IND vs AUS: ગૌતમ ગંભીરને મજબૂરીમાં બનાવ્યો હતો ટીમ ઇન્ડિયાનો કોચ, BCCIના અધિકારીનો ખુલાસો
ઓસ્ટ્રેલિયામાં ટીમ ઈન્ડિયાના ખરાબ પ્રદર્શન અને ટેસ્ટ સીરિઝમાં પાછળ રહેવાથી કેપ્ટન રોહિત શર્મા અને સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી સહિત કેટલાક ખેલાડીઓ સતત શંકાના ઘેરામાં છે
ઓસ્ટ્રેલિયામાં ટીમ ઈન્ડિયાના ખરાબ પ્રદર્શન અને ટેસ્ટ સીરિઝમાં પાછળ રહેવાથી કેપ્ટન રોહિત શર્મા અને સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી સહિત કેટલાક ખેલાડીઓ સતત શંકાના ઘેરામાં છે. તેના પ્રદર્શનની ટીકા થઈ રહી છે. પરંતુ ટીમની ખરાબ હાલતથી માત્ર ખેલાડીઓ જ નહીં પરંતુ ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીર પણ બધાના નિશાના પર આવી ગયો છે. એવા સમયે જ્યારે ટીમ ઈન્ડિયાની નજર છેલ્લી ટેસ્ટ મેચ પર છે ત્યારે ગંભીરને લઈને એક રિપોર્ટ સામે આવ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે તેને મજબૂરીમાં ટીમ ઈન્ડિયાનો મુખ્ય કોચ બનાવવામાં આવ્યો છે.
ગંભીરને મજબૂરીમાં કોચ બનાવ્યો?
સમાચાર એજન્સી પીટીઆઈના રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે બીસીસીઆઈના એક અધિકારીએ કહ્યું હતું કે ગંભીર આ ભૂમિકા માટે બોર્ડની પ્રથમ પસંદગી ક્યારેય ન હતો. આ વાત શરૂઆતથી જ બધાની સામે હતી કારણ કે બોર્ડ VVS લક્ષ્મણને કોચ બનાવવા માંગતું હતું, જે રાહુલ દ્રવિડની જેમ નેશનલ ક્રિકેટ એકેડમીમાં જવાબદારી સંભાળી રહ્યા હતા. આ સિવાય બીસીસીઆઈએ વિદેશી દિગ્ગજોનો પણ સંપર્ક કર્યો હતો પરંતુ કોઇની સાથે વાત બની શકી નહોતી.
ગંભીરને કઇ મજબૂરીમાં કોચ બનાવવામાં આવ્યો હતો તેને લઇને બીસીસીઆઈના એક અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, “તે ક્યારેય બીસીસીઆઈની પ્રથમ પસંદગી ન હતો, જ્યારે કેટલાક પ્રખ્યાત વિદેશી કોચ ત્રણેય ફોર્મેટમાં કોચિંગ આપવા માંગતા નહોતા. એટલા માટે બોર્ડે (ગંભીરને કોચ બનાવવા માટે) સમાધાન કરવું પડ્યું. અલબત્ત બીજી કેટલીક મજબૂરીઓ પણ હતી.”
ગંભીરનો પ્રારંભિક કાર્યકાળ સારો રહ્યો નથી
ટીમ ઈન્ડિયાના પૂર્વ સ્ટાર ઓપનર ગૌતમ ગંભીરને ગયા વર્ષે જૂનમાં જ બોર્ડ દ્વારા ટીમ ઈન્ડિયાની જવાબદારી સોંપવામાં આવી હતી. ટીમ ઈન્ડિયાએ T20 વર્લ્ડ કપ જીતીને રાહુલ દ્રવિડનો કાર્યકાળ પૂરો થયા બાદ ગંભીરને જૂલાઈમાં મુખ્ય કોચ બનાવવામાં આવ્યો હતો. તે પહેલા મેમાં એક મેન્ટર તરીકે ગંભીરે કોલકાતા નાઈટ રાઈડર્સને 10 વર્ષ પછી આઈપીએલ ટાઇટલ જીતવામાં મદદ કરી હતી.
તે સમયે બોર્ડના સેક્રેટરી રહેલા જય શાહે ગંભીરને આ જવાબદારી આપવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. જો કે, ગંભીરે પણ આ પદ માટે અરજી ત્યારે જ કરી જ્યારે તેને ખાતરી મળી કે તે કોચ બનશે. તેમના સિવાય ડબલ્યુવી રમને પણ અરજી કરી હતી. અંતે ગંભીર કોચ બન્યો હતો. જોકે, ગંભીરનો કાર્યકાળ અપેક્ષા મુજબનો રહ્યો નથી. ન્યૂઝીલેન્ડ સામે ઘરઆંગણે ટેસ્ટ સીરિઝ હાર્યા બાદ ટીમ ઓસ્ટ્રેલિયામાં પણ સીરિઝ જીતવામાં નિષ્ફળ રહી છે અને હવે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચવું મુશ્કેલ લાગી રહ્યું છે.
IND vs AUS: ગૌતમ ગંભીરની ખુરશી ખતરામાં! શું થશે હાર બાદ થશે મોટો ધડાકો, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો