IND vs SL: આજે ત્રીજી ટી20, શ્રીલંકા વિરૂદ્ધ ભારતીય ટીમ આખેઆખી બદલાઇ જશે, એકસાથે 4 ફેરફારો સંભવ
IND vs SL 3rd T20I Indian Playing XI: ભારત અને શ્રીલંકા વચ્ચે આજે (30 જુલાઈ, મંગળવાર) ત્રણ મેચોની T20 સીરીઝની ત્રીજી અને છેલ્લી મેચ રમાશે
IND vs SL 3rd T20I Indian Playing XI: ભારત અને શ્રીલંકા વચ્ચે આજે (30 જુલાઈ, મંગળવાર) ત્રણ મેચોની T20 સીરીઝની ત્રીજી અને છેલ્લી મેચ રમાશે. અગાઉની બંને મેચ જીતીને ટીમ ઈન્ડિયાએ સીરીઝમાં અજેય સરસાઈ મેળવી લીધી છે. આ જ કારણ છે કે ત્રીજી અને છેલ્લી ટી20માં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં એક-બે નહીં પરંતુ ચાર ફેરફાર જોવા મળી શકે છે. સીરીઝ જીતી ચૂકેલા ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવ ત્રીજી ટી20માં બેન્ચ સ્ટ્રેન્થને અજમાવી શકે છે.
આજે એકસાથે 4 ફેરફારો સંભવ
શ્રીલંકા સામેની ત્રીજી ટી20 ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં ચાર ફેરફાર જોવા મળી શકે છે. ટીમમાં પહેલો ફેરફાર સંજુ સેમસનના રૂપમાં જોવા મળી શકે છે. બીજી ટી20માં શુભમન ગીલની જગ્યાએ સંજૂ સેમસનને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યો હતો. હવે શુભમન ગીલ ત્રીજી ટી20માં વાપસી કરી શકે છે. બીજી T20માં પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મેળવનાર સંજૂ તકનો લાભ ઉઠાવી શક્યો ન હતો અને 'ગૉલ્ડન ડક' પર બૉલ્ડ થયો હતો.
આ સિવાય બીજો ફેરફાર ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજના રૂપમાં થઈ શકે છે. મોહમ્મદ સિરાજની જગ્યાએ લેફ્ટ આર્મ ફાસ્ટ બોલર ખલીલ અહમને ત્રીજી ટી20ની પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવી શકે છે. છેલ્લી બંને મેચમાં સિરાજ માત્ર એક જ વિકેટ લઈ શક્યો છે.
ઓલરાઉન્ડર ડિપાર્ટમેન્ટમાં પણ થઇ શકે છે ફેરફાર
અક્ષર પટેલ અને હાર્દિક પંડ્યાને પ્રથમ બે ટી20માં ઓલરાઉન્ડર તરીકે જોવામાં આવ્યા હતા. આવી સ્થિતિમાં બંને ઓલરાઉન્ડરોને ત્રીજી મેચમાંથી આરામ આપવામાં આવી શકે છે. હાર્દિક પંડ્યાના સ્થાને શિવમ દુબેને તક મળી શકે છે અને અક્ષર પટેલની જગ્યાએ વૉશિંગ્ટન સુંદરને તક મળી શકે છે.
શ્રીલંકા વિરૂદ્ધ ત્રીજી ટી20માં ટીમ ઇન્ડિયાની સંભવિત પ્લેઇંગ ઇલેવન -
યશસ્વી જાયસ્વાલ, શુભમન ગીલ, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), ઋષભ પંત (વિકેટકીપર), શિવમ દુબે, રિયાન પરાગ, રિંકુ સિંહ, વૉશિંગ્ટન સુંદર, અર્શદીપ સિંહ, રવિ બિશ્નોઈ, ખલીલ અહેમદ.