેન્સકી દ્વારા નિયુક્ત, 39 વર્ષીય સ્વિરીડેન્કો યુક્રેનના બીજા મહિલા વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે; યુદ્ધગ્રસ્ત અર્થતંત્ર સુધારવાની પ્રાથમિકતા.

- યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ અગ્રણી અર્થશાસ્ત્રી અને વર્તમાન નાયબ વડાપ્રધાન યુલિયા સ્વિરીડેન્કોને યુક્રેનના નવા વડાપ્રધાન તરીકે નિયુક્ત કર્યા છે.
- 39 વર્ષીય સ્વિરીડેન્કોએ તાજેતરમાં યુએસ-યુક્રેન ખનિજ કરારમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી, જેમાં તેમણે ટ્રમ્પ અને ઝેલેન્સકી વચ્ચેના મતભેદો ઉકેલ્યા હતા.
- સંસદની મંજૂરી મળ્યા બાદ, યુલિયા સ્વિરીડેન્કો યુક્રેનના બીજા મહિલા વડાપ્રધાન બનશે, જેઓ અગાઉ 2021માં અર્થતંત્ર મંત્રી અને નાયબ વડાપ્રધાન રહી ચૂક્યા છે.
- વડાપ્રધાન તરીકે તેમની મુખ્ય પ્રાથમિકતાઓ યુદ્ધગ્રસ્ત યુક્રેનિયન અર્થતંત્રમાં સુધારો કરવો, સહાય કાર્યક્રમોનો વિસ્તાર કરવો અને શસ્ત્રોના ઉત્પાદનને વેગ આપવાનો રહેશે.
- વિરીડેન્કોએ દેશના તમામ સંસાધનોનું સુરક્ષા ક્ષેત્રમાં રોકાણ કરવા અને યુક્રેનને યુદ્ધમાંથી બહાર લાવવા પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરવાનું જણાવ્યું છે.
Yuliia Svyrydenko Ukraine PM: યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ દેશના અગ્રણી અર્થશાસ્ત્રી અને વર્તમાન નાયબ વડાપ્રધાન યુલિયા સ્વિરીડેન્કોને યુક્રેનના નવા વડાપ્રધાન તરીકે નિયુક્ત કર્યા છે. 39 વર્ષીય સ્વિરીડેન્કોનું નામ તાજેતરમાં યુએસ-યુક્રેન ખનિજ કરારને લઈને ભારે ચર્ચામાં આવ્યું હતું, જ્યાં તેમણે બંને દેશો વચ્ચેના મતભેદોને ઉકેલવામાં અને આ કરારને પાર પાડવામાં અત્યંત મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
યુલિયા સ્વિરીડેન્કોનો પરિચય
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, યુલિયા સ્વિરીડેન્કોનો જન્મ યુક્રેનના ચેર્નિહિવ ક્ષેત્રમાં થયો હતો. રાજ્ય વહીવટમાં તેમનો બહોળો અનુભવ છે, જેમાં તેઓ રાષ્ટ્રપતિ કાર્યાલયના નાયબ વડા તરીકે પણ સેવા આપી ચૂક્યા છે. 2021માં તેઓ અર્થતંત્ર મંત્રી અને નાયબ વડાપ્રધાન બન્યા હતા. હવે તેઓ વર્તમાન વડાપ્રધાન ડેનિસ શામહાલનું સ્થાન લેશે. વડાપ્રધાન બનતા પહેલા, તેમની ઉમેદવારીને યુક્રેનિયન સંસદ દ્વારા મંજૂરી આપવી પડશે. સંસદની મંજૂરી મળ્યા બાદ, તેઓ યુલિયા ટિમોશેન્કો પછી યુક્રેનના બીજા મહિલા વડાપ્રધાન બનશે, જેમણે 2004માં દેશનું નેતૃત્વ કર્યું હતું.
અમેરિકા સાથેના ખનિજ કરારમાં મુખ્ય ભૂમિકા
યુલિયા સ્વિરીડેન્કોનું નામ ફેબ્રુઆરીમાં વોશિંગ્ટનમાં યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકી વચ્ચેના વિવાદ દરમિયાન પ્રકાશમાં આવ્યું હતું. આ વિવાદને ઉકેલવામાં સ્વિરીડેન્કોએ મુખ્ય ભૂમિકા ભજવી હતી. કરારનું કામ પૂર્ણ કરવા માટે તેઓ વિવાદ પછી તરત જ વોશિંગ્ટન ગયા હતા, જે તેમની મુત્સદ્દીગીરી અને કાર્યક્ષમતા દર્શાવે છે.
નવી પ્રાથમિકતાઓ: યુદ્ધગ્રસ્ત અર્થતંત્ર અને સુરક્ષા
વડાપ્રધાન પદ માટે પોતાના નામની જાહેરાત થતા, યુલિયા સ્વિરીડેન્કોએ એક નિવેદન બહાર પાડીને જણાવ્યું કે યુક્રેન હાલ ખૂબ જ મહત્વપૂર્ણ તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. તેમની તાત્કાલિક પ્રાથમિકતાઓ યુદ્ધગ્રસ્ત યુક્રેનિયન અર્થતંત્રમાં સુધારો કરવો, સ્થાનિક સહાય કાર્યક્રમોનો વિસ્તાર કરવો અને શસ્ત્રોના ઉત્પાદનને વેગ આપવાનો રહેશે. આ ઉપરાંત, સ્વિરીડેન્કોએ અમલદારશાહી ઘટાડવા, વેપારને પ્રોત્સાહન આપવા અને હાલમાં બિનજરૂરી ખર્ચ ઘટાડવા પર પણ ભાર મૂક્યો. તેમણે સ્પષ્ટ કર્યું કે હાલ તેમનું સંપૂર્ણ ધ્યાન દેશના તમામ સંસાધનોનું સુરક્ષા ક્ષેત્રમાં રોકાણ કરવા અને યુદ્ધમાંથી દેશને બહાર લાવવા પર કેન્દ્રિત છે.





















