(Source: ECI/ABP News/ABP Majha)
India Squad: ગંભીરની એન્ટ્રી થતાં જ શરુ થયા ત્રણ મોટા વિવાદ,હાર્દિક-ગિલને લઈને પણ વધ્યું ટેન્શન
India Squad for Sri Lanka Tour 2024: ગૌતમ ગંભીર ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ બનતાની સાથે જ ત્રણ મોટા વિવાદો ઉભા થઈ ગયા છે. જાણો કેમ ગંભીરના નિર્ણયો ચર્ચાનો વિષય બન્યા છે.
India Squad for Sri Lanka Tour 2024: ટી20 વર્લ્ડ કપ 2024 પછી, ગૌતમ ગંભીર ભારતીય ટીમના નવા મુખ્ય કોચ બન્યા છે. તેની સામે પહેલું કામ શ્રીલંકાનો પ્રવાસ છે. શ્રીલંકા સામેની સિરીઝ માટે એવા ખેલાડીઓને ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે, જેમની કદાચ કોઈએ અપેક્ષા પણ નહોતી કરી. હાર્દિક પંડ્યાને સુકાની ન બનાવાતા તે ઘણો વિવાદનો વિષય બન્યો છે. તો ચાલો જાણીએ તે 3 વિવાદો વિશે, જે ગૌતમ ગંભીરના મુખ્ય કોચ બન્યા બાદ શરૂ થયો હતો.
1. હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપ
IPL 2024માં હાર્દિક પંડ્યાના ખરાબ પ્રદર્શનને કારણે તેને ભારે ટ્રોલ કરવામાં આવ્યો હતો. તેમ છતાં તેણે T20 વર્લ્ડ કપ 2024માં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેને વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન તરીકે પસંદ કરવામાં આવ્યો હતો અને તેણે આ જવાબદારી સારી રીતે નિભાવી હતી. પરંતુ શ્રીલંકા સામેની ટી-20 સિરીઝ માટે સૂર્યકુમાર યાદવને કેપ્ટનશિપ મળવાના સમાચાર ફેલાતા જ ક્રિકેટ જગત બે જૂથોમાં વહેંચાઈ ગયું. હાર્દિક પાસે અનુભવ છે, તે વિશ્વના શ્રેષ્ઠ ઓલરાઉન્ડર ખેલાડીઓમાંનો એક છે. તેમ છતાં તેમને કેપ્ટન ન બનાવવામાં આવતા લોકોમાં રોષ છે.
2. શુભમન ગિલને વાઇસ કેપ્ટન બનાવાયો
ઝિમ્બાબ્વે પ્રવાસમાં મોટાભાગના સિનિયર ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો હતો. આવી સ્થિતિમાં શુભમન ગીલની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયાએ ઝિમ્બાબ્વેને સીરિઝમાં 4-1થી હરાવ્યું હતું. પરંતુ શ્રીલંકા સામેની શ્રેણીમાં તેનું વાઇસ કેપ્ટન બનવું ચર્ચાનો વિષય બની ગયો છે. ગિલ માત્ર 24 વર્ષનો છે અને ટીમમાં તેના કરતા વધુ અનુભવી ખેલાડીઓ છે. જો સૂર્યકુમારને શ્રીલંકા સામેની ટી-20 ટીમની કપ્તાની સોંપવામાં આવે તો પણ હાર્દિકને વાઇસ કેપ્ટન બનાવી શકાયો હોત. સોશિયલ મીડિયા પર એક અભિયાન શરૂ થઈ ગયું છે કે ગંભીર આવતાની સાથે જ તેઓ શુભમન ગિલને ટીમ ઈન્ડિયાનો પોસ્ટર બોય બનાવવા માટે દબાણ કરવા માંગે છે.
3. ઋતુરાજ અને અભિષેક માટે કોઈ સ્થાન નહીં
સૌથી પહેલા જો આપણે રુતુરાજ ગાયકવાડની વાત કરીએ તો તેને ઓછામાં ઓછા T20 ટીમમાં સ્થાન મળવું જોઈતું હતું. અત્યાર સુધી તેણે ટી20 મેચની 20 ઇનિંગ્સમાં 39.5ની એવરેજથી 633 રન બનાવ્યા છે. ઝિમ્બાબ્વે પ્રવાસ પર તેણે બે અલગ-અલગ ક્રમમાં બેટિંગ કરીને ત્રણ ઇનિંગ્સમાં 133 રન બનાવ્યા હતા. જ્યાં અન્ય બેટ્સમેનો સંઘર્ષ કરી રહ્યા હતા ત્યાં ગાયકવાડ સતત સારી બેટિંગ કરી રહ્યો હતો. આમ છતાં ગાયકવાડને ટીમમાં સ્થાન પણ આપવામાં આવ્યું નથી.
બીજી તરફ અભિષેક શર્માએ ઝિમ્બાબ્વે સામેની શ્રેણીમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું. જો કે પ્રથમ મેચમાં તે શૂન્ય પર આઉટ થયો હતો, પરંતુ બીજી મેચમાં તેણે 47 બોલમાં 100 રન બનાવીને પોતાની પ્રતિભાનું પ્રદર્શન કર્યું હતું. અભિષેકે બતાવ્યું કે અનુભવ મેળવ્યા પછી તે ઘણું સારું પ્રદર્શન કરી શકે છે. તેમ છતા તેને શ્રીલંકા સામેની ટીમમાં સામેલ કરવામાં આવ્યો નથી.