કિંગ કોહલીનો નવો ધડાકો! 91 બોલમાં સદી પૂરી કરી રચ્યો ઈતિહાસ, સચિનના રેકોર્ડથી હવે માત્ર આટલો દૂર
Virat Kohli 85th Century: ઈન્દોરમાં રન મશીનનો તરખાટ, 91 બોલમાં સદી પૂરી કરી ઈતિહાસ રચ્યો; ન્યુઝીલેન્ડ સામે સૌથી વધુ સદી ફટકારનાર વિશ્વનો નંબર-1 બેટ્સમેન બન્યો કિંગ કોહલી.

Virat Kohli 85th Century: ભારતીય ક્રિકેટ ટીમના રન મશીન ગણાતા વિરાટ કોહલી (Virat Kohli) એ ફરી એકવાર સાબિત કરી દીધું છે કે તેને શા માટે આધુનિક ક્રિકેટનો બાદશાહ કહેવામાં આવે છે. ઈન્દોરના હોલકર સ્ટેડિયમમાં રમાઈ રહેલી ભારત અને ન્યુઝીલેન્ડ (IND vs NZ) વચ્ચેની ત્રીજી વનડે મેચમાં કોહલીએ પોતાના બેટથી તોફાન મચાવી દીધું છે. વિરાટે શાનદાર બેટિંગનું પ્રદર્શન કરતા આંતરરાષ્ટ્રીય કારકિર્દીની 85મી સદી (Century) ફટકારીને ઈતિહાસના પાનામાં સુવર્ણ અક્ષરે નામ નોંધાવી દીધું છે. કોહલીનું ફોર્મ છેલ્લા એક વર્ષથી સાતમા આસમાને છે. ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા સામે રનનો ખડકલો કર્યા બાદ, ન્યુઝીલેન્ડ સામેની આ ત્રીજી વનડેમાં તેણે માત્ર 91 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. આ વિરાટની વનડે કારકિર્દી (ODI Career) ની 54મી સદી છે, જ્યારે ટેસ્ટ, વનડે અને ટી20 મળીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેની કુલ 85મી સદી છે. હવે તે ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેંડુલકરના 100 સદીના મહારેકોર્ડથી માત્ર 15 કદમ દૂર છે.
આ સદી સાથે વિરાટ કોહલીએ એક ખાસ અને મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. ન્યુઝીલેન્ડ સામે વનડે ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારવાના મામલે તેણે ભારતના જ દિગ્ગજ બેટ્સમેન વીરેન્દ્ર સેહવાગ (Virender Sehwag) અને ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગ (Ricky Ponting) ને પાછળ છોડી દીધા છે. અત્યાર સુધી આ ત્રણેય ખેલાડીઓ 6-6 સદી સાથે બરાબરી પર હતા, પરંતુ હવે કોહલી કિવી ટીમ સામે 7 સદી ફટકારીને આ લિસ્ટમાં ટોપ પર પહોંચી ગયો છે. આ યાદીમાં સચિન તેંડુલકર અને સનથ જયસૂર્યા 5-5 સદી સાથે પાછળ છે. આમ, કોહલીએ એક જ ઇનિંગથી બે મોટા દિગ્ગજોના રેકોર્ડ ધ્વસ્ત કરી દીધા છે.
ઉલ્લેખનીય છે કે, કોહલીનું પ્રદર્શન છેલ્લા કેટલાક સમયથી અવિશ્વસનીય રહ્યું છે. ગયા વર્ષે ઓસ્ટ્રેલિયા પ્રવાસથી શરૂ થયેલું તેનું ફોર્મ દક્ષિણ આફ્રિકા સામેની શ્રેણીમાં પણ યથાવત રહ્યું હતું, જ્યાં તે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બન્યો હતો. વર્તમાન ન્યુઝીલેન્ડ શ્રેણીની પહેલી મેચમાં પણ તે શાનદાર રમ્યો હતો પરંતુ કમનસીબે માત્ર 7 રનથી સદી ચૂકી ગયો હતો. બીજી મેચમાં તે માત્ર 23 રન બનાવી શક્યો હતો, પરંતુ ઈન્દોરમાં મળેલી ત્રીજી તકને તેણે બંને હાથે ઝડપી લીધી અને ક્રિકેટ પ્રેમીઓને એક યાદગાર ઈનિંગ ભેટમાં આપી. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ સદીઓની રેસમાં વિરાટ કોહલી (85) હવે એકમાત્ર એવો સક્રિય ખેલાડી છે જે સચિન તેંડુલકર (100) ની સૌથી નજીક છે, જ્યારે રિકી પોન્ટિંગ (71) અને કુમાર સંગાકારા (63) જેવા દિગ્ગજો ઘણા પાછળ રહી ગયા છે.




















