Ind vs Aus 3rd ODI: આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી વન-ડે, શું સૂર્યકુમાર યાદવને પ્લેઇંગ-11માં કરાશે બહાર?
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચની વનડે શ્રેણીની છેલ્લી મેચ 22 માર્ચ (બુધવાર) ના રોજ ચેન્નઈમાં રમાશે
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચની વનડે શ્રેણીની છેલ્લી મેચ 22 માર્ચ (બુધવાર) ના રોજ ચેન્નઈમાં રમાશે. ભારતીય ટીમે પ્રથમ મેચમાં પાંચ વિકેટથી શાનદાર જીત મેળવી હતી, પરંતુ બીજી મેચમાં 10 વિકેટથી શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો. આવી સ્થિતિમાં હવે ત્રીજી મેચ બંને ટીમો માટે નિર્ણાયક બની ગઈ છે અને વિજેતા ટીમ વનડે શ્રેણી પર કબ્જો કરી લેશે. આ મેચ ભારતીય સમય અનુસાર બપોરે 1.30 વાગ્યાથી રમાશે.
શું સૂર્યકુમાર યાદવ પ્લેઇંગ-11માંથી બહાર થશે?
ત્રીજી વનડે મેચમાં ભારતીય ટીમના કોમ્બિનેશન પર પણ ચાહકોની નજર રહેશે. પ્રથમ બે મેચમાં ડાબોડી ફાસ્ટ બોલર મિશેલ સ્ટાર્કની સામે ટીમ ઈન્ડિયાનો ટોપ ઓર્ડર ખાસ કમાલ બતાવી શક્યો નથી તે ખૂબ જ ચિંતાનો વિષય છે. સૂર્યકુમાર યાદવનું પ્રદર્શન ખૂબ જ શરમજનક હતું અને તે બંને મેચમાં પહેલા જ બોલ પર મિશેલ સ્ટાર્કની ઓવરમાં એલબીડબ્લ્યુ આઉટ થયો હતો. આવી સ્થિતિમાં સૂર્યકુમારને ત્રીજી વનડેમાં તક મળે છે કે નહીં તે જોવાનું રહેશે. જોકે રોહિત શર્માએ સંકેત આપ્યા છે કે સૂર્યકુમારને વધુ તક આપવામાં આવશે.
રોહિતે બીજી વનડે બાદ કહ્યું હતું કે, 'અમને શ્રેયસ ઐય્યરની વાપસી વિશે ખબર નથી. શ્રેયસની જગ્યા ખાલી છે તેથી અમે સૂર્યાને જ મેદાનમાં ઉતારીશું. મેં ઘણી વખત કહ્યું છે કે જેની પાસે ક્ષમતા છે તેમને તક મળશે. સૂર્યા જાણે છે કે તેણે વનડેમાં પણ સારું પ્રદર્શન કરવું પડશે. સક્ષમ ખેલાડીઓએ ક્યારેય એવું ન અનુભવવું જોઈએ કે તેમને પૂરતી તકો આપવામાં આવી નથી. છેલ્લી બે મેચમાં તે વહેલો આઉટ થયો હતો પરંતુ તેણે સતત સાત આઠ કે દસ મેચો આપવી પડશે જેથી તે વધુ આરામદાયક બને.
ચેન્નઈની પીચ પણ ઝડપી બોલરોને મદદ કરશે
ચેપોકની પીચ સામાન્ય રીતે ધીમી હોય છે. મેચના દિવસે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે, જેનો અર્થ છે કે ઈનિંગની શરૂઆતમાં ઝડપી બોલરોની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ બની જશે. છેલ્લી વખત જ્યારે ભારત અહીં રમ્યું હતું ત્યારે પીચ ઝડપી બોલરોને મદદ કરતી હતી. જોકે વેસ્ટ ઈન્ડિઝની ટીમે તે મેચમાં માત્ર બે વિકેટ ગુમાવીને 288 રનનો લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. આ વખતે પણ ફ્રેન્ડલી બોલિંગ પીચને કારણે ભારતીય બેટ્સમેનોએ પ્રથમ 10 ઓવરમાં ખાસ કરીને સ્ટાર્ક સામે ખૂબ જ સાવધાનીથી રમવું પડશે.
આ ખેલાડીઓ પ્લેઈંગ-11માંથી બહાર થઈ શકે છે
ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી વનડેમાં આક્રમક વ્યૂહરચના અપનાવીને ત્રણ નિષ્ણાત ઝડપી બોલરો સાથે ઉતરી શકે છે. આવી સ્થિતિમાં શાર્દુલ ઠાકુર અથવા ઉમરાન મલિકને રમવાની તક મળી શકે છે. ઉમરાન મલિકને રમવાની વધુ તક મળી રહી છે કારણ કે તેની પાસે ઝડપ છે જે આ પીચ પર અસરકારક સાબિત થઈ શકે છે.
ઉમરાન કે શાર્દુલ ઠાકુરને પ્લેઇંગ ઇલેવનમા સામેલ કરવામાં આવે તો અક્ષર પટેલને બહાર બેસવુ પડી શકે છે. આ સાથે ભારતીય ટીમ મેનેજમેન્ટ કુલદીપ યાદવના સ્થાને વોશિંગ્ટન સુંદરને પ્લેઈંગ-11માં સામેલ કરી શકે છે.