Eng vs Aus Ashes Series: વરસાદના કારણે ઇગ્લેન્ડનું સપનું થયું ચકનાચૂર, ઓસ્ટ્રેલિયાએ પોતાની પાસે રાખી એશિઝ ટ્રોફી
બંન્ને ટીમો વચ્ચે પાંચમી ટેસ્ટ મેચ 27 જુલાઈથી ઓવલ ખાતે રમાશે.
ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની એશિઝ શ્રેણીની ચોથી ટેસ્ટ મેચ ડ્રોમાં સમાપ્ત થઈ હતી. આ સાથે ઓસ્ટ્રેલિયન ટીમે એશિઝ ટ્રોફી પોતાની પાસે જાળવી રાખી હતી. જો ઈંગ્લેન્ડની ટીમ પાંચમી ટેસ્ટ મેચ જીતશે તો પણ તે શ્રેણી 2-2થી ડ્રો કરી શકશે. સીરિઝ ડ્રો રહેવાના કારણે અગાઉની વિજેતા ટીમ પાસે ટ્રોફી રહેશે. બંન્ને દેશો વચ્ચેની છેલ્લી એશિઝ શ્રેણીમાં ઓસ્ટ્રેલિયાએ 4-0થી જીત મેળવી હતી. ડિફેન્ડિંગ ચેમ્પિયન હોવાના કારણે ટ્રોફી કાંગારુ ટીમ પાસે રહેશે. બંન્ને ટીમો વચ્ચે પાંચમી ટેસ્ટ મેચ 27 જુલાઈથી ઓવલ ખાતે રમાશે.
That'll do! The Old Trafford Test is a draw meaning we retain the #Ashes! 🇦🇺 pic.twitter.com/MXXrnPHtNG
— Cricket Australia (@CricketAus) July 23, 2023
વરસાદને કારણે માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફોર્ડ મેદાન પર પાંચમા દિવસે (23 જૂલાઈ) એક પણ બોલ ફેંકી શકાયો નહોતો. લાંબા સમય સુધી રાહ જોયા બાદ અમ્પાયરોએ પાંચમા દિવસની રમત રદ કરવાનો નિર્ણય લીધો હતો. મેચ ડ્રો થતા જ ઓસ્ટ્રેલિયન ખેલાડીઓએ ઉજવણી કરી હતી. વરસાદને કારણે ચોથા દિવસની રમતમાં પણ વિક્ષેપ પડ્યો હતો. જો વરસાદ ન આવ્યો હોત તો ઈંગ્લેન્ડ પાસે આ મેચ જીતવાની શ્રેષ્ઠ તક હતી.
ઓસ્ટ્રેલિયન ટીમે તેના બીજા દાવમાં પાંચ વિકેટે 214 રન બનાવ્યા હતા, ત્યારબાદ એક પણ બોલ રમી શકાયો ન હતો. ઓસ્ટ્રેલિયન ટીમ ઈંગ્લેન્ડથી 61 રનથી પાછળ હતી અને તેના પર ઈનિંગની હારનો ખતરો હતો. પરંતુ વરસાદે ઈંગ્લેન્ડની આશા પર પાણી ફરી વળ્યું હતું. ઓસ્ટ્રેલિયન ટીમ માટે બીજી ઇનિંગમાં માર્નસ લાબુશેને 111 રનની શાનદાર ઇનિંગ રમી હતી.
ઈંગ્લેન્ડે પ્રથમ દાવમાં 592 રન બનાવ્યા હતા
આ મેચમાં ઈંગ્લેન્ડના બેટ્સમેનો 'બેઝબોલ' ક્રિકેટ રમ્યા હતા. ઈંગ્લેન્ડે 107.4 ઓવરમાં 592 રન બનાવ્યા અને આ દરમિયાન તેનો રન રેટ 5.49 રહ્યો. ઈંગ્લેન્ડ માટે ઓપનર જેક ક્રાઉલીએ માત્ર 182 બોલમાં 189 રન બનાવ્યા જેમાં 21 ચોગ્ગા અને ત્રણ છગ્ગાનો સમાવેશ થાય છે.
ક્રાઉલીએ પહેલા મોઈન અલી સાથે બીજી વિકેટ માટે 121 રનની ભાગીદારી કરી હતી. ત્યારબાદ તેણે અનુભવી બેટ્સમેન જો રૂટ સાથે 206 રનની ભાગીદારી કરી હતી. મોઇને 54 રન બનાવ્યા હતા. આ સાથે જ જો રૂટે 95 બોલમાં 84 રન બનાવ્યા હતા. બાદમાં જોની બેયરસ્ટો (99* રન) અને બેન સ્ટોક્સે તોફાની ઇનિંગ્સ રમી હતી. પ્રથમ દાવના આધારે ઈંગ્લેન્ડને 275 રનની લીડ મળી હતી.
ઓસ્ટ્રેલિયાનો પ્રથમ દાવ 317 રન પર સમેટાઈ ગયો હતો
ઓસ્ટ્રેલિયન ટીમનો પ્રથમ દાવ 317 રનમાં સમેટાઈ ગયો હતો. મિશેલ માર્શ અને માર્નસ લાબુશેને 51-51 રનની ઇનિંગ્સ રમી હતી. ટ્રેવિસ હેડ (48), મિશેલ સ્ટાર્ક (36*) અને સ્ટીવ સ્મિથ (41)એ પણ મહત્વપૂર્ણ રન ફટકાર્યા હતા. ઈંગ્લેન્ડ તરફથી ક્રિસ વોક્સે સૌથી વધુ પાંચ વિકેટ લીધી હતી.
AUS એ સતત ચોથી વખત એશિઝ પર કબજો કર્યો
ઓસ્ટ્રેલિયાએ સતત ચોથી વખત એશિઝ ટ્રોફી પર કબજો કર્યો છે. 2017-18ની શ્રેણીમાં ઓસ્ટ્રેલિયાએ 4-0થી જીત મેળવીને એશિઝ જીતી હતી. ત્યારપછી 2019ની સીરિઝ 2-2 થી બરાબર થઈ હતી, જેના કારણે એશિઝ ટ્રોફી ઓસ્ટ્રેલિયા પાસે રહી હતી. આ પછી ઓસ્ટ્રેલિયાએ 2021-22માં એશિઝ શ્રેણી 4-0થી જીતી હતી.