Cricket : શું કોહલી અને રોહિત થોડા દિવસોના જ મહેમાન? કારકિર્દીનો The End?
ચીફ સિલેક્ટ થતાં જ આ દિશામાં કામ શરૂ થઈ જશે. આ દરમિયાન વિરાટ કોહલી અને રોહિત શર્મા સિવાય રવિચંદ્રન અશ્વિન સહિત ઘણા સિનિયર ખેલાડીઓ સાથે 'ભવિષ્ય' અંગે ચર્ચા કરવામાં આવશે.
Rohit and Virat Career : BCCIએ વેસ્ટ ઈન્ડિઝ સામેની બે ટેસ્ટ અને ત્રણ વનડે મેચની સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની કપ્તાની રોહિત શર્માને સોંપી દીધી છે. ટીમમાં ખેલાડીઓની પસંદગી ખૂબ જ સમજી વિચારીને કરવામાં આવી છે. બોર્ડે સંતુલિત ટીમ બનાવવાના તમામ પ્રયાસો કર્યા છે. આ દરમિયાન એવા અહેવાલ છે કે, વર્લ્ડકપ 2023 બાદ મુખ્ય પસંદગીકાર T20માં રોહિત અને વિરાટના 'ફ્યુચર' પર ચર્ચા કરશે.
ભારતીય ક્રિકેટ ટીમમાં પરિવર્તનની પ્રક્રિયા 2023ના વર્લ્ડકપ બાદ શરૂ થશે. ખરેખર, ચીફ સિલેક્ટ થતાં જ આ દિશામાં કામ શરૂ થઈ જશે. આ દરમિયાન વિરાટ કોહલી અને રોહિત શર્મા સિવાય રવિચંદ્રન અશ્વિન સહિત ઘણા સિનિયર ખેલાડીઓ સાથે 'ભવિષ્ય' અંગે ચર્ચા કરવામાં આવશે.
હાલમાં, અજીત અગરકર મુખ્ય પસંદગીકારના પદ માટે સૌથી આગળ છે. તેમણે દિલ્હી કેપિટલ્સના આસિસ્ટન્ટ કોચની નોકરી છોડ્યા બાદ આ પદ માટે અરજી કરી છે. રમતના સૌથી ટૂંકા ફોર્મેટમાંથી ભારતીય ક્રિકેટના બે દિગ્ગજ ખેલાડીઓના સંક્રમણ વિશે ઘણી ચર્ચા થઈ છે. વિરાટ કોહલી 34 વર્ષનો છે, જ્યારે રોહિત શર્મા 36 વર્ષનો છે.
BCCIના એક વરિષ્ઠ અધિકારીએ InsideSport સાથેની વાતચીત દરમિયાન કહ્યું હતું કે, ત્રણ ફોર્મેટ અને IPL રમવું સરળ કામ નહીં હોય. મુખ્ય પસંદગીકારનું એક કામ ખેલાડીઓ સાથે તેમની ભાવિ યોજનાઓ વિશે વાત કરવાનું છે. રોહિત અને વિરાટ પણ આનાથી અછૂતો નથી. હા, અમે તેઓ ઇચ્છે ત્યાં સુધી ચાલુ રાખવા માંગીએ છીએ, પરંતુ તમામ દિગ્ગજ ખેલાડીઓ પાસે તેમની યોજનાઓ વિશે વિચારવાનો સમય હોય છે.
વર્લ્ડકપ પછી તરત જ T20 અને ટેસ્ટ પર ધ્યાન કેન્દ્રિત કરવા સાથે હાર્દિક પંડ્યા ઔપચારિક રીતે T20 અને ODIની કપ્તાની સંભાળશે. ODI વર્લ્ડકપની જેમ T20 વર્લ્ડકપ 2024 માટે 20 ખેલાડીઓની કોર ટીમ રાખવાની યોજના છે અને રોહિત કોઈપણ યોજનામાં સામેલ થાય તેવી શક્યતા નથી. પરંતુ કોહલી તેની ફિટનેસને જોતા એક શક્યતા રહેશે.
જો કે આ મામલે મુખ્ય પસંદગીકાર અને બીસીસીઆઈના ટોચના અધિકારીઓ સાથે વાત કર્યા બાદ જ સ્પષ્ટ થશે. એવી શક્યતા છે કે, વર્લ્ડકપ પછી કોહલી અને રોહિત સ્વેચ્છાએ નવા ખેલાડીઓને તક આપતા એક ફોર્મેટ છોડી દેશે.
અધિકારીએ કહ્યું હતું કે, 'સ્વાભાવિક રીતે જ વર્લ્ડકપ બાદ ધ્યાન T20 પર જશે. અમે 2007 થી T20 વર્લ્ડકપ જીત્યા નથી અને તે હવે પ્રાથમિકતા અને પ્રતિષ્ઠાની બાબત છે. કારણ કે IPL ઝડપથી વધી રહી છે. જો આઈપીએલના માધ્યમથી આવતા ખેલાડીઓ સાથે અમે ટી-20 વર્લ્ડકપ નહીં જીતીએ તો સારું નહીં લાગે. પસંદગી સમિતિ 50 ઓવરના વર્લ્ડકપ પછી તરત જ આ અંગે યોજના બનાવશે.