IND vs ENG 5th T20: ઈંગ્લેન્ડને હરાવી ભારતે જીતી સતત છઠ્ઠી સીરિઝ, મેચમાં બન્યા આ મોટા રેકોર્ડ્સ
ભારતે ઈંગ્લેન્ડને 36 રનથી હરાવી 3-2થી સીરિઝ પોતાના નામે કરી લીધી હતી. ટી20 ક્રિકેટમાં ટીમ ઈન્ડિયાની આ સતત છઠ્ઠી સીરિઝમાં જીત છે.
India vs England: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઇગ્લેન્ડ વચ્ચે રમાયેલી ટી20 સીરિઝની પાંચમી અને નિર્ણાયક મેચમાં ટીમ ઈન્ડિયાએ શાનદાર જીત મેળવી હતી. ભારતે ઈંગ્લેન્ડને 36 રનથી હરાવી 3-2થી સીરિઝ પોતાના નામે કરી લીધી હતી. ટી20 ક્રિકેટમાં ટીમ ઈન્ડિયાની આ સતત છઠ્ઠી શ્રેણીની જીત છે.
ભારત તરફથી શાર્દુલ ઠાકુરે ત્રણ વિકેટ, ભુવનેશ્વર કુમાર 2 વિકેટ, હાર્દિક પંડ્યા અને નટરાજને એક એક વિકેટ ઝડપી હતી. 225 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવી 188 રન જ બનાવી શકી હતી. ઈંગ્લેન્ડ તરફથી ડેવિડ મલાને 68 રન અને બટલરે 52 રન બનાવ્યા હતા.
કોહલીએ કેપ્ટન તરીકે રચ્ચો ઈતિહાસ
કોહલીએ તોફાની બેટિંગ કરતા 52 બોલમાં અણનમ 80 રન બનાવ્યા હતા. તેની સાથે જ તેણે ટી20 મેચમાં વધુ એક રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. કોહલી ટી20 ઈન્ટરનેશનલ મેચમાં કેપ્ટન તરીકે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની ગયો છે. કેપ્ટન તરીકે વિરાટ કોહલીના નામે આ ફોર્મેટમાં 1502 રન છે. તેણે ઓસ્ટ્રેલિયાના કેપ્ટન એરોન ફિંચને પાછળ છોડી દીધો છે. કેપ્ટન તરીકે ફિંચે 1462 રન બનાવ્યા છે. ન્યુઝીલેન્ડના કેન વિલિયમસનના નામે 1383 રન છે.
એક સીરિઝમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બન્યો કોહલી
વિરાટ કોહલીએ આ સીરિઝમાં સૌથી વધુ 231 રન બનાવ્યા હતા. આ સાથે તે દ્વિપક્ષીય ટી20 શ્રેણીમાં સૌથી વધુ રન બનાવનારો ભારતીય બેટ્સમેન બની ગયો છે. અગાઉ આ રેકોર્ડ કેએલ રાહુલના નામે હતો.
ભારતે જીતી સતત છઠ્ઠી સીરિઝ
ટીમ ઈન્ડિયાની ટી 20ક્રિકેટમાં આ સતત છઠ્ઠી શ્રેણીની જીત છે. આ પહેલા ભારતે ટી-20 સિરીઝમાં વેસ્ટ ઇન્ડીઝ, બાંગ્લાદેશ, શ્રીલંકા, ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું. ભારત છેલ્લી 9 સીરિઝથી અજેય રહ્યું છે. ટીમ ઈન્ડિયાને ફેબ્રુઆરી 2019 માં ટી20 શ્રેણીમાં છેલ્લી હાર મળી હતી. જ્યારે ઓસ્ટ્રેલિયાએ તેને માત આપી હતી. ઓસ્ટ્રેલિયાએ ભારતને બે મેચની ટી 20 શ્રેણીમાં ક્લિન સ્વીપ કર્યું હતું.
ડેવિડ મલાને રચ્યો ઈતિહાસ
ડેવિડ મલાને ટી20 મેચમાં એક મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. 46 બોલમાં 68 રનની શાનદાર ઇનિંગ્સ રમનારા ડેવિડ મલાને હવે ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી ઝડપી 1000 રન બનાવનારો બેટ્સમેન બની ગયો છે. તેણે 24મી મેચમાં આ સિદ્ધિ હાંસલ કરી હતી. અગાઉ આ રેકોર્ડ પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમના નામે હતો. બાબરે 26 મેચોમાં આ કારનામું કર્યું હતું.
રોહિત શર્માએ બનાવ્યો મોટો રેકોર્ડ
રોહિત શર્માએ આ મેચમાં 34 બોલમાં 64 રનની તોફાની ઇનિંગ્સ રમી હતી. આ સાથે તેણે ટી 20 આંતરરાષ્ટ્રીયમાં 2,864 રન બનાવ્યા છે. આ સાથે રોહિત આ ફોર્મેટમાં વિશ્વનો સૌથી વધુ રન બનાવનારો બીજો ખેલાડી બની ગયો છે. આ યાદીમાં વિરાટ કોહલી પ્રથમ નંબરે છે. કોહલીના નામે 3,000 થી વધુ રન છે.
રોહિતે આ મેચમાં 4 ફોર અને 5 સિક્સ ફટકાર્યા હતા. આ 10 મી વખત છે જ્યારે રોહિતે ટી -20 આંતરરાષ્ટ્રીય મેચમાં પાંચ કે તેથી વધુ સિક્સર લગાવી હતી.તેની સાથે જ તે આ કારનામું કરનારો વિશ્વનો એકમાત્ર ક્રિકેટર બની ગયો છે.