Ind vs SA, 1st Test: ટીમ ઈન્ડિયાએ પ્રથમ ટેસ્ટમાં દક્ષિણ આફ્રિકાને 113 રનથી આપી હાર, એક ગુજરાતી સહિત આ રહ્યા જીતના હીરો
IND vs SA, 1st Test, SuperSport Park Cricket Stadium: ભારતે દક્ષિણ આફ્રિકાને હરાવવાની સાથે જ ત્રણ મેચની ટેસ્ટ સીરિઝમાં 1-0ની લીડ લઈ લીધી છે.
IND vs SA, 1st Test: સેન્ચુરિયનમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં ભારતે યજમાન સાઉથ આફ્રિકાને 113 રનથી હાર આપીને ત્રણ મેચની ટેસ્ટ સીરિઝમાં 1-0ની લીડ લઇ લીધી છે. ભારતે મેચ જીતવા આપેલા 305 રનના ટાર્ગેટ સામે દક્ષિણ આફ્રિકાની ટીમ બીજી ઈનિંગમાં 191 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
ભારતની જીતના કારણો
પ્રથમ ઈનિંગમાં લોકેશ રાહુલની સદીઃ ટેસ્ટના પ્રથમ દિવસે ભારતે ટોસ જીતીને બેટિંગનો ફેંસલો લીધો હતો. પ્રથમ દિવસે લોકેશ રાહુલ અને મયંક અગ્રવાલની જોડીએ ભારતને શાનદાર શરૂઆત અપાવી હતી. બંનેએ પ્રથમ વિકેટ માટે 117 રનની ભાગીદારી કરી હતી. લોકેશ રાહુલે પ્રથમ ઈનિંગમાં 123 રન અને બીજી ઈનિંગમાં 23 બનાવ્યા હતા.
મોહમ્મદ શમીની ઘાતક બોલિંગઃ પ્રથમ ઈનિંગમાં 278 રન પર 3 વિકેટથી 327 રનમાં ઓલઆઉટ થયા બાદ ભારતીય બોલર્સે પણ શાનદાર બોલિંગ કરી હતી. શમીએ પ્રથમ ઈનિંગમાં 44 રનમાં 5 વિકેટ લેવાની સાથે 200 ટેસ્ટ વિકેટ પણ પૂરી કરી હતી. બીજી ઈનિંગમાં પણ તેણે 63 રનમાં 3 વિકેટ લીધી હતી. મેચમાં કુલ 8 વિકેટ લીધી હતી.
જસપ્રીત બુમરાહની શાનદાર બોલિંગઃ જસપ્રીત બુમરાહ ટીમ ઈન્ડિયાને જ્યારે વિકેટની ખાસ જરૂર હોય ત્યારે વિકેટ લેવા જાણીતો છે. તેણે પ્રથમ ઈનિંગમાં પહેલી જ ઓવરમાં એલ્ગરને આઉટ કર્યો હતો. જ્યારે બીજી ઈનિંગમાં ચોથા દિવસે વાન ડેર ડુસેન અને કેશવ મહારાજને આઉટ કરીને યજમાન ટીમને બેકફૂટ પર ધકેલી દીધી હતી. પાંચમા દિવસે તેણે ભારત માટે મુશ્કેલી બની રહેલા સાઉથ આફ્રિકાના કેપ્ટન એલ્ગરને આઉટ કર્યો હતો. બુમરાહે મેચમાં 5 વિકેટ લીધી હતી.
દક્ષિણ આફ્રિકાએ ટેસ્ટ ક્રિકેટમાં વાપસી બાદ ભારત સામે બીજી વખત ઘરઆંગણે બનાવ્યો આ શરમજનક રેકોર્ડ
દક્ષિણ આફ્રિકાએ ટેસ્ટ ક્રિકેટમાં વાપસી કર્યા બાદ ઘર આંગણે રમતી વખતે બંને ઈનિંગમાં 200થી વધુનો સ્કોર ન બનાવ્યો હોય તેવું માત્ર ત્રીજી વખત બન્યું હતું. જેમાંથી બે વખત ભારત સામે અને એક વખત ઓસ્ટ્રેલિયા સામે બન્યું હતું.
- 159 & 133 v ઓસ્ટ્રેલિયા, જોહાનિસબર્ગ, 2001-02
- 194 & 177 v ભારત, જોહાનિસબર્ગ, 2017-18
- 197 & 191 v ભારત, સેંચુરિયન, 2020-21