ICC Test Ranking: રૂટે કોહલીને પછાડ્યો, ટોપ-10 બોલર્સમાં બુમરાહની વાપસી
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે લોર્ડ્સના ઐતિહાસિક મેદાનમાં આવતીકાલથી બીજી ટેસ્ટનો પ્રારંભ થશે. તે પહેલા આજે આઈસીસી દ્વારા ટેસ્ટ રેન્કિંગ જાહેર કરવામાં આવ્યું છે.
ICC Test Ranking: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે લોર્ડ્સના ઐતિહાસિક મેદાનમાં આવતીકાલથી બીજી ટેસ્ટનો પ્રારંભ થશે. બીજી ટેસ્ટ મેચ પહેલા બંને ટીમની મુશ્કેલીમાં વધારો થયો છે. ઇંગ્લેન્ડના ફાસ્ટ બોલર સ્ટુઅર્ટ બ્રોડ અને ભારતના ઓલ રાઉન્ડર શાર્દૂલ ઠાકુર ઈજાગ્રસ્ત થતા બંને ટીમની પ્લેઇંગ-11 પસંદગી સામે નવો પ્રશ્ન ઊભો થયો છે. એવામાં હવે ઇંગ્લેન્ડની ટીમમાં માર્ક વુડ અને ઈન્ડિયન ટીમમાં ઈશાંત શર્માને બીજી ટેસ્ટમાં તક મળી શકે છે. પહેલી મેચ વરસાદને કારણે ડ્રો રહેતા હવે બંને ટીમ લોર્ડ્સમાં આયોજિત બીજી મેચ જીતવા મેદાનમાં ઉતરશે.
રૂટે કોહલીને પછાડ્યો
બેટ્સમેનોના ટેસ્ટ રેન્કિંગમાં વિરાટ કોહલીને નુકસાન થયું છે. તે ચોથા ક્રમેથી પાંચમા ક્રમે પહોંચી ગયો છે. જ્યારે પ્રથમ ટેસ્ટમાં સદી મારનારા ઈંગ્લેન્ડના કેપ્ટન જો રૂટનો ફાયદો થયો છે. તે એક ક્રમ આગળ આવીને ચોથા ક્રમે પહોંચી ગયો છે. નંબર એક પર ન્યૂઝીલેન્ડનો કેપ્ટન કેન વિલિયમસન છે. નંબર બે પર ઓસ્ટ્રેલિયાનો પૂર્વ કેપ્ટન સ્ટીવ સ્મિથ છે. જ્યારે ત્રીજા ક્રમે ઓસ્ટ્રેલિયાનો માર્નસ લાબુશાને છે. ભારતીય વિકેટકિપર ઋષભ પંત સાતમાં ક્રમે સ્થાન જાળવી રાખવામાં સફળ થયો છે.
બુમરાહની ટોપ-10માં વાપસી
આઈસીસી દ્વારા જાહેર કરવામાં બોલર્સના લિસ્ટમાં ટેસ્ટ રેન્કિંગમાં ભારતના જસપ્રીત બુમરાહની વાપસી થઈ છે. તે ટોપ 10માં આવી ગયો છે. ઈંગ્લેન્ડ સામે પ્રથમ ટેસ્ટમાં શાનદાર બોલિંગ કરીને તે 9માં ક્રમે પહોંચી ગયો છે. જ્યારે અશ્વિને બીજા નંબર પર સ્થાન જાળવી રાખ્યું છે. ઓસ્ટ્રેલિયાનો પેટ કમિંસ બોલર્સ રેન્કિંગમાં નંબર એક પર છે.
↗️ Jasprit Bumrah is back in the top 10
— ICC (@ICC) August 11, 2021
↗️ James Anderson, Joe Root move up
Players from England and India make gains in the latest @MRFWorldwide ICC Men's Test Rankings.
Full list: https://t.co/OMjjVx5Mgf pic.twitter.com/z2icdZFYpe
બીજી ટેસ્ટ પહેલા બંને ટીમોને દંડ
ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે નોટિંઘમના ટ્રેંટ બ્રિજમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં સ્લો ઓવર રેટ માટે બંને ટીમો પર 40 ટકા દંડ ફટકાર્યો છે. ઉપરાંત આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપમાંથી બે-બે પોઈન્ટ પણ કાપી નાંક્યા છે. ભારત અને ઈંગ્લેન્ડની ટીમે નિર્ધારીત સમયમાં બે-બે ઓવર ઓછી ફેંકી હતી. જે બાદ મેચ રેફરી ક્રિસ બોર્ડ આ દંડ ફટકાર્યો હતો. ખેલાડીઓ અને તેના સહયોગી સ્ટાફ માટે આઈસીસીની કલમ 2.22 અનુસાર નિર્ધારીત સમયમાં એક ઓવર ઓછી ફેંકવા પર ખેલાડીઓને તેમની મેચ ફીનો 20 ટકા દંડ કરવામાં આવે છે. આ ઉપરાંત આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ માટે નક્કી કરવામાં આવેલા નિયમો મુજબ નિર્ધારીત સમયમાં ઓછી ઓવર ફેંકવા બદલ ટીમને એક પોઈન્ટનો દંડ કરાય છે.