IND vs SA ODI Series: વન-ડે સિરીઝમાં હાર્દિક-બુમરાહનું પત્તું કપાયું? BCCI એ કેમ લીધો આ મોટો નિર્ણય?
india vs south africa: 30 નવેમ્બરથી શરૂ થતી શ્રેણીમાં વર્કલોડ મેનેજમેન્ટ અને ઈજાના કારણે બંને સ્ટાર ખેલાડીઓને અપાશે આરામ, T20 વર્લ્ડ કપ પર ફોકસ.

ind vs sa: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે આગામી 30 નવેમ્બરથી 3 મેચની વન-ડે (ODI) શ્રેણીનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. જોકે, આ શ્રેણી શરૂ થાય તે પહેલા જ ભારતીય ક્રિકેટ ચાહકો માટે થોડા નિરાશાજનક સમાચાર છે. ટીમના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને મુખ્ય ઝડપી બોલર જસપ્રીત બુમરાહ આ શ્રેણીમાં રમે તેવી શક્યતા નહિવત છે. હાર્દિક હાલમાં તેની ઈજામાંથી સાજો થઈ રહ્યો છે, જ્યારે બુમરાહને વર્કલોડ મેનેજમેન્ટના ભાગરૂપે આરામ આપવામાં આવી શકે છે. આગામી T20 વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને પસંદગીકારો કોઈ જોખમ લેવા માંગતા નથી.
ઈજા અને વર્કલોડ મેનેજમેન્ટ મુખ્ય કારણ
BCCI ના સૂત્રો અને મીડિયા અહેવાલો મુજબ, બંને મુખ્ય ખેલાડીઓની ગેરહાજરી પાછળનું કારણ આગામી મોટા ટૂર્નામેન્ટ્સ અને ખેલાડીઓની ફિટનેસ છે. સપ્ટેમ્બરમાં દુબઈ ખાતે રમાયેલા એશિયા કપ T20 દરમિયાન હાર્દિક પંડ્યાને જાંઘમાં ઈજા થઈ હતી, જેના કારણે તે પાકિસ્તાન સામેની ફાઈનલ મેચ પણ રમી શક્યો ન હતો. બીજી તરફ, જસપ્રીત બુમરાહ સતત ક્રિકેટ રમી રહ્યો હોવાથી, તેના શરીર પરનો કાર્યભાર (Workload) ઘટાડવા માટે તેને આ વન-ડે શ્રેણીમાંથી બ્રેક આપવામાં આવે તેવી શક્યતા છે.
હાર્દિક પંડ્યાની રિકવરી અપડેટ
સમાચાર એજન્સી PTI ના અહેવાલ મુજબ, હાર્દિક પંડ્યા હાલમાં સેન્ટર ઓફ એક્સેલન્સ ખાતે તેની ઈજામાંથી મુક્ત થવા માટે રિહેબિલિટેશન અને RTP (રીટર્ન ટુ પ્લે) ટ્રેનિંગ લઈ રહ્યો છે. ઈજામાંથી સાજા થયા બાદ તરત જ 50 ઓવરના ફોર્મેટમાં રમવું તેના શરીર માટે જોખમી સાબિત થઈ શકે છે. તેથી, તેને ધીરે ધીરે મેદાનમાં ઉતારવામાં આવશે. હાર્દિકનું સંપૂર્ણ ધ્યાન આગામી T20 વર્લ્ડ કપ સુધી માત્ર T20 આંતરરાષ્ટ્રીય મેચો પર જ રહેશે.
ડોમેસ્ટિક ક્રિકેટ અને T20 સિરીઝ
એવું માનવામાં આવે છે કે સીધા આંતરરાષ્ટ્રીય મેચમાં ઉતરવાને બદલે, હાર્દિક પંડ્યા પહેલા સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં બરોડા ટીમ તરફથી રમીને પોતાની મેચ ફિટનેસ સાબિત કરશે. ત્યારબાદ તે દક્ષિણ આફ્રિકા અને ન્યુઝીલેન્ડ સામેની T20 શ્રેણીમાં વાપસી કરી શકે છે. ન્યુઝીલેન્ડ સામે પણ 3 ODI મેચો રમાવાની છે, પરંતુ હાલમાં 50 ઓવરના ક્રિકેટ કરતા T20 ફોર્મેટને વધુ પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. વરિષ્ઠ ખેલાડીઓ આગામી IPL પૂર્ણ થયા બાદ જ 2027 ના ODI વર્લ્ડ કપ માટેની તૈયારીઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે.




















