Highest ODI Score: ઈંગ્લેન્ડની ટીમે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, વન ડે ઈતિહાસનો સૌથી મોટો ટોટલ બનાવ્યો
ઈંગ્લેન્ડ અને નેધરલેન્ડ વચ્ચેની પ્રથમ વન-ડે ઈન્ટરનેશનલમાં ઈંગ્લેન્ડે જબરદસ્ત બેટિંગનું પ્રદર્શન કરતા વન-ડે ઈન્ટરનેશનલમાં સૌથી વધુ સ્કોરનો રેકોર્ડ બનાવ્યો છે.
ઈંગ્લેન્ડ અને નેધરલેન્ડ વચ્ચેની પ્રથમ વન-ડે ઈન્ટરનેશનલમાં ઈંગ્લેન્ડે જબરદસ્ત બેટિંગનું પ્રદર્શન કરતા વન-ડે ઈન્ટરનેશનલમાં સૌથી વધુ સ્કોરનો રેકોર્ડ બનાવ્યો છે. પ્રથમ બેટિંગ કરતા ઈંગ્લેન્ડની ટીમે ઈતિહાસ રચતા 498 રન ફટકારી દિધા છે, જે અત્યાર સુધીનો સૌથી મોટો ODI સ્કોર છે. આ પહેલા 481 રન ODIનો સર્વોચ્ચ સ્કોર હતો. ઈંગ્લેન્ડ તરફથી આ મેચમાં 3 બેટ્સમેનોએ સદી ફટકારી હતી. જોકે, ઈંગ્લેન્ડની શરૂઆત ખૂબ જ નબળી રહી હતી અને ઓપનર જેસન રોય માત્ર 1 રનના વ્યક્તિગત સ્કોર પર આઉટ થઈ ગયો હતો. આ પછી ફિલિફ સોલ્ટ અને ડેવિડ મલને જોરદાર બેટિંગ કરી અને બીજી વિકેટ માટે 222 રનની જબરદસ્ત ભાગીદારી કરી. બટલરે 162 રનની વિસ્ફોટક ઈનિંગ રમી હતી. ટોસ જીત્યા બાદ નેધરલેન્ડે ઈંગ્લેન્ડને બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું.
ઈંગ્લેન્ડના ત્રણ બેટ્સમેને સદી ફટકારી
ઈંગ્લેન્ડ માટે ઓપનર ફિલિપ સોલ્ટે માત્ર 93 બોલમાં 122 રન બનાવ્યા હતા. જેમાં 14 ચોગ્ગા અને 3 છગ્ગાનો સમાવેશ થાય છે. તેને સપોર્ટ કરી રહેલા ડેવિડ મલાને પણ જબરદસ્ત બેટિંગ કરી અને 109 બોલમાં 125 રન બનાવ્યા. ડેવિડ મલાને પોતાની ઇનિંગમાં 9 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા. આ સિવાય વિકેટકીપર બેટ્સમેન જોસ બટલરે પણ આ મેચમાં સદી ફટકારી હતી. બટલરે વિસ્ફોટક ઈનિંગ રમતા 70 બોલમાં 162 રન ફટકાર્યા હતા.
જોસ બટલરની તોફાની ઇનિંગ્સ
IPLથી શાનદાર ફોર્મમાં ચાલી રહેલા જોસ બટલરે પણ આ મેચમાં તોફાની ઇનિંગ્સ રમી હતી. બટલરે માત્ર 43 બોલમાં 100 રન પૂરા કર્યા હતા. તેણે 70 બોલમાં 162 રન બનાવ્યા હતા. જેમાં 7 ચોગ્ગા સાથે 14 છગ્ગાનો સમાવેશ થાય છે. આ સિવાય લિયામ લિવિંગસ્ટને પણ ખૂબ જ ઝડપી બેટિંગ કરી અને માત્ર 22 બોલમાં 66 રન બનાવ્યા. તેણે પોતાની ઇનિંગમાં 6 ફોર અને 6 સિક્સર ફટકારી હતી.