IND vs AUS: ‘ભારતમાં જ નહી સમગ્ર વિશ્વમાં પરિણામ આપનારી પિચ બની રહી છે’, અમદાવાદ ટેસ્ટ અગાઉ રાહુલ દ્રવિડનું મોટું નિવેદન
રાહુલ દ્રવિડનું કહેવું છે કે ટેસ્ટ ક્રિકેટમાં પરિણામ આપનારી પિચો માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં તૈયાર કરવામાં આવી રહી છે
Rahul Dravid on Indian Pitches: બોર્ડર-ગવાસ્કર ટ્રોફી 2023ની પ્રથમ ત્રણ ટેસ્ટ મેચ 3-3 દિવસમાં સમાપ્ત થઈ ગઈ હતી. ત્રણેય મેચોમાં સ્પિન ફ્રેન્ડલી પિચો હતી, જેના પર સ્પિનરોને પહેલા દિવસથી ઘણી મદદ મળી રહી હતી. આ પિચોને લઈને ઘણો વિવાદ થયો હતો. ત્રીજી ટેસ્ટમાં ઈન્દોરની પિચને પણ ICC દ્વારા ખરાબ રેટિંગ આપવામાં આવ્યું હતું. હવે ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચે ભારતમાં બની રહેલી આવી પિચો પર વાત કરી છે.
રાહુલ દ્રવિડનું કહેવું છે કે ટેસ્ટ ક્રિકેટમાં પરિણામ આપનારી પિચો માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં તૈયાર કરવામાં આવી રહી છે, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં વધુ પોઈન્ટ મેળવવા માટે આવું કરવામાં આવી રહ્યું છે. આ જ કારણ છે કે યજમાન ટીમો પોતાની શક્તિના આધારે પિચો તૈયાર કરી રહી છે.
'ટેસ્ટ પિચો માટે માપદંડ અને ધોરણો બદલાયા છે'
દ્રવિડે કહ્યું, 'દરેક ટીમ પોતાના ઘરેલું મેદાન પર પરિણામ ઈચ્છે છે અથવા એમ કહેવું જોઈએ કે તેઓ ઘરઆંગણે પોતાનું પ્રદર્શન સારું રાખવા માંગે છે. જો મેચ ડ્રો થાય છે તો તમને WTCમાં 4 પોઈન્ટ મળશે અને જો તમે જીતશો તો તમને 12 પોઈન્ટ મળશે. એટલા માટે દરેક જણ ઈચ્છે છે કે ટેસ્ટમાં પરિણામ તેમની તરફેણમાં આવે. જો તમે છેલ્લા 3-4 વર્ષો પર નજર નાખો તો તમને જણાશે કે વિશ્વભરની પિચો બેટિંગ માટે પડકારરૂપ રહી છે. આવું માત્ર ભારતમાં જ નથી. આ કિસ્સામાં તમારે વાસ્તવિક પરિસ્થિતિને સમજવી પડશે કે હવે ટેસ્ટ પિચો માટેના માપદંડ અને ધોરણો શું છે.
આવી પિચો પર 50-60 રનની ઇનિંગ પણ નિર્ણાયક બની શકે છે.
રાહુલ દ્રવિડે કહ્યું, 'એ સમજવું પડશે કે હવે આવી પિચો પર સારું પ્રદર્શન રમતની દિશા બદલી શકે છે. આ વાત આપણે પ્રથમ ટેસ્ટમાં રોહિતની સદીથી સમજી શકીએ છીએ. અહીં તમારે તમારા બેટ્સમેનોને સમર્થન આપવું પડશે. તેને સમજાવવું પડશે કે આ એક પડકારજનક પિચ છે અને તે બંને ટીમો માટે સમાન છે, તેને તક તરીકે સમજો અને સારું કરો. અહીં બેવડી સદી ફટકારવી જરૂરી નથી, આ સંજોગોમાં 50-60 રનની ઇનિંગ્સ પણ નિર્ણાયક બની શકે છે.