87 ચોગ્ગા, 26 છગ્ગા અને કુલ 872 રનનો રેકોર્ડ! ક્રિકેટ ઇતિહાસમાં અમર થઈ ગઈ આ ODI મેચ
19 વર્ષ પહેલાં ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાયેલી મેચમાં પહેલીવાર 400+ સ્કોર બન્યો, દક્ષિણ આફ્રિકાએ 434 રનનો વિક્રમજનક લક્ષ્ય પાર પાડ્યો.

- 872 રનના રેકોર્ડ બ્રેકિંગ સ્કોર સાથે ODI ક્રિકેટનો ખેલ બદલાયો.
- ઓસ્ટ્રેલિયાએ 434 રનનો પહેલીવાર 400થી વધુનો ODI સ્કોર કર્યો.
- દક્ષિણ આફ્રિકાએ અશક્ય માનવામાં આવતું લક્ષ્ય પીછો કરી મેચ જીતી લીધી.
- અંતિમ ઓવરની કસોટી અને માર્ક બાઉચરની શાંત ચોગ્ગાવાળી સમાપ્તી.
- આ મેચ ODI cricketના દશકાઓમાં paradigm shift તરીકે ઓળખાઈ.
AUS vs SA 434 ODI: એક સમય હતો જ્યારે ODI ક્રિકેટમાં 300 રનનો આંકડો પણ મોટો પડકાર લાગતો હતો, પરંતુ 19 વર્ષ પહેલાં રમાયેલી એક ઐતિહાસિક મેચે વન-ડે ક્રિકેટની વ્યાખ્યા સંપૂર્ણપણે બદલી નાખી. ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે માર્ચ 2006 માં જોહાનિસબર્ગના વાન્ડરર્સ સ્ટેડિયમ ખાતે રમાયેલી આ મેચમાં કુલ 872 રન બન્યા હતા, જે આજે પણ એક વન-ડે મેચમાં બનેલો સૌથી મોટો કુલ સ્કોર છે. આ મેચમાં કુલ 87 ચોગ્ગા અને 26 છગ્ગા ફટકારવામાં આવ્યા હતા, જેમાંથી 504 રન તો ફક્ત બાઉન્ડ્રી દ્વારા જ આવ્યા હતા!
ઓસ્ટ્રેલિયાનો ઐતિહાસિક 434 રનનો પહાડ
પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ સ્કોરબોર્ડ પર 434 રનનો વિશાળ સ્કોર ખડક્યો, જે ODI ક્રિકેટના ઇતિહાસમાં પહેલીવાર 400 રનનો આંકડો પાર કરવાનો રેકોર્ડ હતો. એડમ ગિલક્રિસ્ટ (55 રન) અને સિમોન કેટિચ (79 રન) એ ઝડપી શરૂઆત આપી. ત્યારબાદ કેપ્ટન રિકી પોન્ટિંગે (105 બોલમાં 164 રન) અને માઈકલ હસીએ (51 બોલમાં 81 રન) આક્રમક બેટિંગ કરીને સ્કોરને આ અવિશ્વસનીય ઊંચાઈએ પહોંચાડ્યો.
દક્ષિણ આફ્રિકાનો અકલ્પનીય રેકોર્ડ ચેઝ
કોઈએ વિચાર્યું નહોતું કે દક્ષિણ આફ્રિકા આટલા મોટા લક્ષ્યનો પીછો કરી શકશે. જોકે, દક્ષિણ આફ્રિકાએ વહેલી વિકેટ ગુમાવ્યા બાદ, કેપ્ટન ગ્રીમ સ્મિથ (55 બોલમાં 90 રન) અને હર્શેલ ગિબ્સે (111 બોલમાં 175 રન) બીજી વિકેટ માટે 20.5 ઓવરમાં 187 રનની ભાગીદારી નોંધાવી. ગિબ્સનો 175 રનનો સ્કોર આજે પણ તેની વન-ડે કારકિર્દીનો સર્વોચ્ચ સ્કોર છે.
આ મેચ છેલ્લી ઘડી સુધી રોમાંચક રહી. દક્ષિણ આફ્રિકાને છેલ્લી ઓવરમાં 7 રનની જરૂર હતી અને ફક્ત 2 વિકેટ બાકી હતી. પ્રથમ 2 બોલમાં 5 રન બન્યા, પરંતુ ત્રીજા બોલ પર 9મી વિકેટ પડી. મેચ કોઈપણ તરફ જઈ શકી હોત, પરંતુ માર્ક બાઉચરે પાંચમા બોલ પર ચોગ્ગો ફટકારીને દક્ષિણ આફ્રિકાને ઐતિહાસિક વિજય અપાવ્યો. આ જીત ODI ક્રિકેટના ઇતિહાસની સૌથી મોટી રન ચેઝ બની રહી. આ મેચ કાયમ માટે ક્રિકેટ ચાહકોના દિલમાં અમર રહેશે.




















