Shubman Gill Dropped: ગિલની બાદબાકી પર ગૌતમ ગંભીરનું સૂચક મૌન! એરપોર્ટ પરનો વીડિયો જોઈ ચાહકો ચોંક્યા
Gautam Gambhir reaction: T20 World Cup 2026, વાઈસ કેપ્ટન હોવા છતાં ગિલનું પત્તું કપાતા સવાલો ઉઠ્યા, મીડિયાના સવાલ પર કોચ ગંભીરે ફેરવી લીધું મોઢું.

Gautam Gambhir reaction: BCCI એ T20 વર્લ્ડ કપ 2026 (T20 World Cup 2026) માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી છે, જેમાં સૌથી મોટો અપસેટ શુભમન ગિલ (Shubman Gill) ની બાદબાકી છે. જે ખેલાડી થોડા સમય પહેલા ટીમનો ઉપ-કેપ્ટન હતો, તેને અચાનક બહાર કરી દેવાતા ક્રિકેટ જગતમાં ચર્ચા જાગી છે. આ દરમિયાન મુખ્ય કોચ ગૌતમ ગંભીર (Gautam Gambhir) નો એક વીડિયો વાયરલ થયો છે, જેમાં તેઓ ગિલ અંગેના સવાલો પર મૌન સેવતા જોવા મળે છે.
શનિવારે (20 ડિસેમ્બર) ભારતીય પસંદગીકારોએ આગામી T20 વર્લ્ડ કપ માટેની ટીમ જાહેર કરીને સૌને ચોંકાવી દીધા હતા. ટીમમાંથી યુવા સ્ટાર શુભમન ગિલનું નામ ગાયબ હતું. આ નિર્ણય બાદ ચાહકો અને મીડિયા ગિલને બહાર કરવા પાછળનું સાચું કારણ જાણવા માંગતા હતા, પરંતુ જવાબદાર લોકોએ મૌન સેવ્યું છે.
ગૌતમ ગંભીરનો વીડિયો વાયરલ
ટીમની જાહેરાતના ગણતરીના કલાકો બાદ, ભારતીય ટીમના હેડ કોચ ગૌતમ ગંભીર દિલ્હી એરપોર્ટ પર જોવા મળ્યા હતા. સ્વાભાવિક રીતે જ મીડિયા કર્મીઓએ તેમને ઘેરી લીધા અને શુભમન ગિલને ટીમમાંથી ડ્રોપ કરવા અંગે સવાલો પૂછ્યા. પરંતુ આશ્ચર્યજનક રીતે, ગંભીરે એક પણ શબ્દ ઉચ્ચાર્યો નહીં. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે ગંભીર પત્રકારોના સવાલો સાંભળીને માત્ર માથું હલાવીને, કોઈ પણ પ્રતિક્રિયા આપ્યા વિના ત્યાંથી ચાલ્યા જાય છે. તેમનું આ મૌન અનેક તર્ક-વિતર્કોને જન્મ આપી રહ્યું છે.
#WATCH | Indian Men's Cricket Team Head Coach Gautam Gambhir arrives in Delhi
— ANI (@ANI) December 20, 2025
BCCI today announced India’s squad for the ICC Men’s T20 World Cup 2026. pic.twitter.com/RbqVtaixyR
વાઈસ કેપ્ટનથી સીધા બહાર?
ગિલની બાદબાકી એટલા માટે પણ આઘાતજનક છે કારણ કે છેલ્લા કેટલાક મહિનાઓથી તેને T20 ફોર્મેટમાં ટીમ ઈન્ડિયાનો વાઈસ કેપ્ટન (Vice-Captain) બનાવવામાં આવ્યો હતો. અચાનક નેતૃત્વની ભૂમિકામાંથી સીધા ટીમની બહાર કરી દેવો તે પચાવવું ચાહકો માટે મુશ્કેલ છે. ગિલ છેલ્લે સાઉથ આફ્રિકા સામેની શ્રેણીમાં રમ્યો હતો, જ્યાં તેનું પ્રદર્શન નબળું રહ્યું હતું. તેણે 3 ઈનિંગ્સમાં માત્ર 32 રન બનાવ્યા હતા. જોકે, અહેવાલો એવા પણ છે કે ગિલ અમદાવાદમાં રમાયેલી મેચમાં રમવા માંગતો હતો, પરંતુ મેનેજમેન્ટ પહેલાથી જ તેને બહાર કરવાનો નિર્ણય લઈ ચૂક્યું હતું.
ચીફ સિલેક્ટર અગરકરે શું કહ્યું?
જ્યારે મુખ્ય પસંદગીકાર અજિત અગરકર (Ajit Agarkar) ને ગિલ વિશે પૂછવામાં આવ્યું, ત્યારે તેમણે પણ ગોળગોળ જવાબ આપ્યો હતો. અગરકરે કહ્યું હતું કે, "શુભમન ગિલ એક શાનદાર ખેલાડી છે અને તેનું બહાર થવું દુર્ભાગ્યપૂર્ણ છે. અગાઉ અક્ષર પટેલ ઉપ-કેપ્ટન હતો. જ્યારે ટીમ કોમ્બિનેશનની વાત આવે છે ત્યારે અમારે ઘણા પાસાઓ વિચારવા પડે છે. જો વિકેટકીપર ટોપ ઓર્ડરમાં બેટિંગ કરે તો સમીકરણો બદલાઈ જાય છે."




















