આ કારણે ભારત એકસાથે ઉતારી શકે છે 3 ટીમો, હોળી પર દિનેશ કાર્તિકના નિવેદનથી ખળભળાટ
પૂર્વ વિકેટકીપર બેટ્સમેને IPLને આપ્યો શ્રેય, કહ્યું ભારતીય ક્રિકેટનું સ્તર એટલું ઊંચું કે એકસાથે ત્રણ રાષ્ટ્રીય ટીમ રમી શકે.

Dinesh Karthik IPL statement: ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ વિકેટકીપર બેટ્સમેન દિનેશ કાર્તિકે હોળીના અવસર પર એક મોટું નિવેદન આપ્યું છે. તેમનું માનવું છે કે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ના કારણે ભારતીય ક્રિકેટનું સ્તર એટલું ઊંચું આવ્યું છે કે હવે ભારત એક જ સમયે એક જ ગુણવત્તાવાળી ત્રણ રાષ્ટ્રીય ટીમો મેદાનમાં ઉતારી શકે છે.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ના ક્રિકેટ ડાયરેક્ટર મો બોબટ અને ઇંગ્લેન્ડના પૂર્વ ક્રિકેટર ઈશા ગુહા સાથે વાતચીત દરમિયાન દિનેશ કાર્તિકે ભારતીય ક્રિકેટની માનસિકતા બદલવા અને ક્રિકેટના માળખાકીય સુવિધાઓને મજબૂત કરવામાં IPLની ભૂમિકાની ખૂબ પ્રશંસા કરી હતી. કાર્તિકે કહ્યું કે IPLએ ભારતીય ખેલાડીઓમાં જીતવાની માનસિકતા પેદા કરી છે. આ સાથે જ પૈસા અને નાણાકીય લાભો મળવાથી ક્રિકેટનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ મજબૂત બન્યું છે, જેના કારણે રમતનું સ્તર વધુ સારું થયું છે.
પૂર્વ ભારતીય વિકેટકીપર બેટ્સમેને વધુમાં ઉમેર્યું હતું કે IPLના આગમનથી ભારત હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એક જ સમયે બે નહીં પરંતુ ત્રણ રાષ્ટ્રીય ટીમોને મેદાનમાં ઉતારવાની ક્ષમતા ધરાવે છે. ભારત પાસે પ્રતિભાશાળી ક્રિકેટરોનો ભંડાર છે. તેમણે પોતાના અનુભવને યાદ કરતાં કહ્યું કે IPLના શરૂઆતના વર્ષોમાં તેઓ ગ્લેન મેકગ્રા જેવા દિગ્ગજ ખેલાડી સાથે રમ્યા હતા અને તેમની સાથે પ્રેક્ટિસ કરવાથી તેમને આત્મવિશ્વાસ અને શ્રેષ્ઠ ખેલાડીઓ સાથે રમવાની માનસિકતા મળી હતી.
ઉલ્લેખનીય છે કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ઘણા પ્રસંગોએ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ એકસાથે બે ભારતીય ટીમોને મેદાનમાં ઉતારી છે. તાજેતરમાં જ જ્યારે ટીમ ઈન્ડિયાએ 2025ની ચેમ્પિયન્સ ટ્રોફી જીતી ત્યારે ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઈકલ વોને પણ કહ્યું હતું કે ભારતની 'બી' ટીમ પણ આ ટ્રોફી જીતવાની ક્ષમતા ધરાવતી હતી.
IPLએ ભારતીય ક્રિકેટને અનેક પ્રતિભાશાળી ખેલાડીઓ આપ્યા છે. આ યાદીમાં મિસ્ટ્રી સ્પિનર વરુણ ચક્રવર્તીનું નામ મોખરે છે, જેણે 2025ની ચેમ્પિયન્સ ટ્રોફી જીતવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ સિવાય અભિષેક શર્મા પણ IPLની જ શોધ છે. જસપ્રીત બુમરાહ અને હાર્દિક પંડ્યા જેવા ખેલાડીઓ પણ IPLના માધ્યમથી જ ભારતીય ટીમમાં સ્થાન પામ્યા છે. દિનેશ કાર્તિકનું આ નિવેદન IPLની તાકાત અને ભારતીય ક્રિકેટ પર તેની સકારાત્મક અસરને દર્શાવે છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
