આકાશ ચોપડાએ ભારત-પાકિસ્તાનની વન ડેની સંયુક્ત પ્લેઇંગ ઇલેવન કરી જાહેર, જાણો કોને કોને મળ્યું સ્થાન
પૂર્વ ક્રિકેટર અને હાલના શ્રેષ્ઠ કોમેન્ટેટર ગણાતા આકાશ ચોપડાએ ભારત-પાકિસ્તાનની વન ડેની સંયુક્ત પ્લેઇંગ ઇલેવનની જાહેરાત કરી છે. ચોપડાએ ઓપનિંગ જોડી તરીકે સચિન તેંડુલકર અને રોહિત શર્માની પસંદગી કરી છે.
નવી દિલ્હીઃ કોરોનાના કારણે હાલ તમામ પ્રકારની રમત બંધ છે. આ દરમિયાન ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટર અને હાલના શ્રેષ્ઠ કોમેન્ટેટર ગણાતા આકાશ ચોપડાએ ભારત-પાકિસ્તાનની વન ડેની સંયુક્ત પ્લેઇંગ ઇલેવનની જાહેરાત કરી છે. તેણે વીડિયો જાહેર કરીને ટીમમાં કોને કેમ સ્થાન આપ્યું તે પણ જણાવ્યું છે.
સચિન સાથે કોણ કરશે ઓપનિંગ
આકાશ ચોપડાએ કહ્યું ઓપનિંગ જોડી તરીકે સચિન તેંડુલકર અને રોહિત શર્માની પસંદગી કરી છે. સચિન સાથે ઓપનિંગ માટે સેહવાગ, ગાંગુલી, સઈદ અનવર પર હતા પરંતુ રોહિત શર્માએ બાજી મારી છે. વિરાટ કોહલી નિસંદેહ ત્રીજા નંબર માટે પસંદગી છે.
મિડલ ઓર્ડરમાં કોને મળ્યું સ્થાન
આકાશ ચોપડાએ ચોથા નંબર પર જાવેદ મિયાંદાદને સ્થાન આપ્યું છે, જ્યારે પાંચમા નંબર પર પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન ઈન્ઝમામ ઉલ હકને મોકો આપ્યો છે. છઠ્ઠા નંબરે ભારતને 2007નો ટી-20 અને 2011નો આઈસીસી વર્લ્ડકર જીતાડનારા મહેન્દ્ર સિંહ ધોનીની પસંદગી કરી છે. ધોની સિવાય બંને ટીમમાંથી બેસ્ટ ફિનિશર કોઈ નથી. ઉપરાંત તે એક વર્લ્ડકલાસ વિકેટકિપર પણ છે.
કેપ્ટન તરીકે કોણ ?
જે પછી ઈમરાન ખાન અને કપિલ દેવને સંયુક્ત પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન આપ્યું છે. ચોપડાએ કેપ્ટન તરીકે ઈમરાન ખાનને પસંદ કર્યો છે. જ્યારે વસીમ અક્રમ અને વકાર યૂનુસની ફાસ્ટ બોલર્સ તથા સ્પિનર તરીકે સકલેન મુશ્તાકની પસંદગી કરી છે. આકાશ ચોપડાએ 12મા ખેલાડી તરીકે યુવરાજ સિંહની પસંદગી કરી છે.
આકાશ ચોપડાએ પસંદ કરેલી ભારત-પાકિસ્તાનની સંયુક્ત પ્લેઇંગ ઇલેવનઃ સચિન તેંડુલકર, રોહિત શર્મા, વિરાટ કોહલી, જાવેદ મિયાંદાદ, ઈન્ઝમામ ઉલ હક, મહેન્દ્ર સિંહ ધોની (વિકેટકિપર), ઈમરાન ખાન (કેપ્ટન), કપિલ દેવ, વસીમ અક્રમ, વકાર યૂનુસ, સકલેન મુશ્તાક, યુવરાજ સિંહ (12મો ખેલાડી)
આકાશ ચોપડાએ ભારત તરફથી 10 ટેસ્ટમાં 437 રન બનાવ્યા છે. જેમાં તેનો સર્વોચ્ચ સ્કોર 60 રન છે.