(Source: ECI/ABP News/ABP Majha)
IND vs SL Series: શ્રીલંકા વિરુદ્ધ ટીમ ઇન્ડિયાની આજે થશે જાહેરાત, પૃથ્વી શૉની થઇ શકે છે વાપસી
ટીમ ઈન્ડિયાને આવતા વર્ષે જાન્યુઆરીમાં શ્રીલંકા સામે ત્રણ મેચની ટી-20 અને વનડે શ્રેણી રમવાની છે.
ટીમ ઈન્ડિયાને આવતા વર્ષે જાન્યુઆરીમાં શ્રીલંકા સામે ત્રણ મેચની ટી-20 અને વનડે શ્રેણી રમવાની છે. ચેતન શર્માની અધ્યક્ષતાવાળી નિલંબિત પસંદગી સમિતિ જ 27 ડિસેમ્બર (મંગળવાર)ના રોજ શ્રીલંકા શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી શકે છે. રોહિત શર્માની ગેરહાજરીમાં સીનિયર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને ટી-20 સીરિઝમાં ટીમની કેપ્ટનશીપ સોંપવામાં આવી શકે છે.
પૃથ્વી શો વાપસી કરી શકે છે
શ્રીલંકા સામેની ટી20 સીરીઝ માટે રોહિત શર્મા અને કેએલ રાહુલની ગેરહાજરીમાં ભારતીય ટીમ મેનેજમેન્ટ યુવા બેટ્સમેનોને તક આપવા માંગે છે. ખાસ કરીને યુવા બેટ્સમેન પૃથ્વી શૉને ટીમમાં સ્થાન મળી શકે છે. પૃથ્વી શૉ ઓપનિંગમાં એક આદર્શ વિકલ્પ સાબિત થઈ શકે છે.
T20 ક્રિકેટમાં ઝડપથી બદલાવ આવતા મેન ઇન બ્લુને એવા ઓપનરની જરૂર છે જે શરૂઆતથી જ બોલરો પર પ્રભુત્વ મેળવી શકે. પૃથ્વી શૉ આ માપદંડને સંપૂર્ણ રીતે પૂર્ણ કરે છે. પૃથ્વી શૉ એવો ખેલાડી છે જેને સેટ થવામાં વધુ સમય લાગતો નથી. IPLમાં પૃથ્વી શૉનો સ્ટ્રાઈક રેટ 147.45 છે જે તેની આક્રમક શૈલી બતાવે છે. પૃથ્વીની બેટિંગ શૈલીની સરખામણી વિરેન્દ્ર સેહવાગ સાથે પણ થાય છે.
એકમાત્ર ટી-20 મેચ વર્ષ 2021માં રમી હતી
શૉએ જૂલાઈ 2021માં ભારત માટે એકમાત્ર T20 મેચ રમી હતી. ડિસેમ્બર 2019 માં તેણે છેલ્લી વખત ટેસ્ટ મેચ રમી હતી. 23 વર્ષીય પૃથ્વી શૉ ઘરેલુ ક્રિકેટમાં સતત રન બનાવી રહ્યો છે. આ સાથે પૃથ્વી શોએ પોતાની ફિટનેસ પર કામ કર્યું છે. રિપોર્ટ્સ અનુસાર, IPL બાદ તેણે 7-8 કિલો વજન ઘટાડ્યું છે. આવી સ્થિતિમાં પૃથ્વીને શ્રીલંકા સામે પોતાની પ્રતિભા બતાવવાની અને ભારતીય ટીમમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરવાની તક મળી શકે છે.
રાહુલ ત્રિપાઠીને પણ તક મળી શકે છે
રાહુલ ત્રિપાઠી બીજું નામ છે જેને તક મળી શકે છે. રાહુલ ત્રિપાઠી પહેલા પણ ટીમ ઈન્ડિયાનો હિસ્સો રહી ચૂક્યો છે. જો કે તેનું ડેબ્યુ હજુ થયું નથી. રાહુલ ત્રિપાઠીને આ વર્ષની શરૂઆતમાં આયરલેન્ડ સામેની T20 શ્રેણી માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો.
વિરાટ કોહલીને શ્રીલંકા સામેની આગામી શ્રેણીમાં પણ આરામ આપવામાં આવી શકે છે. આવી સ્થિતિમાં ત્રીજા નંબર પર બેટિંગ કરવા માટે રાહુલ ત્રિપાઠી શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે. રાહુલ ત્રિપાઠીએ આઈપીએલમાં શાનદાર રમત બતાવી છે. 31 વર્ષીય રાહુલે આઈપીએલમાં 76 મેચ રમી છે અને લગભગ 140ની સ્ટ્રાઈક રેટથી 1798 રન બનાવ્યા છે. આઈપીએલમાં રાહુલ ત્રિપાઠીના નામે 10 અડધી સદી પણ નોંધાયેલી છે.