Test Series: ટેસ્ટ સીરિઝ માટે ભારત પરત ફરી ઇગ્લેન્ડની ટીમ, પાકિસ્તાની મૂળના રેહાન અહેમદને એરપોર્ટ પર રોકવામાં આવ્યો
England Team in India for Test Series: ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમ ફરી એકવાર ભારત પરત ફરી છે
England Team in India for Test Series: ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમ ફરી એકવાર ભારત પરત ફરી છે. આ ઇંગ્લિશ ટીમ હાલમાં ભારતીય પ્રવાસ પર 5 મેચની ટેસ્ટ શ્રેણી રમી રહી છે. પ્રથમ બે મેચ બાદ સીરિઝ હાલમાં 1-1થી બરાબર છે. હવે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી મેચ રાજકોટમાં 15 ફેબ્રુઆરીથી રમાશે.
બીજી મેચ હાર્યા બાદ ઈંગ્લેન્ડની ટીમ પ્રેક્ટિસ માટે અબુ ધાબી પરત ફરી હતી. પરંતુ હવે તે ત્રીજી મેચ માટે રાજકોટ પહોંચી ગઇ છે. પરંતુ આ દરમિયાન ઈંગ્લેન્ડ ટીમના સ્ટાર સ્પિનર રેહાન અહેમદને રાજકોટ એરપોર્ટ પર અટકાવવામાં આવ્યો હતો.
સિંગલ વિઝા એન્ટ્રીના કારણે રોકવામાં આવ્યો
વાસ્તવમાં પાકિસ્તાની મૂળના રેહાન અહેમદ પાસે માત્ર સિંગલ એન્ટ્રી વિઝા હતો. આ કારણોસર તેને એરપોર્ટ પર રોકવામાં આવ્યો હતો. ઇંગ્લિશ ક્રિકેટર રેહાન અહેમદને રાજકોટ એરપોર્ટ પર 2 કલાકથી વધુ સમય સુધી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે તાત્કાલિક વિઝાની કાર્યવાહી કરી હતી. આ પછી રેહાન અહેમદને વિઝા આપવામાં આવ્યો અને પછી તેને જવા દેવામાં આવ્યો. નોંધનીય છે કે સીરિઝ પહેલા પાકિસ્તાની મૂળના શોએબ બશીરને પણ વિઝાના કારણે અબુ ધાબીમાં રહેવું પડ્યું હતું. જોકે, થોડા દિવસો પછી તેને વિઝા મળી ગયા અને પછી તે ભારત આવી ગયો. આ પછી તેણે બીજી ટેસ્ટ પણ રમી હતી.
આજે બપોરે બંને ટીમોની પ્રેસ કોન્ફરન્સ યોજાશે
ઈંગ્લેન્ડની ટીમ સોમવારે સાંજે 5.30 કલાકે એરપોર્ટ પહોંચી હતી અને રાત્રે 8 વાગે હોટલ પહોંચી હતી. જ્યારે ઈંગ્લિશ કેપ્ટન બેન સ્ટોક્સ અને રેહાન અહેમદ લગભગ 9 વાગે હોટલ પહોંચ્યા હતા.
આજથી (13 ફેબ્રુઆરી) રાજકોટમાં ઈંગ્લેન્ડ અને ભારતીય ટીમો એકસાથે પ્રેક્ટિસ કરશે. ઇંગ્લેન્ડની ટીમની પ્રેસ કોન્ફરન્સ બપોરે 12 વાગ્યે જ્યારે ભારતીય ટીમની પ્રેસ કોન્ફરન્સ બપોરે 12.45 વાગ્યે યોજાશે.
ત્રીજી ટેસ્ટ મેચ પહેલા ઈંગ્લેન્ડ માટે ખરાબ સમાચાર આવ્યા છે. ટીમનો સ્ટાર સ્પિનર જેક લીચ ઈજાના કારણે આખી શ્રેણીમાંથી બહાર થઇ ગયો હતો. 32 વર્ષીય જેક લીચને હૈદરાબાદ ટેસ્ટ મેચ દરમિયાન ડાબા ઘૂંટણમાં ઈજા થઈ હતી, જેના કારણે તે વિશાખાપટ્ટનમમાં આયોજિત બીજી ટેસ્ટમાં રમી શક્યો નહોતો.