મહિલા T20 ઇન્ટરનેશનલના અનેક રેકોર્ડ તૂટ્યા, આ દેશની મહિલા ક્રિકેટરે રમી 161 રનની ઇનિંગ
મહિલા ટી20 ઈન્ટરનેશનલ મેચમાં બહેરીનની બેટ્સમેન દીપિકા રાસંગિકાએ ધમાકેદાર ઈનિંગ રમીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે.
મહિલા ટી20 ઈન્ટરનેશનલ મેચમાં બહેરીનની બેટ્સમેન દીપિકા રાસંગિકાએ ધમાકેદાર ઈનિંગ રમીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. દીપિકાએ અલ અમિરાત (ઓમાન) ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે સાઉદી અરેબિયા સામે GCC Women's T20I Championship Cup માં 66 બોલમાં અણનમ 161 રનની ઐતિહાસિક ઇનિંગ રમી હતી. આ પહેલા આ રેકોર્ડ ઓસ્ટ્રેલિયાની વિકેટ કીપર બેટ્સમેન એલિસા હીલીના નામે હતો. હીલીએ 2019માં શ્રીલંકા સામે 61 બોલમાં અણનમ 148 રનની ઇનિંગ રમી હતી.
એક જ મેચમાં અનેક રેકોર્ડ બનાવ્યા
T20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં એક ઇનિંગમાં સૌથી વધુ સ્કોર બનાવવાનો રેકોર્ડ પણ બહેરીનના નામે છે. દીપિકા અને સુકાની થરંગા ગજનાયકે (94)ની ઈનિંગને કારણે બહેરીને નિર્ધારિત 20 ઓવરમાં માત્ર 1 વિકેટ ગુમાવીને 318 રન બનાવ્યા હતા. આ સ્કોર T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં કોઈપણ ટીમ દ્વારા બનાવવામાં આવેલ સૌથી વધુ સ્કોર છે.
આ પહેલા આ રેકોર્ડ યુગાન્ડાની મહિલા ટીમના નામે હતો. યુગાન્ડાએ માલી સામે 2 વિકેટ ગુમાવીને 314 રન બનાવ્યા, યુગાન્ડાએ માલીને 10 રનમાં બોલ્ડ કરીને T20 ઈતિહાસમાં સૌથી મોટી જીત (304 રન) નોંધાવી હતી.
શ્રીલંકા તરફથી ક્રિકેટ રમતી દીપિકા રાસંગિકાએ 66 બોલની ઈનિંગમાં 31 ચોગ્ગા સાથે 161 રન ફટકાર્યા હતા. તેની સાથે બહેરીન ટીમની કેપ્ટન થરંગા ગજનાયકે પણ 56 બોલમાં 17 ચોગ્ગાની મદદથી 94 રન બનાવ્યા હતા. બંનેએ સાથે મળીને 94 બોલમાં 255 રનની ભાગીદારી કરી હતી. દીપિકા અને કેપ્ટન ગજનાયકેની ઈનિંગના કારણે બહેરીને સાઉદી અરેબિયાની મહિલા ટીમને 20 ઓવરમાં 319 રનનો ટાર્ગેટ આપ્યો હતો.
આ ટાર્ગેટ સામે સાઉદી અરેબિયાની મહિલા ટીમ ખાસ કમાલ કરી શકી નહોતી. અને 20 ઓવરમાં આઠ વિકેટ ગુમાવી 49 રન બનાવી શકી હતી. બેટ્સમેન માયરા ખાને સૌથી વધુ 9 રન બનાવ્યા હતા. જોકે, બહેરીને 11 રન વાઈડ આપ્યા હતા. બહેરીન તરફથી દીપિકા રસાંગિકાએ બોલ સાથે પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે 4 ઓવરમાં 9 રન આપીને 3 વિકેટ પણ લીધી હતી.
મેન્સ ટી20 ઈન્ટરનેશનલમાં આ રેકોર્ડ છે
T20 આંતરરાષ્ટ્રીય મેન્સ ક્રિકેટમાં એક ઇનિંગમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ એરોન ફિન્ચના નામે છે. તેણે 2019માં ઝિમ્બાબ્વે સામે 172 રનની ઇનિંગ રમી હતી. જ્યારે એક ઇનિંગ્સમાં સૌથી વધુ રન બનાવવાનો ટીમ રેકોર્ડ અફઘાનિસ્તાનના નામે છે. અફઘાન ટીમે 2019માં જ આયર્લેન્ડ સામે 20 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 278 રન બનાવ્યા હતા. સૌથી મોટી જીતનો રેકોર્ડ ચેક રિપબ્લિકના નામે છે. ચેક રિપબ્લિકે વર્ષ 2019માં તુર્કીને 257 રનથી હરાવ્યું હતું