IND vs ENG: ભારત અને ઈગ્લેન્ડ વચ્ચે આજે લોર્ડ્સ ટેસ્ટ, આર્ચર અને બુમરાહની થશે વાપસી
ENG vs IND 3rd Test: લોર્ડ્સની પિચ પર ઝડપી બોલરોને ફાયદો થઈ શકે છે, પરંતુ તે બેટ્સમેનોની ખરી કસોટી હશે

ENG vs IND 3rd Test: આજે લોર્ડ્સની ઐતિહાસિક પિચ પર ભારત અને ઈગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટની શરૂઆત થશે. પાંચ ટેસ્ટ મેચની શ્રેણી 1-1 થી બરાબર છે. ગુરુવારથી શરૂ થઈ રહેલી ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ત્રીજી ટેસ્ટ મેચને લઈને લોકોમાં ઉત્સાહ છે. આ મેચથી જસપ્રીત બુમરાહ અને જોફ્રા આર્ચરની વાપસી થશે.
જ્યારે ટીમ ઈન્ડિયા બીજી ટેસ્ટમાં બર્મિંગહામમાં ઐતિહાસિક 336 રનની જીત સાથે લયમાં જોવા મળી રહી છે. ઈંગ્લેન્ડ લીડ્સમાં પ્રથમ ટેસ્ટની જીતની જેમ વાપસી કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. આવી સ્થિતિમાં લોર્ડ્સ ખાતેની આ ટેસ્ટ બંન્ને ટીમો માટે મહત્વની સાબિત થશે. લોર્ડ્સની પિચ પર ઝડપી બોલરોને ફાયદો થઈ શકે છે, પરંતુ તે બેટ્સમેનોની ખરી કસોટી હશે.
બુમરાહની વાપસી
જસપ્રીત બુમરાહની ભારતીય ટીમમાં વાપસી નિશ્ચિત માનવામાં આવે છે અને તે પ્રસિદ્ધ કૃષ્ણાનું સ્થાન લેશે. બુમરાહની હાજરી ભારતીય બોલિંગ આક્રમણને નવી ધાર આપશે, જે પહેલાથી જ સિરાજ અને આકાશદીપના ઉત્તમ ફોર્મથી મજબૂત દેખાઈ રહી છે.
આકાશ દીપ એજબેસ્ટન ખાતેની તેની પહેલી જ ટેસ્ટમાં 10 વિકેટ લઈને ઇંગ્લિશ બેટ્સમેનોને હચમચાવી નાખ્યા હતા. સિરાજે 2021માં તે જ લોર્ડ્સના મેદાન પર મેચ વિનિંગ સ્પેલ ફેંક્યો હતો. હવે આ બંને સાથે બુમરાહ આવતા ઇંગ્લેન્ડના બેટ્સમેન માટે મોટો ખતરો બની શકે છે.
આર્ચરની ચાર વર્ષ પછી ટેસ્ટમાં વાપસી
બીજી બાજુ, જોફ્રા આર્ચરના વાપસીથી ઇંગ્લેન્ડને નવી તાકાત મળી છે. આર્ચર છેલ્લે 2021માં ટેસ્ટ ક્રિકેટ રમ્યો હતો. ઇજાઓને કારણે બહાર રહેલો આર્ચર હવે સંપૂર્ણપણે ફિટ છે અને ચાર વર્ષ પછી ઘરેલુ ધરતી પર ટેસ્ટ ક્રિકેટમાં વાપસી કરી રહ્યો છે. તેની સાથે ગુસ એટકિન્સનને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.
પિચ અને હવામાન
આ મેચ સેન્ટ્રલ પિચ પર રમાઈ રહી નથી. આ પિચ પર હળવું ઘાસ છે. આવી સ્થિતિમાં જે પણ ટોસ જીતે છે તે પહેલા બોલિંગ કરી શકે છે. જોકે, પાંચેય દિવસ ભારે ગરમી અને તડકાની શક્યતા છે. આવી સ્થિતિમાં જો બેટ્સમેનો શરૂઆતની ઓવરો રમે છે, તો મોટો સ્કોર પણ બની શકે છે.
અહીં પણ બાઉન્ડ્રી નાની કરવામાં આવી છે.
લીડ્સ અને બર્મિંગહામની જેમ લંડનમાં પણ બાઉન્ડ્રી નાની કરવામાં આવી છે. જોકે, અહીં બધી બાજુ બાઉન્ડ્રી નાની કરવામાં આવી નથી. નર્સરીના છેડા પર સીધી બાઉન્ડ્રી 10-12 મીટર ટૂંકી કરવામાં આવી છે. ભારતના સ્પિનરો સામે બોલ રમવા અને મોટા શોટ મારવાની વ્યૂહરચનાને કારણે ઇંગ્લેન્ડની ટીમ આવું કરી રહી છે.




















