IND vs AUS: બીજી ટેસ્ટ મેચ પહેલા ટીમ ઈન્ડિયા માટે મોટા સમાચાર સામે આવ્યા
ભારતીય બેટ્સમેન શ્રેયસ અય્યરની ફિટનેસને લઈ મહત્વના સમાચાર સામે આવ્યા છે. અય્યર હવે સંપૂર્ણ ફિટ થઈ ગયો છે.
Shreyas Iyer Return in Indian Team: ભારતીય બેટ્સમેન શ્રેયસ અય્યરની ફિટનેસને લઈ મહત્વના સમાચાર સામે આવ્યા છે. અય્યર હવે સંપૂર્ણ ફિટ થઈ ગયો છે. અય્યર દિલ્હીમાં બીજી મેચ પહેલા દિલ્હીમાં ભારતીય ટીમ સાથે જોડાશે. BCCIએ જ શ્રેયસના ફિટ હોવાની અને ટીમમાં સામેલ થવાની માહિતી આપી છે.
બીસીસીઆઈએ કહ્યું કે, 'પીઠની ઈજાથી ઝઝુમતા શ્રેયસ અય્યરે એનસીએમાં પોતાનું રિહેબ પૂર્ણ કર્યું છે, હવે તે સંપૂર્ણ રીતે ફિટ છે. BCCIની મેડિકલ ટીમે પણ શ્રેયસને ફિટ જાહેર કર્યો છે. શ્રેયસ અય્યરની ફિટનેસ વિશે માહિતી આપતાં BCCIએ કહ્યું કે 'ભારતના બેટ્સમેન શ્રેયસ અય્યરે તેની પીઠની ઈજાને પગલે નેશનલ ક્રિકેટ એકેડમીમાં તેનું રિહેબ પૂર્ણ કર્યું છે અને તેને BCCIની મેડિકલ ટીમ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. શ્રેયસ નવી દિલ્હીમાં બીજી ટેસ્ટ પહેલા બોર્ડર-ગાવસ્કર ટ્રોફી માટે ભારતીય ટીમ સાથે જોડાશે.
શ્રેયસ અય્યર ટીમમાં જોડાયા બાદ સૂર્યકુમાર યાદવને ટીમમાંથી બહાર કરવામાં આવી શકે છે. શ્રેયસ અય્યરની જગ્યાએ સૂર્યકુમાર યાદવને ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. જોકે તે પ્રથમ ટેસ્ટ મેચમાં બેટથી કંઈ ખાસ કરી શક્યો નહોતો અને માત્ર 8 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. બીજી તરફ શ્રેયસ અય્યરનું બેટ ભારતીય ટેસ્ટ ટીમ માટે જોરદાર ચાલે છે. તેણે તાજેતરમાં ભારત માટે પણ શાનદાર પ્રદર્શન કર્યું છે. આવી સ્થિતિમાં સૂર્યકુમાર યાદવના સ્થાને અય્યરને ટીમની પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવે તેવી શક્યતા છે.
બુમરાહની ફિટનેસને લઈ સામે આવ્યું મોટુ અપડેટ
ભારતના સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ પીઠની ઈજાના કારણે લાંબા સમયથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી દૂર છે. પીઠની ઈજાને કારણે તે 2022નો T20 વર્લ્ડ કપ રમી શક્યો નહોતો. ગયા મહિને ઓસ્ટ્રેલિયા સામે ચાલી રહેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પ્રથમ બે ટેસ્ટ માટે પણ તેની પસંદગી કરવામાં આવી ન હતી. હવે તેની ઈજાને લઈને મોટું અપડેટ સામે આવ્યું છે. અહેવાલો અનુસાર બુમરાહ ઓસ્ટ્રેલિયા સામેની ત્રણ મેચની વનડે શ્રેણીમાં ભાગ લઈ શકશે નહીં.
બુમરાહ IPL 2023માં રમશે
ક્રિકેટ વેબસાઇટ ઇનસાઇડ સ્પોર્ટ્સે તેના એક અહેવાલમાં બીસીસીઆઇના એક અધિકારીને ટાંકીને જણાવ્યું હતું કે, "દુર્ભાગ્યવશ, તેણે (જસપ્રિત બુમરાહ) સિરીઝ ગુમાવવી પડશે. તે સ્વસ્થ થવાનો છે, પરંતુ હજુ સંપૂર્ણ રીતે ફિટ થયો નથી. જેમ કે અમે પહેલા કહ્યું છે. જેમ કે આપણે જોયું છે કે તેનું બળજબરીથી વાપસી કરવું ખતરનાક સાબિત થઈ શકે છે. તેથી તે વધુ સારું છે કે તે પહેલા સંપૂર્ણ રીતે ફિટ થઈ જાય અને તેની આઈપીએલ ટીમમાં જોડાય, જ્યાં મુંબઈ ઈન્ડિયન્સની મેડિકલ ટીમ હંમેશા તેના પર નજર રાખશે."