T20 World Cup માટે વિરાટ કોહલીનો વિકલ્પ શોધી રહ્યું છે BCCI, વર્લ્ડ કપની ટીમમાં સ્થાન અંગે શંકા
ભારતીય બેટ્સમેન વિરાટ કોહલી (Virat Kohli)નું ખરાબ ફોર્મ હજી પણ યથાવત છે. આગામી ટી20 વર્લ્ડ કપને જોતાં વિરાટ કોહલીનું ખરાબ પ્રદર્શન ખુબ જ ચિંતા જનક ગણી શકાય.
Virat Kohli: ભારતીય બેટ્સમેન વિરાટ કોહલી (Virat Kohli)નું ખરાબ ફોર્મ હજી પણ યથાવત છે. આગામી ટી20 વર્લ્ડ કપને જોતાં વિરાટ કોહલીનું ખરાબ પ્રદર્શન ખુબ જ ચિંતા જનક ગણી શકાય. આ સ્થિતિમાં ભારતીય ટીમ ઈંગ્લેન્ડ સામે 3 ટી20 મેચોની સિરીઝ રમશે. ઈંગ્લેન્ડ સિરીઝમાં સારું પ્રદર્શન કરનાર ખેલાડીઓને T20 વર્લ્ડ કપમાં (T20 World Cup) સ્થાન પણ મળશે અને ખેલાડીઓ સારું પ્રદર્શન કરીને તેમની દાવેદારી મજબૂત કરશે. ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે, શું વિરાટ કોહલી આ સિરીઝમાં તેના ફોર્મમાં પાછો ફરશે કે કેમ?
'ફ્લોપ રહેતો વિરાટ ખતરાની ઘંટી'
એવું માનવામાં આવી રહ્યું છે કે, ઈંગ્લેન્ડ સામે ટી20 સિરીઝ વિરાટ કોહલી માટે સુવર્ણ તક છે. જો વિરાટ કોહલી આ સિરીઝમાં સારું પ્રદર્શન કરવામાં સફળ રહેશે તો ટી20 વર્લ્ડ કપને ધ્યાને રાખતાં ભારત માટે રાહતના સમાચાર હશે. પરંતુ જો કોહલીનો ફ્લોપ શો યથાવત રહેશે તો T20 વર્લ્ડ કપની ટીમ પસંદગી કરનાર વિરાટના બદલે બીજા ખેલાડીને લેવા અંગે વિચાર કરી શકે છે. આ બાબતે BCCIના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, કોહલી લાંબા સમયથી ભારત માટે રમી રહ્યો છે. આ વાતમાં કોઈ શંકા નથી કે, તે એક સારો ખેલાડી છે. પરંતુ સતત ફ્લોપ પ્રદર્શન કરવું તે ખતરાની ઘંટી સમાન છે.
વિરાટ કોહલીનો વિકલ્પ શોધી રહ્યું છે BCCI...
ઉલ્લેખનીય છે કે, આ વર્ષે ઓક્ટોમ્બર મહિનામાં T20 વર્લ્ડ કપ રમાશે. ઓસ્ટ્રેલિયા આ વર્ષે ટી20 વર્લ્ડ કપની યજમાની કરશે. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરાઈ રહ્યો છે કે, બીસીસીઆઈ હવે ટી20 વર્લ્ડ કપ માટે વિરાટ કોહલીના વિકલ્પની શોધ કરી રહી છે. આ કારણે ઈંગ્લેન્ડ સામે ટી20 સિરીઝ વિરાટ કોહલી માટે ખુબ જ મહત્વની માનવામાં આવી રહી છે. આ સાથે ઈંગ્લેન્ડના પ્રવાસ બાદ ભારતીય ટીમ વેસ્ટઈન્ડીઝ સામે ટી20 સિરીઝ પણ રમવાની છે.