શોધખોળ કરો
પારડી નગરપાલિકાની પ્રથમ સામાન્ય સભા તોફાની બની: વિરોધ પક્ષના નેતાએ રાષ્ટ્રગીત દરમિયાન ટેબલ પર ચડી નાસ્તાની ડિસો ફેંકી
વલસાડ જિલ્લાની પારડી નગરપાલિકામાં ચૂંટણી બાદ મળેલી પ્રથમ સામાન્ય સભા ભારે તોફાની બની હતી.
સભા દરમિયાન પોતાના સવાલોના યોગ્ય જવાબ ન મળતા વિરોધ પક્ષના નેતા રોષે ભરાયા હતા અને મામલો એટલો વણસ્યો કે સામાન્ય સભા પૂર્ણ થયા બાદ રાષ્ટ્રગીત દરમિયાન પણ હંગામો મચાવ્યો હતો.
1/5

પ્રાપ્ત માહિતી અનુસાર, પારડી નગરપાલિકાની ચૂંટણી બાદ પ્રથમ વખત સામાન્ય સભા મળી હતી. આ સભામાં એજન્ડાના કામો ઉપરાંત પ્રમુખ સ્થાનેથી રજૂ થતા અન્ય કામો અંગે પણ ચર્ચા થવાની હતી.
2/5

જોકે, સામાન્ય સભામાં વિરોધ પક્ષના નેતા બીપીન પટેલે અગાઉની સભાઓમાં રજૂ થયેલા કામો અંગે સત્તાધીશોને સવાલ કરતાં માહોલ ગરમાયો હતો. વિરોધ પક્ષ દ્વારા પોતાની વાત ન સાંભળતા હોવાના આક્ષેપ સાથે ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી.
3/5

સામાન્ય સભામાં હંગામો વધતાં શાસક પક્ષના સભ્યોએ સભા પૂર્ણ કરી હોવાનું જાહેર કર્યું અને તાત્કાલિક રાષ્ટ્રગીત શરૂ કરી દીધું હતું. જોકે, સભા પૂર્ણ થયા બાદ રાષ્ટ્રગીત શરૂ કરી દેવાતા વિરોધ પક્ષના નેતા બીપીન પટેલ વધુ રોષે ભરાયા હતા. આવેશમાં આવીને તેમણે રાષ્ટ્રગીત ચાલી રહ્યું હતું તે દરમિયાન પણ હંગામો મચાવ્યો હતો. તેઓ ટેબલ પર ચડી ગયા હતા અને ત્યાં પડેલી નાસ્તાની ડિસો પણ ઉગ્ર આક્રોશ સાથે ફેંકી હતી.
4/5

રાષ્ટ્રગીત જેવી ગૌરવપૂર્ણ ક્ષણ દરમિયાન વિરોધ પક્ષના નેતા દ્વારા કરવામાં આવેલા આ હંગામાથી શાસક પક્ષના સભ્યોમાં પણ ભારે રોષ જોવા મળ્યો હતો. મહત્વપૂર્ણ છે કે, પારડી નગરપાલિકાની યોજાયેલી ચૂંટણીમાં ભાજપ પૂર્ણ બહુમતી સાથે સત્તામાં આવ્યું છે, જ્યારે કોંગ્રેસના માત્ર ચાર જ સભ્યો ચૂંટાયા છે.
5/5

ચૂંટણી બાદ મળેલી પ્રથમ સામાન્ય સભામાં જ આ પ્રકારે માહોલ ગરમાવો અને વિરોધ પક્ષના નેતા દ્વારા રાષ્ટ્રગીત દરમિયાન પણ હંગામો મચાવવો એ નગરપાલિકાના રાજકારણ માટે ચિંતાજનક બાબત છે. આ ઘટના નગરપાલિકાના સુચારુ વહીવટ પર પણ પ્રશ્નાર્થ ઉભો કરી રહી છે. શાસક પક્ષ અને વિરોધ પક્ષ વચ્ચે મર્યાદા અને ગરિમા જળવાય તે જરૂરી છે.
Published at : 19 Apr 2025 07:23 PM (IST)
આગળ જુઓ
Advertisement





















