ICC World Test Championship Final 2023: શું ભારત બીજા દિવસે વાપસી કરશે? રોહિત શર્માએ અપનાવી પડશે આ રણનીતિ
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે લંડનના ઓવલ ખાતે રમાઈ રહી છે
ICC World Test Championship Final 2023: વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે લંડનના ઓવલ ખાતે રમાઈ રહી છે. આજે ફાઈનલ મેચનો બીજો દિવસ છે. પ્રથમ દિવસ ઓસ્ટ્રેલિયન ટીમના નામે રહ્યો હતો. પરંતુ આજે ટીમ ઈન્ડિયા વાપસી કરવા ઈચ્છશે. જાણો શું હોઈ શકે છે ટીમ ઈન્ડિયાની આજની રણનીતિ.
ફાઈનલ મેચના પહેલા દિવસે ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ઘણી મોટી ભૂલો કરી હતી. પરિણામ એ આવ્યું કે મેચમાં ઓસ્ટ્રેલિયાનું પલ્લું ભારે થઈ ગયું છે. પ્રથમ દિવસનું પ્રથમ સત્ર ટીમ ઈન્ડિયાના નામે રહ્યું હતું, પરંતુ ત્યાર બાદ કાંગારુઓએ જોરદાર વાપસી કરી હતી અને પછીના બે સેશનમાં પોતાનો દબદબો જાળવી રાખ્યો હતો.
શું હશે ટીમ ઈન્ડિયાની રણનીતિ
બીજા દિવસની શરૂઆતમાં ભારતીય ટીમ સૌથી પહેલા સ્ટીવ સ્મિથ અને ટ્રેવિસ હેડની ભાગીદારીને તોડવાનું પસંદ કરશે. બંને વચ્ચે ચોથી વિકેટ માટે 251 રનની ભાગીદારી થઈ છે. બીજા દિવસે ટીમ ઈન્ડિયાનું મુખ્ય ફોકસ પ્રથમ સેશનમાં વધુમાં વધુ વિકેટ લેવા પર રહેશે.
જો ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયાને 400 રનની અંદર રોકે છે તો તે સારી બેટિંગ કરીને મેચમાં વાપસી કરી શકે છે. જોકે, વાપસી કરવા માટે ટીમ ઈન્ડિયાએ બીજા દિવસે સારી બોલિંગ કરવાની સાથે સાથે સારી બેટિંગ પણ કરવી પડશે.
કેપ્ટન રોહિતે પહેલા દિવસે ઘણી મોટી ભૂલો કરી હતી
ફાઈનલ મેચમાં ભારતીય કેપ્ટન રોહિત શર્મા ગ્રીન ગ્રાસ પીચમાં ફસાઈ ગયો હતો અને તેણે ટેસ્ટ નંબર વન સ્પિનર રવિચંદ્રન અશ્વિનને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કર્યો નહોતો. રોહિતની બીજી મોટી ભૂલ ટોસ જીત્યા બાદ પ્રથમ બોલિંગ કરવાની હતી. જો ટીમ ઈન્ડિયાએ પ્રથમ બેટિંગ કરીને મોટો સ્કોર બનાવ્યો હોત તો ઓસ્ટ્રેલિયા પર દબાણ બનાવવું સરળ હતું. રોહિતની ત્રીજી ભૂલ એ હતી કે 76 રનમાં ત્રણ વિકેટ પડી ગયા બાદ રોહિતે ટ્રેવિસ હેડ અને સ્ટીવ સ્મિથ સામે આક્રમક બોલિંગ કરી નહોતી.
ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયાની ટીમને સિરાજે પ્રથમ ઝટકો આપ્યો હતો. ઉસ્માન ખ્વાજા શૂન્ય રને આઉટ થયો હતો. આ માટે ડેવિડ વોર્નર અને માર્નસ લાબુશેને ભાગીદારી નોંધાવી હતી, પરંતુ વોર્નર 43 રન બનાવીને આઉટ થયો હતો. ઓસ્ટ્રેલિયાએ 76 રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. પરંતુ તે પછી ટ્રેવિસ હેડ અને સ્ટીવ સ્મિથે આખો દિવસ બેટિંગ કરી અને પોતાની ટીમને મજબૂત સ્થિતિમાં મુકી હતી. હેડ 156 બોલમાં 22 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 146 રને રમી રહ્યો છે. સ્ટીવ સ્મિથ 14 ચોગ્ગાની મદદથી 95 રન બનાવીને અણનમ છે.