WC 2023: વર્લ્ડકપ રમવા અંગે બેન સ્ટોક્સે ક્યારે લીધો હતો નિર્ણય ? કેપ્ટન જોસ બટલરે કર્યો મોટો ખુલાસો
Ben Stokes, World Cup 2023: નોંધનીય છે કે વનડે વર્લ્ડકપ 5 ઓક્ટોબરથી શરૂ થશે
Ben Stokes, World Cup 2023: ઈંગ્લેન્ડના સ્ટાર ઓલરાઉન્ડર બેન સ્ટોક્સે વર્લ્ડ કપ 2023 માટે વન-ડેમાં પોતાની નિવૃત્તિ પાછી ખેંચી લીધી છે. સ્ટોક્સે જૂલાઈ 2022માં વન-ડે ફોર્મેટને અલવિદા કહી દીધું હતું. હવે બટલરે કહ્યું કે સ્ટોક્સે આઈપીએલ 2023 દરમિયાન જ કંઈક મોટું કરવાનું નક્કી કરી લીધું હતુ. બટલરના મતે સૌથી પહેલા તે આ વખતે એશિઝ જીતવા માંગતો હતો અને બટલરને લાગ્યું કે તે વર્લ્ડ કપ પણ રમી શકે છે.
બટલરે 'ધ ટાઈમ્સ'ને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું, "બેન સ્ટોક્સ અને મેં આઈપીએલમાં વાત કરી હતી. તેણે કહ્યું કે તે આ વર્ષે કેટલીક વસ્તુઓ હાંસલ કરવા માંગે છે, જેમાં એશિઝ ટોપ હતી. જોકે મને લાગ્યું કે તે વર્લ્ડ કપ 2023 પણ રમી શકે છે. બટલરની વાત સત્ય સાબિત થઇ અને સ્ટોક્સે વન-ડે વર્લ્ડકપ પહેલા પોતાની વન-ડે ક્રિકેટમાંથી નિવૃત્તિ પાછી ખેંચી લેવાનો નિર્ણય કર્યો હતો.
સ્ટોક્સને 30 ઓગસ્ટથી ન્યૂઝીલેન્ડ સામે રમાનારી 4 વનડે શ્રેણીમાં ઈંગ્લેન્ડની ટીમમાં સામેલ કરાયો છે. સ્ટોક્સે તેની છેલ્લી વનડે દક્ષિણ આફ્રિકા સામે રમી હતી. હવે ફરી એકવાર તે વન-ડે ક્રિકેટ રમતો જોવા મળશે. સ્ટોક્સે અત્યાર સુધીમાં 105 વનડે રમી છે જેમાં તેણે 38.98ની એવરેજથી 2924 રન બનાવ્યા છે.
આ દરમિયાન, તેણે 3 સદી અને 21 અડધી સદી ફટકારી છે, જેમાં તેનો હાઇએસ્ટ સ્કોર અણનમ 102 રન છે. આ સિવાય સ્ટોક્સે 42.39ની એવરેજથી 74 વિકેટ લીધી છે.
નોંધનીય છે કે વનડે વર્લ્ડકપ 5 ઓક્ટોબરથી શરૂ થશે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રથમ મેચ ન્યૂઝીલેન્ડ અને ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડ વચ્ચે રમાશે. અને ટુર્નામેન્ટની ફાઇનલ મેચ 19 નવેમ્બરને રવિવારે યોજાશે.
ઈંગ્લેન્ડે સંભવિત ટીમમાં 15 ખેલાડીઓને સ્થાન આપ્યું છે. મહત્વની વાત એ છે કે આમાં હેરી બ્રુક અને જોફ્રા આર્ચરનો સમાવેશ કરવામાં આવ્યો નથી. આર્ચર કદાચ વર્લ્ડ કપમાં નહીં રમી શકે. ઈજા બાદ તે સંપૂર્ણ રીતે ફિટ થઈ શક્યો નથી. ઈંગ્લેન્ડના પસંદગીકાર લ્યુક રાઈટે કહ્યું કે આર્ચર માત્ર રિઝર્વ ખેલાડી તરીકે ટીમનો ભાગ હશે. આઈસીસી પર પ્રકાશિત સમાચાર અનુસાર, રાઈટે કહ્યું, આ તે ટીમ છે જેની સાથે અમે આગળ વધીશું.
સ્ટોક્સનો ઉલ્લેખ કરતા તેણે કહ્યું, ટીમને ખૂબ જ સંતુલિત રાખવામાં આવી છે. બેન સ્ટોક્સની વાપસી ક્વાલિટીમાં વધારો કરશે. તેની પાસે મેચ જીતાડવાની ક્ષમતા છે. નેતૃત્વમાં પણ તે આગળ છે. મને લાગે છે કે ચાહકો સ્ટોક્સની વાપસીનો આનંદ માણશે